વૈજયંતીમાલા (જ. 13 ઑગસ્ટ 1936, ચેન્નાઈ, તામિલનાડુ) : હિંદી ચલચિત્રજગતની અભિનેત્રી અને નૃત્યાંગના. હિંદી ચિત્રોમાં સફળતાનાં શિખરો સર કરનાર આ પ્રથમ દક્ષિણ ભારતીય અભિનેત્રીએ 1951માં ફિલ્મ ‘બહાર’ સાથે હિંદી ચલચિત્રોમાં પગ મૂક્યો હતો. ‘બહાર’નું નિર્માણ તમિળ ચલચિત્ર પરથી કરવામાં આવ્યું હતું. કુશળ નર્તકી વસુંધરાદેવીનાં પુત્રી વૈજયંતીમાલાએ હિંદી ચિત્રોમાં આવતા પહેલાં તમિળ ચિત્ર ‘જીવિતમ્’માં કામ કર્યું હતું.
ત્યાંથી લઈને છેક 1968માં પ્રદર્શિત થયેલી ‘દુનિયા’ અને ‘સંઘર્ષ’ સુધી તેઓ બાકીની તમામ દક્ષિણ ભારતીય અભિનેત્રીઓમાં શિરમોર રહ્યાં હતાં. લગભગ 20 વર્ષની કારકિર્દીમાં 53 જેટલાં હિંદી ચલચિત્રોમાં કામ કરીને ‘દેવદાસ’ (1955) માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો, અને ‘સાધના’ (1958), ‘ગંગાજમના’ (1961) અને ‘સંગમ’ (1964) માટે શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર ઍવૉર્ડ મેળવ્યા હતા. જોકે ‘દેવદાસ’માં તેમણે ચંદ્રમુખીની જે ભૂમિકા ભજવી હતી તે સહાયક અભિનેત્રીની નહોતી એવું તે માનતાં હોવાને કારણે આ ઍવૉર્ડ તેમણે સ્વીકાર્યો નહોતો.
વૈજયંતીમાલાએ ‘બહાર’થી માંડીને તેમના અંતિમ ચલચિત્ર ‘ગંવાર’ (1970) સુધીમાં જે 53 ચલચિત્રોમાં કામ કર્યું છે, તે પૈકી અનેક ચલચિત્રોમાં તેમણે યાદગાર ભૂમિકાઓ ભજવી છે. તપન સિંહાના એક બંગાળી ચિત્ર ‘હાટે-બાઝારે’માં પણ તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ‘દેવદાસ’ અને ‘મધુમતી’(1959)ના નિર્માણ દરમિયાન દિગ્દર્શક બિમલ રાયની સાથે રહીને તેઓ સારું બંગાળી શીખી ગયાં હતાં.
1971માં તેમણે એક મરાઠી ચિત્ર ‘ઝેપ’નું નિર્માણ કર્યું હતું. રાજકારણમાં વૈજયંતીમાલાએ ઘણો વહેલો પ્રવેશ કર્યો હતો. 1968માં તેમણે ચલચિત્રોને અલવિદા કરવાનો નિર્ણય કરી લીધો હતો. એ જ વર્ષે તેમને ભારત સરકારે ‘પદ્મશ્રી’નો ખિતાબ આપ્યો હતો. એ વર્ષે તેઓ ભારતીય જનસંઘમાં અને ત્યારબાદ કૉંગ્રેસમાં જોડાયાં હતાં. 1984માં દક્ષિણ મદ્રાસ(ચેન્નાઈ)ની બેઠક પરથી તેઓ કૉંગ્રેસની ટિકિટ પર સંસદમાં ચૂંટાયાં હતાં. 1993માં રાજ્યસભામાં પણ તેમની નિયુક્તિ થઈ હતી. ડૉ. બાલી સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં હતાં; જેમનું અવસાન 1986ની 21મી એપ્રિલે થયું હતું.
વૈજયંતીમાલા ભરતનાટ્યમનાં નિપુણ નર્તકી છે. આ ક્ષેત્રે પણ તેઓ ઘણાં માનઅકરામ મેળવી ચૂક્યાં છે. 1969માં યુનાઇટેડ નૅશન્સમાં માનવઅધિકાર દિવસની ઉજવણી વખતે એક આંતરરાષ્ટ્રીય સમારોહનું આયોજન કરાયું હતું. એ દિવસે સંયુક્ત રાષ્ટ્રોની 20મી જયંતી પણ હતી. એ પ્રસંગે યોજાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભરતનાટ્યમ્ પ્રસ્તુત કરવા માટે ભારતના પ્રતિનિધિ તરીકે ખાસ વૈજયંતીમાલાને મોકલવામાં આવ્યાં હતાં. આવું સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય નૃત્યાંગના હતાં. હાલ (2004) તેઓ રાજ્યસભાનાં સભ્ય છે.
અત્યારે ચેન્નાઈમાં વૈજયંતીમાલા ‘નૃત્યાલય’ નામે એક અકાદમી ચલાવે છે. ત્યાં માત્ર ભારતના જ નહિ, દુનિયાભરના નૃત્યને સમર્પિત વિદ્યાર્થીઓને નૃત્યની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત તેઓ તાંજોર શૈલીના પ્રાચીન ભરતનાટ્યમના સ્વરૂપ પર સંશોધન કરી રહ્યાં છે. નૃત્યના પ્રાચીન પ્રકારો ‘નાવા સંધિ કૌથવાંસ’, ‘થોડ્યા મંગલમ્’, ‘સુલ દી’ અને ‘મેલા પ્રયતિ’ને પુનર્જીવિત કરવાનું કામ પણ તેઓ કરી રહ્યાં છે.
તેમનાં અન્ય નોંધપાત્ર ચલચિત્રોમાં ‘નાગિન’ (1954), ‘નઈ દિલ્હી’, ‘આશા’, ‘એક ઝલક’, ‘નયા દૌર’ (1957), ‘અમરદીપ’, ‘પૈગામ’ (1959), ‘આસ કા પંછી’, ‘નઝરાના’ (1961), ‘આમ્રપાલી’, ‘છોટી સી મુલાકાત’ (1966), ‘જ્વેલથીફ’ (1967) અને ‘સંઘર્ષ’(1968)નો સમાવેશ થાય છે.
હરસુખ થાનકી