વેક ટાપુ (Wake Island) : પશ્ચિમ મધ્ય પૅસિફિક મહાસાગરમાં આવેલો યુ.એસ. વહીવટ હેઠળનો ટાપુ. તે હોનોલુલુથી પશ્ચિમે 3,700 કિમી. અંતરે અને ટોકિયોથી 3,195 કિમી. અંતરે આવેલો છે. ભૌગોલિક સ્થાન : 19° 17° ઉ. અ. અને 166° 36´ પૂ. રે.. પૅસિફિક મહાસાગરનું લાંબું અંતર પસાર કરતાં વહાણો તેમજ હવાઈ જહાજો માટે તે ક્યારેક વિસામો માટેના કુદરતી મથકની ગરજ સારે છે. વાસ્તવમાં આ ટાપુ વેક, પીલ અને વિલ્કિસ નામના ત્રણ નાના કંકણાકાર પ્રવાલદ્વીપોથી બનેલો છે. આ ટાપુઓ આશરે 10 ચો.કિમી. જેટલો ભૂમિવિસ્તાર આવરી લે છે. અહીં વસ્તી માત્ર 300 (1995) જેટલી જ છે. અહીં યુ.એસ. લશ્કરી દળના જવાનો તેમજ ઠેકેદારો જ રહે છે.
આ કંકણાકાર પ્રવાલદ્વીપો ગોળાઈમાં ગોઠવાયેલા છે. તેમની વચ્ચે આશરે 10 ચો.કિમી. વિસ્તાર ધરાવતું એક ખાડી સરોવર રચાયેલું છે. આ ટાપુ પર ચોખ્ખું, તાજું, મીઠું પાણી મળતું નથી. અહીં નાના છોડવા અને ઝાંખરાંવાળી વનસ્પતિ છે.
સોળમી સદીમાં સ્પૅનિશ અભિયંતાઓ પૅસિફિક મહાસાગરના અભિયાનમાં નીકળેલા ત્યારે તેમણે આ ટાપુ જોયેલો. પ્રિન્સ વિલિયમ હેન્રી નામના બ્રિટિશ વહાણે 1796માં અહીં ઉતરાણ કરેલું. 1841માં યુ.એસ.ના લેફ્ટનન્ટ ચાર્લ્સ વિલ્કિસે પ્રકૃતિશાસ્ત્રી ટિટિયન પીલની મદદથી તેનું સર્વેક્ષણ કરેલું. ત્યારે તેમને લાગ્યું હતું કે આ ટાપુ પર ક્યારેય વસવાટ થશે નહિ. 1898માં તે યુ.એસ.માં ભળ્યા વિનાનો પ્રદેશ બની રહ્યો; પરંતુ સાન ફ્રાન્સિસ્કોથી મનીલા સુધી દરિયાઈ કેબલ નાખવાનો હોઈ અને તે તેના માર્ગમાં વચ્ચે આવતો હોઈ યુ.એસ. તરફથી તેને માટે દાવો કરવામાં આવ્યો. 1935માં વેક ટાપુ પૅસિફિકમાં હવાઈ ટ્રાફિક માટેનું મથક બની રહ્યો. 1941માં આ ટાપુ નૅશનલ ડિફેન્સ એરિયા બન્યો. બે અઠવાડિયાં માટે યુ.એસ.ના નાવિક દળના 400 જણ અને 1,000 જેટલા નાગરિકો જાપાની હુમલા સામે લડ્યા. 1941ના ડિસેમ્બરમાં તેનો કબજો મળ્યો. વેક ટાપુના રક્ષણાર્થે રાખેલ જાપાની લશ્કરે બીજા વિશ્વયુદ્ધ બાદ શરણાગતિ સ્વીકારી.
જાહ્નવી ભટ્ટ