વૃંદાવન : ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 27° 35´ ઉ. અ. અને 77° 35´ પૂ. રે.. તે મથુરાથી ઉત્તરે આશરે 46 કિમી. દૂર યમુના નદીના જમણા કાંઠે વસેલું છે.
અહીંનો સમગ્ર પ્રદેશ સમતળ છે અને શહેર સમુદ્રસપાટીથી આશરે 175 મીટરની ઊંચાઈ પર આવેલું છે. અહીંનો આખોય પ્રદેશ કાંપનો બનેલો છે. વૃંદાવન અને નજીકના ભાગોમાં પાનખર અને કાંટાળી વનસ્પતિ તથા ખાસ કરીને વડ, લીમડો, બાવળ અને સીસમનાં વૃક્ષો જોવાં મળે છે.
વૃંદાવન રાજ્ય અને જિલ્લાના અન્ય ભાગો સાથે સડક અને રેલમાર્ગોથી જોડાયેલું છે. આજુબાજુના વિસ્તારમાં થતા ખાદ્યપાકોનું તે મહત્વનું ખરીદ-વેચાણ-કેન્દ્ર છે. અહીં પાલતુ પશુઓની સંખ્યા વિશેષ હોવાથી ડેરીનો વિકાસ પણ થયો છે. શહેરમાં ભારત ઇલેક્ટ્રિક ઇન્ડસ્ટ્રીઝ તથા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઓરિયેન્ટલ ફિલૉસૉફી જેવી સંસ્થાઓ આવેલી છે. વૃંદાવન હિન્દુઓના અતિ મહત્વના ધાર્મિક સ્થળ તરીકે ભારતભરમાં જાણીતું છે.
ઇતિહાસ : પ્રાચીનકાળમાં અહીં વૃંદા(તુલસી)ના છોડ વધુ થતા હોવાથી ‘વૃંદાવન’ નામ પડ્યું હોવાનું કહેવાય છે; એક મંતવ્ય એવું પણ છે કે કૃષ્ણની બાલસખી વૃંદાના નામ પરથી પણ આ નામ પડ્યું હોય. વૃંદાવન એ શ્રીકૃષ્ણની બાળલીલાની ભૂમિ છે. બ્રહ્મવૈવસ્વત પુરાણમાં કથા છે કે કેદાર નામના રાજાની વૃંદા નામે કન્યા હતી. તેણે આજન્મ અવિવાહિત રહેવાનું વ્રત સ્વીકારીને યમુનાને કિનારે તપશ્ર્ચર્યા શરૂ કરી. તેથી શ્રીકૃષ્ણ સંતુષ્ટ થયા અને તે કન્યાને વરદાન માગવા કહ્યું, આથી વૃંદાએ વરદાનમાં શ્રીકૃષ્ણને પોતાના પતિ થવાનું કહ્યું. કૃષ્ણે ખુશ થઈને તેની વિનંતી માન્ય કરી અને તેને પોતાને ઘેર લઈ ગયા. જે વનમાં આ કન્યાએ તપ કર્યું હતું તેનું નામ વૃંદાવન પડ્યું. વૃંદાવનમાં ઘણાં મંદિરો હોવાથી તે મંદિરોના શહેર તરીકે જાણીતું છે. ત્યાં લગભગ એક હજાર જેટલાં મંદિરો આવેલાં છે. ઘણા લોકો પોતાના જીવનનો પાછલો સમય વ્યતીત કરવા માટે વૃંદાવનમાં આવીને વસે છે. વૃંદાવનમાંની રાધાકૃષ્ણની પ્રણયગોષ્ઠિ-ક્રીડાને અનુલક્ષીને કવિ જયદેવે ‘ગીતગોવિંદ’ રચ્યું હતું. પ્રાચીન વૃંદાવનના એક ભાગમાં નાગજાતિના લોકોનું પ્રભુત્વ હતું. તેમના મુખી કાલિયનાગને શ્રીકૃષ્ણે હરાવ્યો અને નાગજાતિના લોકોને તે પ્રદેશની બહાર હાંકી કાઢ્યા.
વૃંદાવનમાં વૈષ્ણવોના મુખ્ય ચાર સંપ્રદાયો છે; જેમ કે, શ્રી વૈષ્ણવ, નિમ્બાર્ક વૈષ્ણવ, મધ્વ વૈષ્ણવ અને વિષ્ણુસ્વામી. હવે વિષ્ણુસ્વામી સંપ્રદાય રહ્યો નથી, પરંતુ સોળમા સૈકામાં તેમના સિદ્ધાંતોમાં ફેરફાર કરવામાં આવ્યો અને તે ગોકુલ ગોસાંઈ વલ્લભાચાર્ય નામે જાણીતો થયો. ગોકુલ તેમનું મુખ્ય સ્થાનક ગણાય છે. ત્યાં હરેકૃષ્ણ સંપ્રદાય(ઇસ્કોન)નું પણ મંદિર છે. આ દરેક મંદિરમાં સ્વરૂપ પ્રમાણે દર્શન થાય છે. વૃંદાવનમાં વિવિધ શૈલીનાં મંદિરો નજરે પડે છે. આમાંના ઘણાંખરાં લાલ પથ્થરનાં છે.
આ મંદિરોમાં ધ્યાન ખેંચે તેવાં મંદિરોમાં ગોવિંદદેવનું, રાધાવલ્લભ, ગોપીનાથ, જુગલકિશોર અને મદનમોહનનાં મંદિરો છે. આ મંદિરો 16મી સદીના ઉત્તરાર્ધ અને 17મી સદીના પૂર્વાર્ધમાં બંધાયેલાં છે.
ગોવિંદદેવનું મંદિર ઈ. સ. 1590માં બંધાયું હતું. તેનો કેટલોક ભાગ ઔરંગઝેબના સમયમાં નાશ પામ્યો હતો. હાલમાં જે અવશેષરૂપ દેખાય છે તે તેનો મહામંડપ છે. તેનો વિસ્તાર 35 x 31 મીટર છે. જ્યારે તેનું ગર્ભગૃહ હયાત હશે ત્યારે મંદિર ઘણું વિશાળ લાગતું હશે ! અહીંનો મંડપ ‘સાસ-બહૂ’નાં મંદિરોની માફક બે-ત્રણ માળનો છે. તેના સ્થાપત્યમાં મુસ્લિમ અસર મોટા પ્રમાણમાં છે. આ મંદિરના મંડપની રચના કમાનદાર ઘાટની જોવા મળે છે.
રામાનુજ અને વિષ્ણુ સંપ્રદાયનાં બે મંદિર ભવ્ય અને સુંદર છે. મંદિરના પરિસરમાં આવેલાં નાનાં નાનાં મંદિરોમાં વિષ્ણુના 24 અવતારની મૂર્તિઓ છે. નિજમંદિરની સામે સાડા બાર ગજ (આશરે 10.5 મીટર) ઊંચો સ્તંભ છે. બીજું મહત્વનું મંદિર બાંકે બિહારીનું છે. તે આરસનું છે. તેમાં રાસલીલાને લગતાં શિલ્પો છે. રાધા અને ગોપીઓની સાડીઓની ભાત વિવિધ રંગના આરસના પથ્થરો ગોઠવીને દર્શાવી છે. તે ઘણી જ આકર્ષક લાગે છે.
જુગલકિશોરના મંદિરનું ગર્ભગૃહ અષ્ટકોણીય છે. તેની સાથે લંબચોરસ મંડપ જોડાયેલો છે. અહીંનાં મંદિરમાં મુસ્લિમ અસર પણ ભારોભાર જણાય છે. આ મંદિરસમૂહનાં શિખરો બીજાં શિખરો કરતાં જુદાં પડે છે, પરંતુ વૃંદાવનમાં એક પણ મુસ્લિમ મસ્જિદ કે સ્થાપત્ય નથી. વૃંદાવનમાં ગોપેશ્વર શિવનું મંદિર છે.
એમ કહેવાય છે કે વૃંદાવનમાં દર પૂનમે તેમજ હોળીની રાત્રિ દરમિયાન કૃષ્ણ રાસ રમવા આવે છે. રાત્રિ દરમિયાન ત્યાં કોઈને રહેવા દેવામાં આવતાં નથી. અહીંની રેતીને ‘રમણરેતી’ કહેવામાં આવે છે. આ રમણરેતીમાં કૃષ્ણના પરમ ભક્તો આળોટવાનો લહાવો લેતા હોય છે. આ રીતે કૃષ્ણની પ્રસાદી મેળવ્યાનું સમજે છે. જન્માષ્ટમીના દિવસે દરેક વ્રજવાસી રાસમાં ઝૂમે છે. નાના બાળકને કૃષ્ણનું સ્વરૂપ ગણીને તેને શણગારે છે. જ્યાં સુધી તેણે કૃષ્ણનો લેબાસ ધારણ કર્યો હોય ત્યાં સુધી તેને સ્ત્રીઓ ખભા ઉપરથી નીચે ઉતારતી નથી.
નીતિન કોઠારી
પ્રિયબાળાબહેન શાહ