વૃક્ષોદ્યાન : શૈક્ષણિક અને વૈજ્ઞાનિક સંશોધન માટે ફક્ત કાષ્ઠમય (woody) વૃક્ષો અને ક્ષુપો જેમાં ઉછેરેલાં હોય તેવો અલાયદો પ્રદેશ. વનસ્પતિ-ઉદ્યાનો(botanical gardens)માં વનસ્પતિઓની સાથે સાથે શુષ્ક વાનસ્પત્યમ્ યાને વનસ્પતિ-સંગ્રહાલય (herbarium) પણ હોય છે તથા આનંદપ્રમોદનાં સાધનો પણ ગોઠવેલાં હોય છે.
વૃક્ષોદ્યાનને જીવંત, કાષ્ઠમય વૃક્ષોનું સંગ્રહાલય કહી શકાય. અમેરિકાનું મોટામાં મોટું વૃક્ષોદ્યાન જેમ્સ આર્નોલ્ડના દાનથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં 1872માં શરૂ થયેલું અને ત્યાં 6,500થી વધારે કાષ્ઠમય વૃક્ષ ઉછેરવામાં આવ્યાં છે. વૉશિંગ્ટન(D.C.)ની નજદીકમાં યુનાઇટેડ સ્ટેટ્સ નૅશનલ આર્બોરેટમ 1927માં સ્થાપવામાં આવ્યું છે, જ્યાં સેંકડો દેશી અને પરદેશી કાષ્ઠમય વૃક્ષો અને ક્ષુપો વૈજ્ઞાનિક અભ્યાસ માટે ઉછેરવામાં આવ્યાં છે. વૃક્ષોની જળની જરૂરિયાત, પ્રકાશ-અંધકાર-સહ્યતા, તાપમાન-મર્યાદા, પરિસ્થિતિજન્ય પરિબળોની અસર, પરાગનયનથી પ્રજનન સુધીની આંકડાકીય માહિતી વગેરેનો અભ્યાસ કરીને વૃક્ષોની વૃદ્ધિ અને વિકાસના સીમાડાઓને વિકસાવ્યાં છે. આ અધ્યયનના પરિપાકરૂપ વૃક્ષદેહધાર્મિકી(tree physiology)ની સ્વતંત્ર શાખાનો જન્મ થયો છે.
ચંદ્રકુમાર કા. શાહ