વેંકટ રમણય્યા, બુલુસુ (જ. 1907, વિજયનગરમ્ પાસે, આંધ્ર પ્રદેશ; અ. ?) : વિખ્યાત તેલુગુ પંડિત, શિક્ષક અને લેખક. વતનમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી સંસ્કૃતની મહારાજા કૉલેજમાં જોડાયા અને કાવ્યશાસ્ત્ર, છંદ:શાસ્ત્ર અને વ્યાકરણનો અભ્યાસ કર્યો. તેમણે 1934થી 1956 સુધી ચેન્નાઈ ખાતે કેલ્લેટ હાઈસ્કૂલમાં અને 1956થી 1968 સુધી હિંદુ થિયૉસૉફિકલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અધ્યાપનકાર્ય કર્યું હતું.
તેમણે ‘ભારતી’, ‘કિન્નર’ અને ‘આંધ્ર સારસ્વત પરિષદ પત્રિકા’ જેવાં સામયિકોમાં લેખો પ્રગટ કર્યા. તે ઉપરાંત ‘આયસ્ય’ અને ‘આંગીરસ’ જેવાં ઉપનામથી સાહિત્ય, તત્વજ્ઞાન, ઇતિહાસ અને સંસ્કૃતિને લગતા હજારો ગ્રંથોની સમીક્ષા પ્રગટ કરી.
તેમણે ‘હરવિલાસમ્’; ‘સારંગધર ચરિત્ર’; ‘કાલહસ્તી માહાત્મ્યમ્’ જેવી પ્રશિષ્ટ કૃતિઓ પર ટીકાઓ દ્વારા તેલુગુ સાહિત્યને સમૃદ્ધ કર્યું. ચિન્નયસૂરિના ‘બાલવ્યાકરણમ્’; બહુજનપલ્લી સીતારામચાર્યુલુના ‘પ્રૌઢ વ્યાકરણમ્’ અને ભટ્ટુમૂર્તિના ‘નરસ ભૂપલિયમ્’ પરની તેમની ટીકાઓ વ્યાપકપણે લોકભોગ્ય બની છે.
તેલુગુ સાહિત્યના ઇતિહાસમાં, ‘આંધ્ર અલંકાર વાઙ્મય ચરિત્ર’ (‘અ હિસ્ટરી ઑવ્ પોએટિક્સ ઇન તેલુગુ’) અને ‘આંધ્ર કવિ સપ્તશતી’ (‘અ બ્રિફ એકાઉન્ટ ઑવ્ સેવન હંડ્રેડ પોએટ્સ ઇન તેલુગુ’) નામક ગ્રંથો તેમના મુખ્ય પ્રદાનરૂપ છે. આ ઉપરાંત ભાસના ‘અભિષેકમ્’નો અનુવાદ અને તેમના ‘સંસ્કૃત નાટક કથાવલિ’માં તેલુગુમાં કેટલાંક સંસ્કૃત નાટકોની કથા નિરૂપી છે. ‘ચિત્તુરી દુર્ગમુ’; ‘ઇન્દિરાદેવી’ અને ‘ભાગ્યરેખા’ તેમની જાણીતી નવલકથાઓ છે. ‘આંધ્ર પત્રિકા’ના વાચકોએ તેમની ‘ધર્મપાથમ્’ નામની કટાર સતત 16 વર્ષ સુધી માણી હતી.
તેમને તેમની કૃતિઓ ‘ગજપતિ’; ‘રાજુલ સાહિત્ય પોષણ અને વવિલ્લ વારિ વાઙ્મય સેવા’ માટે 1964માં અને 1977માં – એમ બે વખત આંધ્ર પ્રદેશ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયેલા.
બળદેવભાઈ કનીજિયા