વૉટર હાઇસિન્થ (Water Hyacynth) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોન્ટેડેરિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Eichhornia crassipes syn. Pontederia crassipes છે. તેને ગુજરાતીમાં નાળો કે નકવી અને હિંદીમાં જળકુંભી કહે છે.
આ છોડ પાણીમાં થતા શોભાના અને સુંદર ફૂલવાળા છોડ માટે એક આક્રમક નીંદામણ છે; કારણ કે થોડા વખતમાં બીજા છોડ ઉપર ભીંસ લાવીને એને તે વધવા દેતો નથી, અથવા એને ખલાસ પણ કરે છે. તેનું પ્રકાંડ ભૂસ્તારિકા (offset) પ્રકારનું હોય છે. પર્ણની કક્ષમાંથી ઉદ્ભવતી શાખા ટૂંકી અને જાડી હોય છે, જે વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે છે. તેના દ્વારા નવા છોડ ખૂબ ઝડપથી ઉત્પન્ન થાય છે. તેના પર્ણદંડ ફૂલેલા હોય છે અને તે બધાં પાણી ઉપર તરે છે. આ છોડને ઊભા પ્રવૃંત (scape) ઉપર નાનાં નાનાં ભૂરા રંગનાં સુંદર ફૂલો અને લગભગ ગોળ આકારનાં સાધારણ કદનાં લીલાંછમ પાન આવે છે અને તેથી નીંદામણની રીતે ઉપયોગમાં આવતો આ છોડ શરૂઆતમાં શોભા આપે છે. ફૂલ મુખ્યત્વે ઉનાળામાં આવે છે, છતાં બારે માસ કોઈ ને કોઈ ફૂલ જોવા મળે છે ખરું. આ છોડની ઊંચાઈ (ફૂલની ટોચ) પાણી ઉપર 40 સેમી.થી 50 સેમી. જેટલી હોય છે. ગાંઠમાંથી છૂટો પાડીને મૂકવાથી નવો છોડ તૈયાર થાય છે.
રસ્તાની બંને બાજુએ ખોદેલા ખાડામાં પાણી ભરાઈ રહે ત્યાં આ છોડ મુખ્યત્વે કોઈ પણ જાતની માવજત વગર ઊગતા જોવા મળે છે. કોઈ એકાદ છોડ ખેંચીને બીજે નાખે તો પાછો આ છોડ ત્યાં ચોંટીને ઊગવા માંડે છે. જ્યાં ફક્ત આ છોડ જ ઉછેરવા છે ત્યાં અવારનવાર આના જૂથમાંથી થોડા થોડા છોડ કાઢી નાખવા જોઈએ; તો જ બીજા છોડ સારી રીતે ફૂલેફાલે છે.
મ. ઝ. શાહ