વૈયક્તિક માલિકી વેપાર (Retail Business)
March, 2005
વૈયક્તિક માલિકી વેપાર (Retail Business) : આર્થિક ક્ષેત્રે વાણિજ્યવ્યવસ્થાનાં જુદાં જુદાં સ્વરૂપો પૈકીનું સૌથી વધારે પ્રાચીન અને વ્યાપક સ્વરૂપ. ‘રીટેલ બિઝનેસ’થી ઓળખાતા વાણિજ્ય- વ્યવહારોમાં સૌથી પહેલી વાર વ્યવસ્થાના આ સ્વરૂપે સ્થાન લીધું હતું, તેથી કેટલીક વાર તેને એકાકી વેપાર તરીકે ઓળખવામાં આવે છે. તેની સ્થાપના સૌથી વધારે સરળ છે અને સૌથી વધારે સરળતાથી આ સ્વરૂપ ધંધામાંથી વિદાય લઈ શકે છે. ખૂબ નાના આર્થિક ક્ષેત્રમાં એ સેવા આપી શકે છે તેથી નાનાં બજારોમાં અને વારંવાર જેમાં પુનરાવર્તન થાય છે તેવા આર્થિક વ્યવહારોના ક્ષેત્રે આ સ્વરૂપનું પ્રાધાન્ય છે. અલબત્ત, આ સ્વરૂપ મોટા પાયા પરના આર્થિક વ્યવહારો પણ સંભાળી શકે છે અને હકીકતે દુનિયાભરમાં એવા વ્યવહારો સંભાળે પણ છે. આ સ્વરૂપ એટલું બધું નાનું હોય છે કે જેથી ઝીણવટભર્યાં આર્થિક સર્વેક્ષણોમાંથી તે છટકી જાય છે. આમ છતાં એક અંદાજ એવો છે કે કુલ ધંધાદારી સંસ્થાઓના 60 ટકાથી પણ વધારે સંસ્થાઓ સમગ્ર વિશ્વમાં આ પ્રકારની છે.
આ સ્વરૂપની વ્યાખ્યા અનુસાર કોઈ એક જ વ્યક્તિ ધંધાની સ્થાપના કરે, પોતીકી અથવા પોતાની શાખ આધારિત મૂડી ધંધામાં રોકે અને ધંધાના પરિણામસ્વરૂપ ઊભી થતી બધી જવાબદારી ઉઠાવે અને નફા કે નુકસાનને પ્રાપ્ત કરે. ધંધાના આવા સ્વરૂપને વૈયક્તિક માલિકી વેપાર કહેવામાં આવે છે.
વૈયક્તિક માલિકી વેપારમાં માલિકી અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય છે; છતાં કેટલીક વાર તે વ્યક્તિ સંચાલનની સત્તા-સોંપણી અન્યોને પણ કરી શકે છે; પરંતુ માલિકી તો પોતાની પાસે રાખે છે. કુલમુખત્યારનામું કરીને તે અન્યોને માલિકી જેવો હક તબદીલ કરી શકે છે; પરંતુ અન્ય વ્યક્તિના કામકાજ માટે મૂળ માલિક જ જવાબદાર રહે છે. આ પ્રકારના સ્વરૂપમાં જવાબદારી તબદીલ કરી શકાતી નથી અને તે અમર્યાદિત હોય છે. જવાબદારી અમર્યાદિત હોવાને કારણે ધંધાના કોઈ પણ વ્યવહારને પરિણામે તેની જવાબદારી વધી જાય નહિ તે માલિક જોતો હોય છે. નફાના ઉદ્દેશથી ધંધો ચલાવે છે તેથી માલિક ધંધાના વ્યવહારોમાંથી શક્ય એટલો વધારે નફો પ્રાપ્ત કરવા મથે છે. અમર્યાદિત જવાબદારી અને મહત્તમ નફાના હેતુને કારણે માલિક ધંધામાં અંગત રસ લે છે. ધંધાની સફળતા માલિકના કુટુંબના જીવન પર સીધી અસર કરે છે. તેથી એના કુટુંબના સભ્યો પણ ધંધામાં રસ લે છે. આમ વ્યક્તિ અને કુટુંબના સભ્યોનું સ્વાસ્થ્ય અને આયુષ્ય આ ધંધા પર સીધી અસર કરે છે. કાયદાની ષ્ટિએ કોઈ પણ કાયદેસરનો ધંધો એના ધંધાદારીથી અલગ હોય છે, તોપણ આ પ્રકારની વ્યવસ્થાના સ્વરૂપમાં માલિક ધંધાનો કર્તા, હર્તા અને ભોક્તા બની રહે છે.
અશ્વિની કાપડિયા