વેબર્ન, ઍન્તૉન ફૉન (Webern, Anton Von)
February, 2005
વેબર્ન, ઍન્તૉન ફૉન (Webern, Anton Von) (જ. 3 ડિસેમ્બર 1883, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 15 સપ્ટેમ્બર મિટર્સિલ, ઑસ્ટ્રિયા) : આધુનિક યુરોપની અદ્યતન (modern) પ્રશિષ્ટ પદ્ધતિ ‘એટનૅલિટી’માં સર્જન કરનાર સંગીતકાર અને સ્વરનિયોજક. (એટનૅલિટી પદ્ધતિમાં સપ્તકના બારે સ્વરોને સરખું સ્થાન મળે છે, તેમાં એ બારેય સ્વરોમાં કોમળ અને તીવ્ર જેવા ઊંચનીચના ભેદભાવ રાખવામાં આવતા નથી.)
વેબર્નના પિતા ખાણોના ખોદકામના ઇજનેર હતા અને હૅબ્સ્બર્ગ સરકારે ખાણ વિભાગના વડા તરીકે તેમની નિમણૂક કરેલી. વેબર્ન પરિવાર મધ્ય યુગથી જ ખાનદાની શ્રીમંત હતો. 1574માં સમ્રાટ મૅક્સિમિલિયન બીજાએ આ પરિવારને રાજવી ખિતાબ વડે નવાજેલો આને કારણે અટકમાં જોડાતો શબ્દ ફૉન (Von) ઑસ્ટ્રિયામાં 1918ની ક્રાંતિએ રદબાતલ ભલે કરી નાંખ્યો, પણ કૌટુંબિક સંપત્તિ તો વેબર્નને વારસામાં મળી જ. વેબર્નનું બાળપણ ગ્રાઝ, ક્લાજેન્ફર્ટ તથા વિયેના નગરોમાં વીત્યું. સંગીતના પ્રથમ પાઠ તેને તેની પિયાનિસ્ટ માતા પાસેથી મળ્યા. ક્લાજેન્ફર્ટમાં ઍડ્વીન કૉમોર પાસેથી પિયાનોવાદન અને સંગીતના સિદ્ધાંતોના પ્રારંભિક પાઠ વેબર્ને ગ્રહણ કર્યાં. પછી ચેલો (Cello) વગાડતાં તેણે જાતે જ શીખી લીધું અને સ્થાનિક ઑર્કેસ્ટ્રામાં ભાગ લેવો શરૂ કર્યો. 1899માં તેણે ચેલો અને પિયાનોની જુગલબંધી માટે લખેલી બે કૃતિઓ તેની પ્રથમ રચનાઓ ગણાય છે. 1902માં ક્લાન્જેન્ફર્ટમાં શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી બેરૂથ ફેસ્ટિવલ્સ ખાતે તે વાગ્નરના ઑપેરાઓ સાંભળવા જતો. એ જ વર્ષે વિયેના યુનિવર્સિટીમાં ‘મ્યુઝિકૉલોજી ઍન્ડ કૉમ્પઝિશન’ વિષયનો અભ્યાસ કરવા તે વિદ્યાર્થી તરીકે દાખલ થયો અને તે જ વિષય પર તેણે પીએચ.ડી.ની પદવી 1906માં હાંસલ કરી. તેના શોધનિબંધનો વિષય હતો પંદરમી-સોળમી સદીના ડચ સ્વરનિયોજક હેઇન્રિખ આઇઝૅક(1450-1517)ની કૉરાલ (chorale) રચનાઓ. એ જ વર્ષે સ્વરનિયોજક આર્નોલ્ડ શોઅન્બર્ગનો શિષ્ય તે બન્યો. શોઅન્બર્ગના શાગિર્દ બનવાથી વેબર્નના સંગીત ઉપર નિર્ણાયક પ્રભાવ પડ્યો; એણે હવે ‘એટનૅલિટી’ શૈલી અપનાવી. છતાં વેબર્નનું સંગીત તેની પોતાની વૈયક્તિક છાપને કારણે પહેલેથી જ શોઅન્બર્ગ કરતાં પણ જુદી જ મુદ્રા ઉપસાવે છે. શોઅન્બર્ગનો બીજો એક શાગિર્દ હતો ઍલ્બાનબર્ગ. આ સહપાઠી સાથે પણ વેબર્નને દોસ્તી થઈ. 1808માં શોઅન્બર્ગે વેબર્નનું શિક્ષણ પૂરું કર્યું. આ દરમિયાન વેબર્નની મહત્વની કૃતિઓમાં થોડાં સ્ટ્રિન્ગક્વાર્ટેટ રિચાર્ડ ડેમેલ(Dehmel)નાં ગીતોને આપેલી સૂરાવલિઓ, એક કૉરાલ કૅનોન, વાદ્યવૃંદ માટે ‘ઑર્કેસ્ટ્રલ પાસાકેલિયા’ (ઓપસ 1) તથા ‘ઇમ સોમર્વિન્ડ’નો સમાવેશ થાય છે.
1911માં વેબર્ને પોતાની માશીની દીકરી વિલેમાઇન મોર્ટલ સાથે લગ્ન કર્યું.
રોમન કૅથલિક સંપ્રદાયમાં પ્રથમ/સીધા કઝીન્સ વચ્ચે લગ્ન કરવા પર પ્રતિબંધ હોવાથી મુશ્કેલી થઈ અને ત્રણ વરસ પછી છેક 1915માં આ લગ્નને ચર્ચની માન્યતા મળી. ત્યાં સુધીમાં તો આ યુગલના ચારમાંથી ત્રણ સંતાનો જન્મી ચૂકેલાં. 1908થી 1913 સુધી વેબર્ને ઇશ્લ્ ઇન્સ્બ્રૂક, ટેપ્લિટ્ઝ, ડૅન્ઝિગ અને સ્ટેટિન નગરોમાં કન્ડક્ટર (સંગીતવૃંદ સંચાલક) તરીકે સેવાઓ આપી. એને પોતાના સર્જનાત્મક સંગીતમાં જ વધુ રસ હોવાને કારણે વાદ્યવૃંદોનું સંચાલન કરવામાં તેને રસ પડ્યો નહિ. આ સમયની તેની શ્રેષ્ઠ કૃતિઓમાં ચેલો-સોનાટા (1914) તથા પિયાનો અને માનવકંઠ માટેની થોડી જુગલબંધીઓ સમાવેશ પામે છે. વેબર્ન પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન 1915માં લશ્કરમાં જોડાયો ખરો, પણ નબળી આંખોને કારણે 1916માં તેની છટણી થઈ ગઈ. 1917નું એક વરસ પ્રાગમાં રહી તે 1918માં વિયેના નજીક મૉડ્લિન્ગ નામના ગામમાં સ્થિર થયો; અને શોઅન્બર્ગે સ્થાપેલી સંસ્થા ‘સોસાયટી ફૉર પ્રાઇવેટ મ્યુઝિકલ પરફૉર્મન્સિસ’માં તેણે નિરીક્ષકની કામગીરી બજાવી. શોઅન્બર્ગે 1924માં ‘એટનૅલિટી’ પદ્ધતિ નિપજાવી. વેબર્ને પણ એ પછી એ પદ્ધતિમાં સંગીત સર્જવું શરૂ કર્યું. એ પદ્ધતિમાં વેબર્નની પહેલી કૃતિ એકલા (Solo) પિયાનો માટે છે : ‘કિન્ડર્સ્ટુક’ (Kinderstuck). જર્મન ગીતો(Lied)ને પણ તેણે સ્વરબદ્ધ કર્યાં.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિયેનાના ‘ઑસ્ટ્રિયન રેડિયો ઑર્કેસ્ટ્રા’ ઉપરાંત સ્વિટ્ઝર્લૅન્ડ, જર્મની, સ્પેન અને ઇંગ્લૅન્ડમાં પણ કેટલાંક ઑર્કેસ્ટ્રાનું સંચાલન કરવાનાં આમંત્રણ મળવા માંડ્યાં. માહ્લરની આઠમી સિમ્ફનીનું તેણે કરેલું સંચાલન અદ્ભુત ગણાયું.
એક ઉત્તમ સંગીતશિક્ષક હોવા છતાં વેબર્નને ઑસ્ટ્રિયા કે વિદેશમાં કોઈ યુનિવર્સિટીમાં સંગીતશિક્ષક તરીકેની નિમણૂક મળી નહિ. 1932થી તેણે ખાનગી ધોરણે સંગીતનાં વ્યાખ્યાનો આપવાં શરૂ કરેલાં. સમાજવાદી સત્તા હેઠળ 1924માં અને 1932માં – એમ બે વાર તેને ‘વિયેના મ્યૂઝિક પ્રાઇઝ’ મળેલું. 1933માં હિટ્લર સત્તા ઉપર આરૂઢ થતાં વેબર્ને યુરોપ છોડી ભાગવું પડેલું. વેબર્ને કદી પણ કોઈ પણ પ્રકારનાં રાજકીય નિવેદનો કરેલાં નહિ, છતાં જે નવી પદ્ધતિથી તે સંગીતસર્જન કરતા હતા, તે પદ્ધતિને હિટ્લરે સડેલી કહી વખોડી કાઢેલી. વેબર્ન પત્ની સાથે ભાગ્યો તો ખરો, પણ અમેરિકન લશ્કરે ભૂલમાં તેને હિટ્લરનો જાસૂસ સમજીને 1945માં મારી નાંખ્યો ! તેનો એક પુત્ર પણ તે જ વર્ષે યુદ્ધના ખપ્પરમાં હોમાઈ ગયો !
વિસંવાદી સૂરો દ્વારા આહ્લાદક મૂડ સર્જવા બદલ વેબર્ન જાણીતો બન્યો છે. ઓછાંમાં ઓછાં વાદ્યો તથા ઓછામાં ઓછા સ્વરોનો ઉપયોગ કરી તેણે અલ્પતમવાદી શૈલી સંગીતમાં ઉપજાવી. ‘સિક્સ પિસિઝ ફૉર ઑર્કેસ્ટ્રા’ (ઓપસ 6) તેની ‘માસ્ટર પીસ’ કૃતિ ગણાય છે. આ કૃતિમાં પ્રોગ્રામૅટિક લક્ષણો જોવા મળે છે. કારણ કે સંગીતના માધ્યમ દ્વારા બિનસાંગીતિક ભાવોની તેમાં અભિવ્યક્તિ છે. છ ગતમાં સર્જાયેલી આ કૃતિ વેબર્નના કહેવા મુજબ તેની માતાના મૃત્યુની પ્રક્રિયા (episodes connected with his mother’s death) વ્યક્ત કરે છે. વેબર્નના અવસાન પછી પેયેરે બૂલે અને કાર્લીન્ઝ સ્ટોકોસેન જેવા ફ્રેન્ચ સંગીતકારોએ વેબર્નની સંગીતશૈલીઓનો વધુ વિકાસ કર્યો, વેબર્ન અત્યાધુનિક સંગીતનો વૈતાલિક ગણાયો. આઇગોર સ્ટ્રાવિન્સ્કીએ વેબર્નના સંગીતને દેશવિદેશમાં સંચાલિત કરી તેની લોકપ્રિયતાનો પ્રસાર કર્યો. 1960 પછી સંગીતશાસ્ત્રી (musicologist) હૅન્સ મોલ્ડન્હોરને વેબર્નની સંગીતકૃતિઓની ઘણી અપ્રકટ હસ્તપ્રતો મળી આવી.
અમિતાભ મડિયા