વૈજવાપાયન વંશ : રાજપીપળાનો એક રાજવંશ. નંદપદ્ર – આજના રાજપીપળામાંથી મળેલ તામ્રદાનશાસન ઉપરથી (વિ. સં. 1347) ઈ. સ. 1290માં આ પ્રદેશમાં વૈજવાપાયન રાજવંશની સત્તા હોવાનું જાણવા મળે છે. આ દાનશાસનમાં મહારાજકુલ શ્રી ચાચિગદેવથી શરૂઆત કરી એના પુત્ર મહારાણક શ્રી સોઢલદેવ, એનો પુત્ર મહારાણક શ્રી જેસલદેવ, એનો પુત્ર મહારાજકુંવર શ્રી જૈત્રસિંહ હોવાનું જણાવ્યું છે. ચાચિગદેવ ‘મહારાજકુલ’ (મહારાવળ) છે અને પછીના બે ‘મહારાણક’ એટલે કોઈ મોટા રાજ્યના સામંત હોવાનું સમજાય છે. અહીં ચાચિગદેવને ‘નૃપ’ કહ્યો છે અને વિશેષમાં એને માળવાના રાજવીનું ઉન્મૂલન કરનારો કહ્યો છે.
એક ચાચિગદેવ ભીમદેવ 2જાના સમયમાં એના પાદપદ્મોપજીવી તરીકે રાણકની પદવી ધરાવતો હોવાનું તળાજા પાસેના ટીંબાણાના મેહરરાજ જગમલ્લના ઈ. સ. 1208ના તામ્રશાસનમાં જોવા મળે છે. ‘સુરથોત્સવ’માં સોમેશ્વરે ઈ. સ. 1209 પૂર્વે સોલંકી રાજાએ કુમાર નામના સેનાપતિને માળવાના વિંધ્ય વર્માને કાબૂમાં લેવા મોકલ્યો તે વખતે સાથે ચાચિગદેવ ગયો હતો. વિંધ્ય વર્માને હરાવવામાં ચાચિગદેવે મહત્વનો ભાગ ભજવ્યો હોય અને એના બદલામાં ભીમદેવ તરફથી નંદપદ્ર પ્રદેશનું સામંતપદ એને મળ્યું હોય તો ઈ. સ. 1290ના દાનશાસનમાં વૈજવાપાયન વંશનો આરંભ ચાચિગદેવથી થાય છે તે બંધ બેસી શકે. આમ આ નવા વંશનો આરંભ ઈ. સ. 1208 પછી નજીકનાં વર્ષોમાં થયો હોવાનું જણાય છે.
શ્રી ચાચિગદેવના પુત્ર સોઢલને ‘મંડલેશગજકેસરી’ કહ્યો છે. સોઢલે કોઈ મંડલેશ્વર(સામંત)ને હરાવ્યો હતો. લાટની ચાલુક્યની બીજી શાખાના રામદેવના ભત્રીજા વીરસિંહદેવનો પુત્ર કર્ણદેવ ઈ. સ. 1220માં હયાત હતો. સંભવ છે કે સોઢલને આ કર્ણદેવ સાથે અથડામણ થઈ હોય અને એમાં વિજય મળ્યો હોય.
મહારાણક સોઢલદેવના પુત્ર જેસલદેવને ‘મરૂન્મહીમંડલમંડન’ કહ્યો છે. જેસલના દીર્ઘ રાજકાલમાં યાદવરાજ સાથે અથડામણ થઈ છે અને એમાં એનો મોટો પુત્ર વીસલ યશોભાગી સમજાય છે.
ઈ.સ. 1290માં મહારાણક શ્રી જેસલનો પુત્ર જૈત્રસિંહ ‘મહારાજકુંવર’ હતો. એણે પિતાની હયાતીમાં દાન આપ્યું હતું.
આમ વૈજવાપાયન વંશના મહારાજકુલમાં શ્રી ચાચિગદેવથી શરૂઆત કરી એનો પુત્ર મહારાણક શ્રી સોઢલદેવ, એનો પુત્ર મહારાણક શ્રી જેસલદેવ અને એનો પુત્ર મહારાજકુંવર શ્રી જૈત્રસિંહના ઉલ્લેખ મળે છે. આ પછી આ વંશ વિશે કંઈ જાણવા મળતું નથી.
રામજીભાઈ ઠા. સાવલિયા