વૉર્ન, શેન (જ. 13 સપ્ટેમ્બર 1969, ફર્નટ્રીગલી, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા; અ. 4 માર્ચ 2022) : ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધારે વિકેટો લેવાનો શ્રીલંકાના ગોલંદાજ મુથૈયા મુરલીધરન પછી બીજા નંબરનો વિક્રમ પ્રસ્થાપિત કરનાર તથા વીસમી સદીના પાંચ સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં સ્થાન પ્રાપ્ત કરનાર ઑસ્ટ્રેલિયાના સ્પિન ગોલંદાજ. આખું નામ શેન કીશ વૉર્ન, પરંતુ ક્રિકેટવર્તુળમાં ‘વૉર્ની’ નામથી જાણીતા હતા. તેમણે પાંચ-દિવસીય ટેસ્ટ-મૅચોની કારકિર્દીની શરૂઆત પોતાના દેશ તરફથી જૂન, 1992માં ભારત વિરુદ્ધ સિડની ખાતે રમાયેલી ટેસ્ટ-મૅચથી કરી હતી. 2જી જાન્યુઆરી, 2007ના દિવસે ઇંગ્લૅન્ડ સામે મૅચ રમીને શેન વૉર્ને નિવૃત્તિ જાહેર કરી હતી.
એક-દિવસીય મૅચો રમવાની તેમની કારકિર્દી માર્ચ, 1993માં રમાયેલી વેલિંગ્ટન ખાતેની ન્યૂઝીલૅન્ડ સામેની મૅચથી શરૂ થઈ હતી અને તેમની છેલ્લી એક-દિવસીય મૅચ જાન્યુઆરી, 2005માં રમાયેલી મેલબૉર્ન ખાતેની આઇ.સી.સી. વિશ્વ એકાદશ (વર્લ્ડ ઇલેવન) વિરુદ્ધ એશિયા એકાદશ હતી. 145 પાંચ-દિવસીય ટેસ્ટ-મૅચો રમ્યા છે, જેમાં તેમણે 708 વિકેટો ઝડપી હતી તથા 3154 રન કર્યા હતા. 194 એક-દિવસીય મૅચો રમીને તેમણે 7,541 રન આપી 293 વિકેટો લીધી હતી તથા 1,018 રન કર્યા હતા. ટેસ્ટ અને વન-ડે બંને ફૉર્મેટમાં થઈને તેમણે 1001 આંતરરાષ્ટ્રીય વિકેટો લીધી હતી. એ બાબતમાં પણ શેન વૉર્ન મુરલીધરન પછી બીજા ક્રમે છે. લેગબ્રેક ગૂગલી દડા નાંખવામાં તેઓ પ્રાવીણ્ય ધરાવતા હતા. તેમના નામે એક હૅટ્રિક નોંધાઈ છે. વૉર્ન વિશ્વકપની ફાઇનલ મૅચમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી (Man-of-the Match) તરીકે પસંદગી પામ્યા હતા. વર્લ્ડકપની ફાઇનલ ઉપરાંત વૉર્ન સેમિફાઇનલમાં પણ 1999માં મૅન ઑફ ધ મૅચ બન્યા હતા. બે વખત સેમિફાઇનલમાં અને એક વખત ફાઇનલમાં મૅચ ઑફ ધ મૅચ બનવાનો અનોખો વિક્રમ શેન વૉર્નના નામે છે.
ચોથી જૂન, 1993ના રોજ ઑલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના માઇકલ ગેટિંગ સામે તેમણે ઐતિહાસિક બૉલ ફેંક્યો હતો. એ બૉલ ચમત્કારિક રીતે ટર્ન થઈને માઇકલ ગેટિંગને બૉલ કરતો ગયો હતો. શેન વૉર્નનો એ દડો 20મી સદીનો બૉલ ‘ઑફ ધ સૅન્ચુરી’ ગણાયો હતો. એ બૉલના કારણે તેમની કારકિર્દીને નવી ઊંચાઈ મળી હતી. 1994માં ઇંગ્લૅન્ડ સામે રમાયેલી ટેસ્ટ મૅચમાં શેન વૉર્ને 71 રનમાં આઠ વિકેટ ખેરવી હતી. એ ટેસ્ટમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 1996માં સિડનીમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલા વન-ડે મૅચમાં 33 રન આપીને પાંચ વિકેટ પાડી હતી. એ વનડેમાં તેમનો શ્રેષ્ઠ દેખાવ છે.
ધીમે ધીમે લુપ્ત થઈ રહેલી લેગસ્પિન બૉલિંગને ફરીથી જીવંત કરીને લોકપ્રિય બનાવવાનો યશ શેન વૉર્નને મળે છે. પ્રતિબંધિત માદક પદાર્થોના સેવનના ગુનાસર 2003માં એક વર્ષ માટે તેમના પર રમવાનો પ્રતિબંધ મૂકવામાં આવેલો, પરંતુ સજા પૂરી થયા બાદ તેઓ રમતમાં પૂરા જોશ અને તાકાત સાથે પાછા આવ્યા હતા અને તરત જ રમાયેલી ઑસ્ટ્રેલિયા-શ્રીલંકા શ્રેણીમાં શ્રીલંકાની 26 વિકેટો ખેરવીને તરખાટ મચાવ્યો હતો. વર્ષ 1994માં તેમને ‘વિઝડેન ક્રિકેટર ઑવ્ ધી યર’ જાહેર કરવામાં આવ્યા હતા; જ્યારે વર્ષ 2000માં તેમની ગણના વીસમી સદીના સર્વશ્રેષ્ઠ પાંચ ખેલાડીઓમાં ‘વિઝડન ક્રિકેટર્સ ઑવ્ ધ સૅન્ચુરી’ની યાદીમાં કરવામાં આવી હતી. નિવૃત્તિના એક વર્ષ પહેલાં 2006માં તેમને આઈસીસીએ પ્લેયર ઑફ ધ યર જાહેર કર્યા હતા. 2013માં શેન વૉર્નને આઈસીસી હૉલ ઑફ ફેમમાં સ્થાન મળ્યું હતું. શેન વૉર્ને ટેસ્ટ ક્રિકેટમાં 37 વખત પાંચ વિકેટ લીધી હતી. એક વખત એક મૅચમાં 10 વિકેટ પણ ઝડપી હતી.
ટી-20માં પણ તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય ટી-20ની શરૂઆત તો તેમની નિવૃત્તિ પછી થઈ હતી એટલે એવી મૅચ રમવાની તેમને તક મળી ન હતી, પરંતુ આઈપીએલ અને તે સિવાયની ઘણી ટી-20 મૅચ નિવૃત્તિ પછી શેન વૉર્ન રમ્યા હતા. રાજસ્થાન રોયલ્સના સુકાની શેન વૉર્નને બનાવાયા હતા અને તેમણે ટીમને આઈપીએલમાં વિજેતા બનાવી હતી. 2010માં રાજસ્થાન રોયલ્સ અને ડેક્કન ચાર્જર્સની મૅચમાં વૉર્ને 21 રન આપીને ચાર વિકેટ લીધી હતી. ટી-20માં એ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. શેન વૉર્ન 2011 સુધી એટલે કે ચાર વર્ષ સુધી રાજસ્થાન રૉયલ્સ માટે રમ્યા હતા. બિગ બેશ લીગમાં શેન વૉર્ન મેલબર્ન સ્ટાર્સ માટે રમતા હતા. 2014 પછી તેમણે લીગ ક્રિકેટ રમવાનું પણ બંધ કર્યું હતું. જોકે, તેઓ લેજન્ડસ ટુર્નામેન્ટ્સ છેક સુધી રમતા હતા. ક્રિકેટ ઉપરાંત કૉમેન્ટ્રીમાં પણ તેઓ છેલ્લે સુધી સક્રિય હતા.
ટેસ્ટ અને વન-ડે એમ બંને ફૉર્મેટમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ પણ કરી હતી. એ માટે પોતાની જર્સીથી લઈને વિવિધ ચીજવસ્તુઓની નિલામીમાંથી રકમ એકઠી કરીને દાન આપવાની સાથે સાથે વિવિધ મૅચ રમીને ભેગી કરેલી રકમમાંથી ગંભીર બીમારીમાં સપડાયેલાં ગરીબ બાળકોને મદદ કરતા હતા.
4 માર્ચ, 2022ના રોજ શેન વૉર્નનું 52 વર્ષની વયે થાઇલૅન્ડના વિલામાં મૃત્યુ થયું હતું. ઑસ્ટ્રેલિયાના મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં શેન વૉર્નનું બૉલિંગ ઍક્શનનું પૂતળું મૂકવામાં આવ્યું છે. તેમના અવસાન પછી હવે મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના એક સ્ટૅન્ડને એસ. કે. વૉર્ન સ્ટૅન્ડ નામ આપવાની જાહેરાત થઈ છે.
તેમની કારકિર્દીનો આલેખ :
I બૅટિંગની સરેરાશ
વર્ગ/શ્રેણી | મૅચોની સંખ્યા | દાવની સંખ્યા | અણનમ | રન | વધુમાં વધુ જુમલો | સરેરાશ |
પાંચ-દિવસીય ટેસ્ટ | 145 | 199 | 16 | 3,154 | 99 | 17.32 |
એક-દિવસીય મૅચો | 194 | 107 | 29 | 1,018 | 55 | 13.05 |
પ્રથમ શ્રેણીની મૅચો | 301 | 351 | 42 | 6,919 | 107
અણનમ |
19.43 |
II બૉલિંગની સરેરાશ
વર્ગ/શ્રેણી | મૅચોની સંખ્યા | દડાઓની સંખ્યા | રન | વિકેટોની સંખ્યા | સરેરાશ |
પાંચ દિવસીય ટેસ્ટ | 145 | 40,705 | 17,995 | 708 વિશ્વવિક્રમ | 25.41 |
એક દિવસીય મૅચો | 194 | 10,642 | 7,541 | 293 | 25.73 |
પ્રથમ શ્રેણીની મૅચો | 301 | 74,830 | 29,165 | 1,136 | 25.67 |
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
હર્ષ મેસવાણિયા