વૈરામુતુ, આર. (જ. 13 જુલાઈ 1953, વડુગાપટ્ટી, જિ. મદુરાઈ, તામિલનાડુ) : તમિળ કવિ અને ઊર્મિકાવ્યકાર. તેમણે મદ્રાસ (ચેન્નાઈ) યુનિવર્સિટીમાંથી તમિળમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. તેમણે તેમની કારકિર્દી લેખનકાર્ય, ઊર્મિકાવ્યરચના અને ચિત્રપટકથાથી શરૂ કરેલી.
તેમણે અત્યાર સુધીમાં 30 ગ્રંથો આપ્યા છે. તેમાં તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહોમાં ‘વૈગરાય મેગન્ગલ’ (1972); ‘એન જન્નાલિન વળૈયે’; ‘કાવી નિરાતિલ ઓરુ કધલ’; ‘કેલ્વિગલલ ઓરુ વેલ્વી’; ‘એન પળય પનઈ ઓલૈગલ’; ‘એલ્લા નાડિયમ એન ઓડમ’; ‘ઇધનાલ સગલમાનવર્ગાલુક્કુમ’; ‘વૈરામુતુ તિરઈ પડલગલ’ (બે ભાગમાં) અને ‘ઇન્નોરુ દેસિયા ગીતમ્’(1981)નો સમાવેશ થાય છે. ‘કવિરાજન્ કથાઈ’ (1982) કાવ્યમય ચરિત્ર છે. ‘વડુગાપટ્ટી મુઘલ વૉલ્ગા વરઈ’ પ્રવાસકથા છે. ‘ઇધુવરાઈ નાન’ (1982) તેમની આત્મકથા છે. તદુપરાંત ‘તમિળુક્કુ નિરમુન્ડુ’ (1997); ‘વિલ્લોડુ વા નિલવે’ (1993) તેમની લોકપ્રિય નવલકથાઓ છે.
તેમને તેમના જાણીતા ઊર્મિકાવ્યસંગ્રહો બદલ રાષ્ટ્રપતિનો રાષ્ટ્રીય એવૉર્ડ (3 વખત); રાજ્ય સરકારના એવૉર્ડ (3 વખત); તથા ક્લૈમામણિ એવૉર્ડ પ્રાપ્ત થયા છે. તેમણે યુકે, યુ.એસ., રશિયા, સિંગાપુર, મલેશિયા, શ્રીલંકા, ચીન વગેરે દેશોનો પ્રવાસ ખેડ્યો છે.
બળદેવભાઈ કનીજિયા