વૈદિક વેદ પ્રતાપ (ડૉ.) (. 30 ડિસેમ્બર 1944, ઇન્દોર, મધ્ય પ્રદેશ) : હિંદી તથા અંગ્રેજીના પંડિત. તેમણે 1965માં ઇન્દોર યુનિવર્સિટીમાંથી પૉલિટિકલ સાયન્સ સાથે એમ.એ.; 1971માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનૅશનલ અફેર્સમાં પીએચ.ડી. તથા 1967માં રશિયન, 1968માં ફારસી અને સંસ્કૃત ભાષાઓમાં ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ભારતીય વિદેશનીતિ અને ભારતીય ભાષા સંમેલન માટેની પરિષદના અધ્યક્ષ રહ્યા. 1989-95 દરમિયાન તેઓ ‘પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયાભાષા’, 1986માં ‘નવભારત ટાઇમ્સ’ના સંપાદક રહ્યા. 1981-83 દરમિયાન તેઓ આઇડીએસએ(IDSA)ના સિનિયર ફેલો; 1970-74 સુધી એમ. એલ. નહેરુ કૉલેજ, દિલ્હી યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના અધ્યાપક; ઇન્ડિયા ઇન્ટરનૅશનલ સેન્ટરના સભ્ય; એડિટર્સ ગિલ્ડ, ઇન્ડિયાના આજીવન સભ્ય તથા 1975-77 સુધી ‘હિંદુસ્તાન સમાચાર’ના નિયામક પણ રહ્યા. તેઓ 197480 સુધી હિંદી પત્રકારિતા સમિતિના સેક્રેટરી જનરલ તથા 1981-83 સુધી દિલ્હી હિંદી સાહિત્ય સંમેલનના સેક્રેટરી પણ હતા. વિવિધ મંત્રાલયોની હિંદી સલાહકાર સમિતિઓના તેઓ સભ્ય પણ રહેલા. વળી તેમણે આઇસીએસએસઆરની સિનિયર ફેલોશિપ પ્રાપ્ત કરેલી.

અત્યાર સુધીમાં તેમણે હિંદીમાં 6 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘હિંદી પત્રકારિતા : વિવિધ આયામ’ (1976); ‘હિંદી કા સંપૂર્ણ સમાચાર કૈસા હો’ (1994, બંને પત્રકારત્વ પરના ગ્રંથો); ‘અફઘાનિસ્તાન મેં સોવિયેત-અમેરિકી પ્રતિસ્પર્ધા’ (1973); ‘ભારતીય વિદેશનીતિ : નયે દિશાસંકેત’ (1980, બંને રાજનીતિ-વિષયક ગ્રંથો); ‘અંગ્રેજી હટાઓ : ક્યોં ઔર કૈસે’ (1994, નિબંધસંગ્રહ); ‘ઍથ્નિક ક્રાઇસિસ ઇન શ્રીલંકા : ઇન્ડિયાઝ ઑપ્શન્સ’ (1985) ઉલ્લેખનીય છે. તેમણે અમેરિકા, રશિયા, ચીન, ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ, જાપાન, જર્મની, ઈરાન, મૉરિશિયસ વગેરે દેશોનો પ્રવાસ પણ ખેડ્યો છે.

તેમના મહત્વના પ્રદાન બદલ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી 1970માં ગોવિંદવલ્લભ પંત પુરસ્કાર; 1972માં કાબુલ યુનિવર્સિટી ઍવૉર્ડ તથા લાલા લજપતરાય ઍવૉર્ડ વગેરે તેમને આપવામાં આવ્યા હતા. 1990માં દિલ્હી હિંદી અકાદમી ઍવૉર્ડ, 1991માં દિનકર રાષ્ટ્રીય શિખર સન્માન અને 1991માં ડૉ. રામમનોહર લોહિયા, કાનપુર તરફથી તેમને અભિનંદનીય સન્માન પ્રાપ્ત થયાં હતાં.

બળદેવભાઈ કનીજિયા