વૈદિક જાતિ : વેદમાં ઉલ્લેખાયેલી જાતિઓ. વેદકાલીન ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં ચોક્કસ કુળ અને કુટુંબના લોકોના વર્ગોને જાતિ કે ટોળીના નામે ઓળખવામાં આવે છે. ઋગ્વેદ વગેરેમાં તેમના કેટલાક ઉલ્લેખો મળે છે, તેથી તે ‘વૈદિક જાતિ’ એવી સંજ્ઞાથી ઓળખાય છે.

પ્રાચીન ભારતીય સાહિત્યના કાળક્રમે ઉપલબ્ધ થતા સર્વપ્રથમ સ્મારક તરીકે વેદનું સ્થાન મહત્વનું છે. તે રીતે વેદમાં જેમના જીવન-વ્યવહારનું પ્રતિબિંબ જોવા મળે છે તે વૈદિક જાતિ પણ અતિ પ્રાચીન છે. આ સમય કયો હશે તે વિશે અનેક વિભિન્ન મતો છે. ઈ. પૂ. 6500(ટિળકના મત મુજબ)થી લઈને ઈ. પૂ. 1200 (મૅક્સમ્યૂલરના મત મુજબ) જેવા જુદા જુદા કાલખંડો આ સંદર્ભે સૂચવાયા છે.

તુલનાત્મક ભાષાવિજ્ઞાનના કેટલાક તજ્જ્ઞો પ્રાચીન એશિયન અને યુરોપિયન દેશોની ભાષાઓ વચ્ચે આશ્ર્ચર્યકારક સામ્ય જોઈ, એક સમયે કોઈ એક જ મહાજાતિ એક સામાન્ય ભાષા બોલતી હશે તેવી ધારણા કરે છે અને એ સૂચિત ભાષાને તેમણે ભારત-યુરોપીય (ઇન્ડો-યુરોપિયન) ભાષા એવું નામ આપ્યું છે, તથા તેના આધારે તેઓ એવા નિર્ણય પર આવ્યા કે આ મહાજાતિએ જુદા જુદા સમૂહોમાં તેમના મૂળ નિવાસેથી નિષ્ક્રમણ કર્યું હતું. તેમાંનો એક સમૂહ ભારતના સપ્ત-સિંધુના ફળદ્રૂપ પ્રદેશમાં વસ્યો, તે જ વૈદિક જાતિ છે; તો કેટલાક અન્ય વિદ્વાનોના મતે વૈદિક જાતિ બહારથી આવેલી નથી; પણ તે પહેલેથી ભારતમાં જ હતી અને વ્યાપાર કે અન્ય પ્રયોજનથી તે જાતિના કેટલાક ઘટકોએ યુરોપના દેશોમાં નિષ્ક્રમણ કર્યું હશે.

વૈદિક જાતિ વિશેની માહિતી વેદની સંહિતાઓ અને બ્રાહ્મણ ગ્રંથો વગેરેમાંથી મળે છે; પરંતુ વિદ્વાનોમાં એ વિશે તીવ્ર મતભેદો છે.

(1) ભરત : ભરત જાતિ વૈદિક જાતિઓમાં મુખ્ય છે. આ જાતિના લોકો સરસ્વતી અને યમુના નદી વચ્ચેના પ્રદેશમાં રહેતા હતા. બધી જાતિઓમાં ભરત જાતિ સૌથી બળવાન હતી. તૃત્સુ જાતિના લોકો તેમના મિત્રો તો પુરુ જાતિના લોકો, તેમના શત્રુઓ હતા. ભરત જાતિના લોકોએ સરસ્વતી અને દૃષદ્વતી નદીના કાંઠે ઘણા યજ્ઞો કરેલા. રાજા સુદાસ પૈજવન ભરત જાતિનો મુખ્ય વિજયી રાજા હતા. તેમણે પોતાના રાજ્યની પશ્ચિમે અનુ, પુરુ, યદુ, તુર્વશ, દ્રુહ્યુ, અલિન, પક્થ, ભલાનસ્, શિવ અને વિષાણિન્ – એ દસ આર્ય જાતિઓના રાજાઓ સાથે પુરુષ્ણી (વર્તમાન રાવી) નદીના કાંઠે યુદ્ધ કરી તેમને હરાવેલા. એવા બીજા એક યુદ્ધમાં ભરત જાતિના લોકોએ તેમના રાજ્યની પૂર્વમાં અજ, શિગ્રુ અને યક્ષુ નામની ત્રણ અનાર્ય જાતિના લોકોને હરાવેલા. ભરત જાતિના લોકોએ વિપાટ્ (વર્તમાન બિયાસ) અને શુતુદ્રી (વર્તમાન સતલજ) નદી અને સિંધુ નદીને ઓળંગી ત્યાં સુધી તેમના પુરોહિત કુશિકના પુત્ર વિશ્ર્વામિત્ર હતા. એ પછી કોઈક કારણસર વસિષ્ઠ પુરોહિત બન્યા અને વિશ્ર્વામિત્ર દાશરાજ્ઞ યુદ્ધ વખતે ભરત જાતિના શત્રુ બન્યા. ભરત જાતિના લોકો પરથી આ દેશને ‘ભારત’ નામ મળ્યાનો એક મત છે. વસિષ્ઠ એ પછી અયોધ્યાની આસપાસ રાજ્ય કરતી ઇક્ષ્વાકુ જાતિના પુરોહિત થયેલા.

(2) તૃત્સુ : આર્યોની આ બીજી જાતિ છે. આ જાતિના લોકો પુરુષ્ણી નદીની પૂર્વના પ્રદેશમાં રહેતા હતા. ભરત જાતિની જેમ તૃત્સુ જાતિના લોકો પણ પુરુ જાતિના લોકોથી દુશ્મનાવટ ધરાવતા હતા માટે તૃત્સુ અને ભરત જાતિના લોકો પુરુ જાતિ સામે યુદ્ધ કરવામાં એકબીજાના સહાયક હતા એમ લુડવિગ માને છે. ઓલ્ડનબર્ગના મતે તૃત્સુ જાતિના લોકો ભરત જાતિના લોકોના પુરોહિત હતા. પરિણામે તેમના પુરોહિત વસિષ્ઠ તૃત્સુ જાતિના હતા. ઋગ્વેદમાં તૃત્સુ જાતિના લોકો શ્રીંજય જાતિના લોકો સાથે મિત્રતા ધરાવતા હોવાનો ઉલ્લેખ છે. રાજા અતિથિગ્વ દિવોદાસ તૃત્સુ જાતિમાં વિજયી રાજા હતો. તેણે પુરુ જાતિના લોકોને હરાવેલા. પુરુઓના સહાયક યદુ જાતિ અને તુર્વશ જાતિના લોકોને તેમજ શંબર, દાસ અને પણિ જાતિના લોકોને પણ હરાવેલા. દિવોદાસ રાજા વૈદિક સૂક્તોનો રચયિતા પણ છે.

(3) પુરુ : ભરત અને તૃત્સુની સામે લડનારી આ જાતિ મુખ્ય જાતિ છે. આ જાતિના લોકો સરસ્વતી નદીની બંને બાજુઓના પ્રદેશમાં રહેતા હતા. અનુ, દ્રુહ્યુ, તુર્વશ અને યદુ જાતિઓના લોકો પુરુ જાતિના લોકોના મદદગાર હતા. પુરુ જાતિના દુર્ગહ, ગિરિક્ષિત્, પુરુકુત્સ અને ત્રસદસ્યુ એ શૂરવીર રાજાઓ હતા. એમાંનો પુરુકુત્સ ભરત જાતિના સુદાસ પૈજવન રાજાનો સમકાલીન રાજા હતો અને તેણે દાસ જાતિના લોકોને હરાવેલા. એના પુત્ર ત્રસદસ્યુએ દસ્યુ જાતિના લોકોને હરાવેલા. ભરત જાતિના રાજા સુદાસ અને તૃત્સુ જાતિના દિવોદાસ તથા પુરુ જાતિના રાજા પુરુકુત્સ અને ત્રસદસ્યુ વચ્ચે મિત્રતાના ઋગ્વેદમાં મળતા ઉલ્લેખો ભરત, તૃત્સુ અને પુરુ એ ત્રણેય જાતિઓ પાછળથી ભેગી થઈ અને ‘કુરુ’ એ નામે ઓળખાવા લાગી એમ સૂચવે છે અને કુરુક્ષેત્ર એ પ્રદેશનું નામ પણ તેમના પરથી પડ્યું. અલબત્ત, ઋગ્વેદમાં ‘કુરુ’ શબ્દનો ક્યાંય નિર્દેશ થયો નથી; પરંતુ પુરુ વંશના કુરુશ્રવણ નામના રાજાને ત્રસદસ્યવ એવું નામ આપવામાં આવ્યું છે તે પરથી વિદ્વાનો આમ માને છે. આમ વેદકાળના અંતિમ ભાગમાં કુરુ જાતિ પણ અસ્તિત્વમાં આવી હતી.

(4) ક્રિવિ : કુરુ જાતિના લોકો સાથે ક્રિવિ નામની ચોથી જાતિના લોકો સંકળાયેલા હતા. આ જાતિના લોકો સિંધુ નદી અને અસિક્ની (વર્તમાન ચેનાબ) નદીની વચ્ચેના પ્રદેશમાં રહેતા હતા. આગલી ત્રણ જાતિઓની તુલનામાં તે ગૌણ જાતિ છે. પાછળથી આ જાતિના લોકો યમુના નદી ઓળંગી પૂર્વમાં આગળ ગયેલા અને આ પ્રદેશને પાંચાલ એવા નામથી ઓળખવામાં આવ્યો છે. શતપથ-બ્રાહ્મણમાં ક્રિવિને પાંચાલનું જૂનું નામ ગણાવ્યું છે. કુરુ અર્થાત્ ભરત, પુરુ, તૃત્સુ વગેરે જાતિના લોકો સાથે ક્રિવિ અર્થાત્ પાંચાલ જાતિના લોકો ભળ્યા તેથી કુરુપાંચાલ એવું નામ અસ્તિત્વમાં આવ્યું અને ‘ક્રિવિ’ નામ ભુલાઈ ગયું.

(5) શ્રીંજય : તૃત્સુ જાતિના લોકો સાથે ગાઢ રીતે સંકળાયેલી આ પાંચમી જાતિ છે. શ્રીંજય જાતિના લોકો પાંચાલ પ્રદેશમાં જ રહેતા હતા. તેઓ તૃત્સુ જાતિના લોકોની નજીકમાં રહેતા હોવાથી બંને વચ્ચેનો સંબંધ ગાઢ હતો. એટલે તેઓ સિંધુ નદીની પૂર્વના પ્રદેશમાં રહેતા હતા. દૈવવાત આ જાતિનો વિજયી વીર રાજા હતો. રાજા દૈવવાતે તુર્વશ અને વૃચીવંત જાતિના લોકોને હરાવેલા. ભરત અને શ્રીંજય જાતિના લોકો તુર્વશ જાતિના લોકોના શત્રુ હતા. શ્રીંજય જાતિના પ્રસ્તોકની રાજા દિવોદાસની સાથે સ્તુતિ કરવામાં આવી છે, જે શ્રીંજય જાતિને ગૌરવ અપાવે તેવી છે.

(6) અન્ય આર્ય જાતિઓ : દ્રુહ્યુ જાતિ, તુર્વશ જાતિ અને અનુ જાતિ અસિક્ની અને પુરુષ્ણી નદીઓની વચ્ચેના પ્રદેશમાં રહેતી હતી. તુર્વશ જાતિની સાથે જ યદુ જાતિના ઉલ્લેખો સામાન્ય રીતે ઋગ્વેદમાં મળે છે. તુર્વશ અને યદુ જાતિના લોકો દક્ષિણ પંજાબ અને તેની પણ દક્ષિણે આવેલા પ્રદેશમાં રહેતા હતા. પાછળના સમયમાં તુર્વશ જાતિ યદુ જાતિ સાથે ભળી ગઈ અને તુર્વશ નામ ભુલાઈ ગયું અને બંને જાતિ પાંચાલમાં રહેતા લોકો સાથે ભળી ગઈ. ઋગ્વેદમાં જેનો ઉલ્લેખ નથી તેવી મત્સ્ય જાતિ છે. વર્તમાન અલ્વર, ભરતપુર અને જયપુરના પ્રદેશમાં મત્સ્ય જાતિના લોકો રામાયણ અને મહાભારતના યુગમાં રહેતા હતા તે વેદકાળમાં પણ ત્યાં રહેતા હોવાનું સૂચવે છે.

(7) અનાર્ય જાતિઓ : અજ, શિંગ્રુ અને યક્ષુ જાતિના લોકો પૂર્વ ભારતમાં રહેતા હતા. તેઓ અનાર્ય હતા એમ માનવામાં આવે છે.

વળી, ભારતની વાયવ્ય સરહદે પક્થ, ભલાનસ્, વિષાણિન્, અલિન અને શિવ – એ પાંચ અનાર્ય જાતિઓ રહેતી હતી. એમાં પક્થ જાતિના લોકો અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં રહેતા હતા. તેમની દક્ષિણે ભલાનસ્ જાતિના લોકો રહેતા હતા. તેમની દક્ષિણે ક્રુમુ અને ગોમતી નદીની વચ્ચેના પ્રદેશમાં વિષાણિન્ જાતિના લોકો રહેતા હતા. અફઘાનિસ્તાનની વાયવ્ય બાજુના પ્રદેશમાં અલિન જાતિના લોકો રહેતા હતા, જ્યારે શિવ જાતિના લોકો સિંધુ અને વિતસ્તા નદીની વચ્ચેના પ્રદેશમાં રહેતા હતા.

(8) પ્રકીર્ણ જાતિઓ : ઇક્ષ્વાકુ નામની જાતિના લોકો અયોધ્યાની આસપાસના પ્રદેશમાં રહેતા હતા. રામ, રઘુ વગેરે વીર રાજાઓ છેક દક્ષિણમાં લંકા સુધી પહોંચેલા. ચેદિ જાતિના લોકો યમુના નદી અને વિંધ્ય પર્વતની વચ્ચેના પ્રદેશમાં રહેતા હતા. ચેદિ જાતિના બળવાન રાજા કશુએ તેના પુરોહિતને દાનમાં ગુલામ તરીકે દસ રાજાઓને આપ્યા હોવાનો ઉલ્લેખ ઋગ્વેદમાં મળે છે. પુરાણોમાં ચેદિ જાતિને યદુ જાતિનો એક ફાંટો માનવામાં આવી છે. એવી જ બીજી ઉશીનર જાતિના લોકો કુરુપાંચાલને અડીને આવેલા મધ્યદેશમાં રહેતા હોવાનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણમાં મળે છે. ગાંધારી જાતિના લોકો ભારતની વાયવ્ય સરહદે રહેતા હતા. લુડવિગ અને વેબર ઋગ્વેદમાં આવતા ‘પૃથુપાર્શ્ર્વ’ શબ્દમાં પારસીઓની જાતિનો ઉલ્લેખ માને છે. પારાવત જાતિના ઉલ્લેખોમાં યમુના અને સરસ્વતી નદીના નિર્દેશો ઋગ્વેદમાં મળતા હોવાથી પારાવત જાતિના લોકો યમુના નદીના કાંઠે રહેતા હતા એમ કહી શકાય. કીકટ જાતિના લોકો અને તેમના રાજા પ્રમગંડનો ઉલ્લેખ ઋગ્વેદમાં મળે છે. તેઓ આર્ય હતા કે અનાર્ય એ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. કીકટ જાતિના લોકો મગધના પ્રદેશમાં રહેતા હતા.

પણિ, દાસ અને દસ્યુ જાતિના લોકો આર્યોના વિરોધીઓ હતા. આર્યોની ઉદારતા અને રસમો તેમનામાં ન હતી. પણિઓ વેપારી હતા, પશુપાલન કરતા, ભ્રષ્ટાચારી હતા અને પશુઓને ઉઠાવી જનારા ચોર, સ્વાર્થી અને લોભી હતા. વલ અને બ્રિબુ તેમના રાજા અને સહાયક હતા. દાસ જાતિના લોકો આર્યોના દુશ્મન અને રાક્ષસી બળવાળા હતા. શરીરે કાળા અને ચપટા નાકવાળા તથા અશુભ વાણીવાળા હતા. પાછળથી તેઓ ગુલામ બન્યા હશે એમ જણાય છે. દાસ જાતિના રાજાઓ તરીકે ઇલિબિશ, ધુનિ, ચુમુરિ, શંબર, વર્ચિન્, પિપ્રુ વગેરે નામો મળે છે. તેઓ ગંગા નદીના ખીણના પ્રદેશમાં રહેતા હતા. દસ્યુ જાતિના લોકો દેવો, બ્રાહ્મણો અને ધાર્મિક યજ્ઞ વગેરે વિધિઓને માનતા ન હતા; તેથી ધાર્મિક દૃષ્ટિએ તેઓ આર્યોના શત્રુ હતા. આર્યો અને તેમના દેવોના શત્રુઓ એવા અસુર જાતિના લોકો હતા. ડૉ. ભાંડારકર અસુરોને એસીરિયાના નિવાસી માને છે અને શતપથ-બ્રાહ્મણના ઉલ્લેખ મુજબ તેઓ મગધ અથવા દક્ષિણ બિહારના પ્રદેશમાં રહેતા હોવાનો મત ધરાવે છે. રાક્ષસો અને પિશાચો ઋગ્વેદના સમયે જાતિઓ ન હતી, છતાં પાછળના સમયમાં તે પણ જાતિવાચી શબ્દો બનેલા એ નોંધવું ઘટે.

સંક્ષેપમાં, વૈદિક જાતિઓને જનજાતિ કે ટોળી (tribe) તરીકે ઓળખાવી શકાય. જેમ પ્રાચીન ભારતમાં બ્રાહ્મણ વગેરે ચાર વર્ણો વેદકાળના અંતભાગમાં પડ્યા હતા, તેમ વેદકાળમાં અને પુરાણકાળમાં આવી ટોળીઓ કે જનજાતિઓ હતી. તેને લીધે જ ભારતવર્ષમાં જુદા જુદા પ્રદેશોમાં જુદાં જુદાં રાજ્યો સ્થપાયાં. આર્યોએ પોતાની આર્ય સંસ્કૃતિની આણ ધીરે ધીરે આખા ભારતવર્ષમાં ફેલાવી. તેથી ભારત દેશ વિવિધતામાં એકતા બતાવનારો દેશ બન્યો.

વસંત પરીખ

પ્ર. ઉ. શાસ્ત્રી