વેબર, મૅક્સ (જ. 18 એપ્રિલ 1881, બિયાલિસ્ટૉક, રશિયા; અ. 4 ઑક્ટોબર 1961, ગ્રેટ નેક, ન્યૂયૉર્ક, અમેરિકા) : અમૂર્ત શૈલીમાં ચિત્રો અને શિલ્પ સર્જનાર આધુનિક કલાકાર.
1891માં તેઓ દસ વરસની ઉંમરે રશિયા છોડીને ન્યૂયૉર્ક નગરમાં જઈ વસ્યા. ન્યૂયૉર્કમાં બ્રૂકલીન વિસ્તારમાં આવેલી પ્રાટ્ ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે 1898થી 1900 સુધી કલાનો અભ્યાસ કર્યો. 1905માં પૅરિસ જઈ અકાદમી જુલિયાંમાં હોરી માતિસ હેઠળ ચિત્રકલાનો અભ્યાસ કર્યો. પાછા ન્યૂયૉર્ક જઈ ચિત્રોનું પ્રદર્શન કર્યું. 1909થી 1917 સુધી વેબરે ઘનવાદી અને ફૉવ શૈલીઓમાં ઘણાં ચિત્રો ચીતર્યાં. તેમનાં ઘનવાદી ચિત્રોમાં સંશ્ર્લેષણાત્મક (synthetic) વલણ જોવા મળે છે. તેમાં અલગ અલગ ભૌમિતિક આકૃતિઓનો સંયોગ જોવા મળે છે. આ તબક્કાનાં તેમનાં બે ચિત્રો ‘ધ જેરાનિયમ’ અને ‘ચાઇનિઝ રેસ્તોરાં’ તેમની શ્રેષ્ઠ કૃતિઓ ગણાઈ છે. 1917 પછી તેમનાં ચિત્રોમાંથી અમૂર્તતા ઓછી થઈ અને દુન્યવી આકૃતિઓ નજરે પડતી થઈ. 1940થી 1960 સુધી યહૂદી ધર્મકથાઓ તેમનાં ચિત્રોનો મુખ્ય વિષય બની.
વેબરે ન્યૂયૉર્કની ‘આર્ટ સ્ટુડન્ટ્સ લીગ’ ખાતે કલાનું અધ્યાપન કરેલું. તેમના શિષ્યોમાંથી માર્ક રોથ્કો કલાકાર તરીકે ઝળકી ઊઠેલા. અમેરિકામાં ઘનવાદી કલાનો પ્રસાર કરવામાં વેબરનું નામ મોખરે છે.
અમિતાભ મડિયા