વેબ્લેન ટી. બી. (. 30 જુલાઈ 1857, વિસ્કૉન્સિન, અમેરિકા; . 3 ઑગસ્ટ 1929) : સંસ્થાકીય અર્થશાસ્ત્રની અભિનવ શાખાના પ્રવર્તક તથા અર્થશાસ્ત્રમાં નવા ખ્યાલોનું સર્જન કરનાર વિચક્ષણ વિચારક. આખું નામ થૉર્નસ્ટેન બંડ વેબ્લેન. નૉર્વેજિયન માતાપિતાના સંતાન. પરિવારે પોતાનો દેશ છોડીને કાયમી વસવાટ કરવાના હેતુથી અમેરિકામાં સ્થળાંતર કર્યું અને ત્યાં ખેતીના વ્યવસાયમાં જોડાયા. જન્મ પછીનાં શરૂઆતનાં સત્તર વર્ષ વેબ્લેન સંયુક્ત માલિકીના ખેતર પર ગાળ્યાં. વીસ વર્ષની ઉંમરે 1877માં વિસ્કૉન્સિન રાજ્યમાંની કાર્લટન કૉલેજમાં જોડાયા, જ્યાંથી 1880માં સ્નાતકની પદવી મેળવી. જે. બી. ક્લાર્ક (1847-1938) નામના જાણીતા અર્થશાસ્ત્રીની નિશ્રામાં તેમણે અધ્યયન કર્યું. ક્લાર્ક તેમનાથી બહુ પ્રભાવિત થયા હતા. જોકે વેબ્લેનને અર્થશાસ્ત્ર કરતાં દર્શનશાસ્ત્રમાં વધુ રસ હતો. કાર્લટન કૉલેજમાંથી તેઓ વધુ અભ્યાસાર્થે જૉન હૉપકિન્સ યુનિવર્સિટીમાં તથા ત્યારબાદ યેલ યુનિવર્સિટીમાં જોડાયા, જ્યાંથી 1884માં દર્શનશાસ્ત્ર વિષયમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1881માં થોડોક સમય માટે કૉર્નેલ યુનિવર્સિટીમાં પણ અધ્યયન કર્યું. તે પૂર્વેનાં સાત વર્ષ (1874-81) બેકારી ભોગવી. કૉર્નેલ યુનિવર્સિટીના કાર્યકાળ દરમિયાન ‘સમ નિગ્લેક્ટેડ પૉઇન્ટસ ઇન ધ થિયરી ઑવ્ સોશ્યાલિઝમ’ નામનો નિબંધ પ્રકાશિત કર્યો; જેનાથી પ્રો. લાફલિન બહુ પ્રભાવિત થયા હતા. પરિણામે 1892માં લાફલિન જ્યારે શિકાગો યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષપદે જોડાયા ત્યારે તેમના થકી વેબ્લેનને આસિસ્ટન્ટ પ્રોફેસરનું પદ આપવામાં આવ્યું; પરંતુ વેબ્લેનના વિક્ષિપ્ત સ્વભાવને કારણે તેઓ વ્યવસાયમાં આગળ પ્રગતિ કરી શક્યા ન હતા. આ અરસામાં દસ વર્ષ સુધી ‘જર્નલ ઑવ્ પૉલિટિકલ ઇકૉનૉમી’ સામયિકનું સંપાદન કર્યું. તેમના સૌથી વધારે મહત્વના ગ્રંથો તેમની શિકાગો યુનિવર્સિટીની કારકિર્દી દરમિયાન પ્રકાશિત થયા હતા. તેમના શિથિલ ચારિત્ર્યને કારણે તેમને શિકાગો યુનિવર્સિટી છોડવી પડી હતી. ત્યાંથી થોડોક સમય માટે તેઓ સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટીમાં અને ત્યારબાદ પ્રોફેસર ડેવેન્પૉર્ટના આમંત્રણથી મિસૂરી યુનિવર્સિટીમાં જોડાયા. 1961માં ડેવેન્પૉર્ટ નિવૃત્ત થયા ત્યારે વેબ્લેનને પણ મિસૂરી યુનિવર્સિટીનું પદ છોડવું પડ્યું. પ્રથમ વિશ્વયુદ્ધનાં છેલ્લાં બે વર્ષ (1916-18) દરમિયાન તેમણે વૉશિંગ્ટન ખાતેની અમેરિકાની સરકારના કૃષિવિભાગમાં સેવાઓ આપી. ‘ડાયલ’ નામના સામયિકના તંત્રીપદે પણ તેમણે કાર્ય કર્યું હતું. છેલ્લે તેમણે ન્યૂયૉર્ક સિટી યુનિવર્સિટીના ન્યૂ સ્કૂલ ફૉર સોશિયલ રિસર્ચ સંસ્થામાં ડેવેન્પૉર્ટ સાથે અધ્યાપનકાર્ય કર્યું.

વેબ્લેનની સાંસ્કૃતિક પૂર્વપીઠિકા(background)ને કારણે તેઓ તત્કાલીન સમાજમાં વર્ચસ્ ધરાવતાં અમેરિકનોથી વિખૂટા પડી ગયેલા, જોકે તેને કારણે તેમણે તત્કાલીન સામાજિક અને આર્થિક ઘટકો વચ્ચેના પારસ્પરિક સંબંધોનું પૃથક્કરણ કરવા માટેની જરૂરી આવડત કેળવી અને તેની મદદથી તેમણે તે ઘટકોની મનોવૈજ્ઞાનિક બેઠકનું તલસ્પર્શી વિશ્ર્લેષણ કર્યું. તેમના દ્વારા કરવામાં આવેલ આ પૃથક્કરણમાંથી જ ‘સંસ્થાકીય અર્થશાસ્ત્ર’ (Institutional Economics) નામની અર્થશાસ્ત્રની નવી શાખાનો ઉદય થયો છે. તેમણે મૂલ્યના પારસ્પરિક સિદ્ધાંતોની જે દૃષ્ટિકોણથી ટીકા કરી છે, તેમજ વ્યાપારચક્રોનું જે રીતે વિશ્ર્લેષણ કર્યું છે તથા અર્વાચીન સમાજમાં તકનીકી જ્ઞાન તથા આવડત ધરાવતા નિષ્ણાતોના મહત્વના સ્થાન પર જે રીતે પ્રકાશ પાડ્યો છે તેમાંથી સામાજિક ઇજનેરી (Social Engineering) નામની નવી શાખા વિસ્તરી છે, જેનો જશ પણ વેબ્લેનને ફાળે જાય છે.

પોતાના વિચારો વ્યક્ત કરવાની તેમની શુષ્ક છતાં ધારદાર શૈલીને કારણે વેબ્લેન અર્થશાસ્ત્રમાં અભિનવ ગણાય તેવા ખ્યાલો અને તેમને લગતી પરિભાષાનું ઉમેરણ કરી શક્યા છે. તેમાં ‘ઊડીને આંખે વળગે તેવી વપરાશ’ (conspicuous consumption) અંગેનો તેમનો ખ્યાલ મોખરે મૂકી શકાય તેવો છે. આ ખ્યાલનો તેમણે સર્વપ્રથમ વાર ઉલ્લેખ તેમના ગ્રંથ ‘ધ થિયરી ઑવ્ ધ લીઝર ક્લાસ’(1899)માં કર્યો હતો, જેનું તાત્પર્ય એ છે કે વ્યક્તિ જીવનમાં જે ચીજવસ્તુઓ અને સેવાઓની કુલ વપરાશ કરે છે તેમાં કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જે ઉપભોક્તાની ખરેખરની કોઈ આર્થિક જરૂરિયાત પૂરી કરવાનું સામર્થ્ય ધરાવતી હોતી નથી અને છતાં દેખાદેખીને કારણે કે વાપરનારની કોઈક માનસિક જરૂરિયાત સંતોષવા માટે જ તેવી વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આવી વસ્તુઓની ખરીદી ઉપભોક્તા દ્વારા તેમના વ્યાવહારિક આર્થિક ઉપયોગ માટે થતી નથી, પરંતુ તે વસ્તુઓ સાથે સંકળાયેલ ‘મોભાના આડંબર’ (status symbol) કે ‘પ્રતિષ્ઠાના પ્રતીક’ના કારણે થાય છે.

તેમના વિપુલ ગ્રંથસર્જનમાં ‘ધ થિયરી ઑવ્ ધ લીઝર ક્લાસ’ (1899) ઉપરાંત ‘ધ થિયરી ઑવ્ બિઝનેસ એન્ટરપ્રાઇઝ’ (1904), ‘ધ ઇન્સ્ટિંક્ટ ઑવ્ વર્કમૅનશિપ ઍન્ડ ધ ઇન્ડસ્ટ્રિયલ આર્ટ્સ’ (1919), ‘ધ પ્લેસ ઑવ્ સાયન્સ ઇન મૉડર્ન સિવિલિઝેશન’ (1919), ‘ધ એન્જિનિયર્સ ઍન્ડ ધ પ્રાઇસ સિસ્ટમ’ (1921) તથા ‘ઍબ્સેન્ટી ઓનરશિપ ઍન્ડ બિઝનેસ એન્ટરપ્રાઇઝ ઇન રિસન્ટ ટાઇમ્સ’(1923)નો સમાવેશ થાય છે. તેમના નામ સાથે સંકળાયેલાં અન્ય પ્રકાશનોમાં ‘ધ લૅક્સડોએલા સાગા’નો અનુવાદ (1925) તથા તેમના અવસાન પછી પ્રકાશિત થયેલ ‘એસેઝ ઇન અવર ચેન્જિન્ગ ઑર્ડર’ (1934) ઉલ્લેખનીય છે. તેમના સ્ફુટ લેખોના સંગ્રહો 1936 અને 1948માં પ્રકાશિત થયા છે; જેમાંથી પ્રથમનું સંપાદન ડબ્લ્યૂ. સી. મિટશેલે અને બીજાનું મૅક્સ લર્નરે કર્યું છે.

સ્વભાવગત રીતે વેબ્લેન અર્થશાસ્ત્રની ‘માર્જિનૉલિસ્ટ વિચારસરણી’ના પ્રખર ટીકાકાર હતા. તેમના મંતવ્ય મુજબ વિશ્વમાં અત્યારે જે સંસ્થાઓ જીવનને પ્રભાવિત કરે છે તે સંસ્થાઓ સદીઓથી વિકસતી આવેલી પ્રક્રિયાઓનું પરિણામ છે. તેઓ એવું પણ ભારપૂર્વક માનતા કે માણસના વર્તનમાંથી જ સંસ્થાઓનો વિકાસ થતો હોય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે