વૉન્ડ્જિના–ચિત્રકલા : ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓની ભીંતચિત્રકલા. વાયવ્ય ઑસ્ટ્રેલિયાના કિમ્બર્લી (Kimberley) પ્રદેશની ગુફાઓમાં આ ચિત્રકલાના નમૂના જોવા મળે છે. પ્રાચીન વડવાઓએ ચીતરેલાં મૂળ ચિત્રોને આધુનિક વૉન્ડ્જિના આદિવાસીઓ દર વર્ષે નવેસરથી ચીતરતા (repaint) રહે છે. આ આદિવાસીઓની માન્યતા એવી છે કે જો ચિત્રોને કોઈ વર્ષે નવેસરથી ચીતરવામાં આવે નહિ, અને ચિત્ર જો ઝાંખું પડી જાય તો દુકાળ પડે અને ભૂખમરાથી મૃત્યુ થાય. સામાન્યતયા દરેક ટોળીના સૌથી વૃદ્ધ માણસો પુનર્ચિત્રણ કરે છે. વિશાળ કદનાં આ ચિત્રોમાં બિહામણી અને વિકરાળ માનવ-આકૃતિઓ જોવા મળે છે. વળી, મોટી કાળીધબ ડરામણી આંખો ધરાવતા ચહેરા પર હોઠનું આલેખન કરવામાં આવતું નથી. ચહેરા પાછળ ઘણી વાર લાલ આભામંડળ (halo) જોવા મળે છે. હાથપગ તો લાકડી કે દોરડી જેવા તુચ્છ જણાય છે. માનવચહેરા અને શરીર હંમેશાં ઝાંખાં પીળાં કે સફેદ રંગમાં ચીતરવામાં આવે છે. વાયવ્ય ઑસ્ટ્રેલિયામાં આવેલી વોનાલિરિ ગુફા વૉન્ડ્જિના- ચિત્રકલા માટે ખૂબ જાણીતી છે.
અમિતાભ મડિયા