વેરૉનિઝ, પાઓલો (Veronese, Paolo) (. 1528, વેરૉના, વેનિસ નજીક, ઇટાલી; . 9 એપ્રિલ 1588, વેનિસ, ઇટાલી) : ઇટાલિયન બરોક-ચિત્રશૈલીની વૅનેશિયન શાખાનો એક પ્રમુખ ચિત્રકાર. મૂળનામ પાઓલો કેલિયારી. મોટા કદનાં કૅન્વાસ ચીતરવા માટે તે જાણીતો છે. તેમાં બાઇબલ, પુરાણો અને ઇતિહાસની કથાઓ ભવ્ય પ્રશિષ્ટ સ્થાપત્યની પૃષ્ઠભૂમિકામાં રજૂ થયેલ જોવા મળે છે.

વેરૉનિઝે ચીતરેલું ચિત્ર : ‘સેંટ જૉન ધ ઇર્વન્જેલિસ્ટ’

જન્મસ્થળ વેરૉનાને કારણે તેની અટક ‘વેરૉનિઝ’ પડી. ચૌદ વરસની ઉંમરે તે ઍન્તૉનિયો બાદિલે નામના ચિત્રકારનો વિદ્યાર્થી બન્યો. પછી ગુરુપુત્રી એલિના સાથે તેણે લગ્ન કર્યું. દોમિનિકો બ્રુસાસ્કોરી, જિયામ્બાન્તિસ્તા ઝેલોતી અને પાઓલો ફારિનાતી ઉપરાંત ગુલિયો રોમાનો, રફાયેલ અને માઇક્લૅન્જેલોથી પણ વેરૉનિઝ પ્રભાવિત થયો. 1552માં માન્તુઆ કેથીડ્રલ માટે વેરૉનિઝે ચીતરેલ ‘ટૅમ્પ્ટેશન ઑવ્ સેંટ બૅન્થૉની’માં માઇક્લૅન્જેલોનો પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાય છે.

1553માં વેનિસમાં સાલા દેલ કોન્સિલ્યો દેઈ દેઈચી મહેલમાં છતનું તાળવું ચીતરવાની વરદી મળી. અહીં ચીતરેલ ચિત્રમાંની આકૃતિઓ દર્શકો સામે હવામાં તરતી હોય એવી જીવંત તેણે ચીતરી.

1555માં વેનિસના સેંટ સેબાસ્તિનો કૅથીડ્રલના પાદરીએ કૅથીડ્રલની અંદરની છતના તાળવા પર ચિત્ર ચીતરવાની વરદી તેને આપી. આ માટે તેણે ચીતરેલ ચિત્ર ‘સ્ટોરી ઑવ્ એસ્થર’માં માનવઆકૃતિઓમાં પાછળથી આવતા પ્રકાશનો ઝળહળાટ જોવા મળે છે. પછી વેનિસના ધનાઢ્યોનાં મહેલોમાં અને ફાર્મહાઉસો માટે પણ તેણે ભવ્ય ચિત્રો સર્જ્યાં; જેમાં ‘ધ પિલ્ગ્રિમ્સ ઑવ્ ઍમૉસ’ અને ‘ફીસ્ટ ઇન ધ હાઉસ ઑવ્ ધ ફેરિસી’નો સમાવેશ થાય છે.

1561 પછી વાલાદિયોએ બાંધેલા માસેર મહેલ માટે તેણે ભીંતચિત્રો ચીતર્યાં. તેમાં તેણે સ્થળગત ઊંડાણો એટલાં પ્રભાવક ચીતર્યાં છે કે ચિત્રો છત કે ભીંતની પણ પેલે પાર વિસ્તરતાં હોય તેવું લાગવા સાથે મકાનની અંદરનું વાતાવરણ પણ વિસ્તરતું જતું લાગે છે અથવા દર્શકને ઘરની અંદર પુરાઈ ગયેલ હોય તેવું લાગવા કરતાં તે બહાર ખુલ્લામાં બેઠો હોય એવો ભાસ થાય છે.

એ પછી વારો આવ્યો સેંટ જ્યૉર્જિયો મૅગિયોરે કૅથીડ્રલ માટેના ચિત્ર ‘ધ મેરેજ ઍટ કાના’નો. 1563-64માં ચીતરેલું આ ચિત્ર આજે લુવ્ર મ્યુઝિયમમાં છે. જુદી જુદી સપાટીએ જુદાં જુદાં ઊંડાણોમાં અનેક માનવ-આકૃતિઓને દર્શાવતા આ સંકુલ ચિત્રમાં એ માનવ-આકૃતિઓ ગતિમય અવસ્થામાં ચીતરવામાં આવી છે. 1572માં તેણે ચિત્ર ‘ધ ફૅમિલી ઑવ્ દરાયસ બિફૉર ઍલેક્ઝાન્ડર’ ચીતર્યું.

એ પછી 1573માં વેરૉનિઝે વિવાદાસ્પદ ચિત્ર ‘ધ લાસ્ટ સપર’ ચીતર્યું. સેંટ જિયૉવાનીએ પાઓલોની કૉન્વેન્ટ માટે ચીતરેલ આ ચિત્રે પોપની હોલી ઑફિસને ઉશ્કેરી. હોલી ઑફિસે ઈશ્વરની હાંસી અને પાખંડનો આરોપ વેરૉનિઝ ઉપર મૂક્યો. ચર્ચને વિરોધ એ બાબતનો હતો કે તે ચિત્રમાં ક્રાઇસ્ટના છેલ્લા ભોજન-પ્રસંગમાં વેરૉનિઝે પોપટ પકડીને બેઠેલો એક જાગલો, એક કૂતરો અને એક રંગલો પણ ચીતર્યાં હતા. વેરૉનિઝે ખુલાસો કર્યો : ‘કવિઓ અને ગાંડાઓની માફક અમે ચિત્રકારો પણ સ્વતંત્ર છીએ. અમે કલ્પનાનો ઉપયોગ કરવા આઝાદ છીએ’, છતાં પોપે દબાણ ચાલુ રાખ્યું. તેથી ચિત્રનો નાશ કરવાને બદલે વેરૉનિઝે તેનું શીર્ષક ‘ધ લાસ્ટ સપર’ રદ કરી ‘ફીસ્ટ ઇન ધ હાઉસ ઑવ્ લેબી’ રાખીને છુટકારો મેળવ્યો.

જીવનના અંતિમ તબક્કામાં વેરૉનિઝે પોતાના સ્ટુડિયોમાં મદદનીશ ચિત્રકારોને પ્રવેશ આપ્યો. તેમાં વેરૉનિઝના પુત્રો કાર્લો અને ગ્રેબ્રિયાલે, ભાઈ બેનેદેત્તો તથા ભત્રીજો આલ્વિસે દાલ ફ્રિસો હતા. હવે વિરાટ કદનાં ચિત્રો તેણે આ મદદનીશોની મદદ વડે ચીતરવાં ચાલુ કર્યાં. તેમાં વિસેન્ઝા ખાતેના સેંટ કૉરોના ચર્ચ માટે ‘એડૉરેશન ઑવ્ મેજાઈ’, ડ્યૂકલ પૅલેસ માટે ‘રેપ ઑવ્ યુરોપા’ તથા ‘એપૉથિયોસિસ ઑવ્ વેનિસ’, ‘ધ ચોઇસ ઑવ્ હર્ક્યુલિસ’, ‘ઍલેમૉરી ઑવ્ વિઝ્ડમ ઍન્ડ સ્ટ્રૅન્થ’ તથા ‘માર્સ ઍન્ડ વિનસ યુનાઇટેડ બાય લવ’ સમાવેશ પામે છે.

નાટ્યાત્મકતાથી ભરપૂર ‘પિયેતા’(ક્રાઇસ્ટના મડદાને ખોળામાં લઈ વિલાપ કરતાં દયનીય અંતેવાસીઓ)ને દર્શાવતાં ચિત્રો તેમજ બાઇબલના પ્રસંગોનાં તેનાં છેલ્લાં ચિત્રોમાં ગમગીન ભાવ મુખર થાય છે. ‘સેંટ પાન્તાલિયો હિલિન્ગ એ સિક બૉય’ વેરૉનિઝનું છેલ્લું ચિત્ર છે.

તેજે ઝળહળતાં વેરૉનિઝનાં ચિત્રોમાંથી ઘણા અનુગામીઓએ પ્રેરણા લીધી છે. તેમાં સેબાસ્તિનો રિચી, ત્યેપોલો, દલાક્રવા અને સેઝાં સૌથી મોખરે છે.

અમિતાભ મડિયા