વૅટિકન મ્યુઝિયમ અને ગૅલરીઓ, રોમ, ઇટાલી

February, 2005

વૅટિકન મ્યુઝિયમ અને ગૅલરીઓ, રોમ, ઇટાલી (ચૌદમીથી વીસમી સદી) : વૅટિકન શહેરના સંખ્યાબંધ મહેલોમાં સંગ્રહાયેલ વિશ્વનું એક મોટામાં મોટું મ્યુઝિયમ. આ મહેલોના 1,400 ખંડોમાં તે જુદા જુદા વિભાગોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ રાજમહેલો સેંટ પીટર્સ ચર્ચની પડખે આવેલા હોવાથી તેમાંના સંગ્રહો પોપની અભિરુચિ અને પોપે કલાને આપેલા આશ્રયના દ્યોતક છે. દરેક પોપે તેમાં વ્યક્તિગત રીતે પ્રગતિકારક ઉમેરા કરવાને લીધે વિભિન્ન મ્યુઝિયમો અસ્તિત્વમાં આવ્યાં હતાં.

તેમાંના સૌથી મોટા ખજાનાઓ હાલ સિસ્ટાઇન ચૅપલના સુશોભનમાં રફેલના ખંડોમાં અને બોર્ગિયાના ઓરડાઓમાં 1508થી 1520 દરમિયાન સંગ્રહાયેલા જોવા મળે છે. આ સંગ્રહોમાં ઍન્જલો, રફેલ અને પિન્ટુરિકોની ઉચ્ચકોટિની કલાકૃતિઓ અને ચિરસ્મરણીય ભીંતચિત્રો પ્રદર્શિત કરાયાં છે. વૅટિકનનાં 7 મોટાં મ્યુઝિયમોના સંગ્રહો વિશાળ, અત્યંત મહત્વના અને વિશ્વમાં સૌથી મૂલ્યવાન છે.

તેમાંના ગ્રીક અને રોમન પ્રાચીન અવશેષો હાથકારીગરીની વસ્તુઓ, વિવિધ રંગોમાં શોભતી વિવિધ કદની ફૂલદાનીઓ અને કાચ પરની ભાતભાતની રંગીન કલાકૃતિઓ અતિ નોંધપાત્ર છે. આ પ્રખ્યાત કૃતિઓ બેલ્વેડરના અષ્ટકોણિયા ચોકમાં ગોઠવવામાં આવી છે.

1820માં સ્થપાયેલી લૅપિડેરિયા ગૅલરીમાં પથ્થર અને હીરા પરની નક્શીકામના ઉત્તમ સંગ્રહો સચવાયા છે. તેમાં 5,000થી વધુ શિલાલેખો અને હજારો રોમન પ્રાણીઓ અને માનવપ્રતિકૃતિઓ રાખવામાં આવ્યાં છે.

1756માં સ્થપાયેલા ક્રિશ્ચિયન મ્યુઝિયમમાં ચર્ચને લગતી મોહક કલાકૃતિઓ અને મોટાં 2 રોમન ભીંતચિત્રો આવેલાં છે. 1839માં સ્થપાયેલ ઇજિપ્શિયન મ્યુઝિયમમાં ઇજિપ્તના મહાન કલાકારોની કૃતિઓ તેમજ રોમન શિલ્પકૃતિઓનો સુંદર સંગ્રહ છે. 1837માં સ્થપાયેલ એટ્રુકન મ્યુઝિયમમાં એટ્રુકન ધાતુશિલ્પો અને ગ્રીકની ઉત્કૃષ્ટ ફૂલદાનીઓ પ્રદર્શિત કરાયાં છે.

1932માં સ્થપાયેલ પીનાકોટેક ચિત્રગૅલરી છે. તેમાં ઇટાલિયન કલાકારોનાં 500 ઉપરાંત ચિત્રો તેમજ પ્રથમ કક્ષાના યુરોપિયન કલાકારોનાં ચિત્રોનો સંગ્રહ ઉલ્લેખનીય છે. આ ચિત્રસંગ્રહ અગિયારમીથી અઢારમી સદી સુધીમાં થઈ ગયેલા મહાન કલાકારોનાં મહત્વનાં ચિત્રોનો છે.

1973માં અદ્યતન ધાર્મિક કલાનો સંગ્રહ ખુલ્લો મૂકવામાં આવેલો. તેમાં 540 સમકાલીન ચિત્રો, શિલ્પકૃતિઓ અને કાચ પરની ભાતીગળ કલાકૃતિઓ પ્રદર્શિત કરી છે. આ ઉપરાંત વૅટિકન લાઇબ્રેરીમાં ભવ્ય સિસ્ટિન હૉલમાં અન્ય 60,000 હસ્તપ્રતો, 1,500 વર્ષ પહેલાં પ્રગટ કરેલ 7,000 પુસ્તકો અને અન્ય 9,50,000 પુસ્તકોનો સંગ્રહ ગોઠવવામાં આવ્યો છે.

બળદેવભાઈ કનીજિયા