વુલ્ફ, હ્યુગો (ફિલિપ જેકૉબ) (જ. 13 માર્ચ 1860, વિન્ડિશ્ગ્રેઝ, ઑસ્ટ્રિયા; અ. 22 ફેબ્રુઆરી 1903, વિયેના, ઑસ્ટ્રિયા) : જર્મન ગીતોનો વિખ્યાત સ્વરનિયોજક.
1875માં વિયેના કૉન્ઝર્વેટરીમાં સંગીતનો અભ્યાસ કરવા દાખલ થયો, પણ શિક્ષકોની ખુલ્લેઆમ ટીકા કરવા બદલ 1877માં તેની તે સંગીતશાળામાંથી હકાલપટ્ટી થઈ. પહેલેથી જ તેની પ્રકૃતિ ક્રાંતિકારી હતી. એ વખતે તે વિખ્યાત જર્મન સંગીતકાર વાગ્નરને મળ્યો. વાગ્નર ઉપરાંત જૉસેફ બ્રૂઅરે પણ વુલ્ફને ટેકો આપ્યો.
1879માં વુલ્ફ વિખ્યાત જર્મન સંગીતકાર બ્રાને મળ્યો. બ્રો તેની મિત્રતા હમઉમ્ર સંગીતકાર ગુસ્તાફ મૅહ્લર સાથે કરાવી આપી. મૅહ્લરની પત્ની આલ્માના મતાનુસાર મૅહ્લર વુલ્ફને કૂટણખાનામાં લઈ ગયેલો, જ્યાંથી વુલ્ફને સિફિલિસ રોગની ભેટ મળેલી. આ જ રોગના ખપ્પરમાં વુલ્ફ આખરે મૃત્યુ પામેલો.
1883માં વિયેના નગરમાંથી પ્રકાશિત થતા સંગીતના સામયિક ‘વીનર સેલોમ્બેટ’માં સંગીત-વિવેચક તરીકે તે લખતો થયો. તેમાં તેના અઠવાડિક લેખોમાંથી તત્કાલીન વિયેનિઝ સંગીતની ઘણી જાણકારી મળે છે.
શરૂઆતમાં ગટે, લેનોં, હીન અને આઇએન્ડૉર્ફનાં ગીતોને વુલ્ફે સંગીતમાં ઢાળ્યાં. ક્લીસ્ટની ટ્રૅજેડી ઉપર આધારિત સિમ્ફનિક પોએમ ‘પેન્થેસિલિયા’ લખી. એ પછી ગટે, મોરિકે અને બીજા કવિઓનાં ગીતોને સંગીતમાં ઢાળ્યાં. હેસી અને ગીબેલનાં ગીતોને ‘સ્પૅનિશેઝ લીડેર્બુખ’ શીર્ષક હેઠળ સંગીતમાં ઢાળ્યાં. એ પછી ઇબ્સન અને મહાન રેનેસાંસ-શિલ્પી ચિત્રકાર માઇકલૅન્જેલોનાં સૉનેટને સંગીતમાં ઢાળ્યાં.
વુલ્ફે પેદ્રો ઍન્તૉનિયો દે આલાર્કોનની એક વાર્તા ઉપરથી પહેલો ઑપેરા ‘કોરેગિડોર’ લખ્યો. 1896માં તેનો પ્રીમિયર શો મેન્હિમમાં થયો જે નિષ્ફળ ગયો. એને મઠારીને 1898માં સ્ટ્રાસ્બર્ગમાં રજૂ કરવામાં આવેલો. એ પછી એણે આલાર્કોનની જ કોઈ વાર્તા પરથી બીજો ઑપેરા ‘મૅન્યુઅલ વેનેગાસ’ લખવો શરૂ કર્યો, જે અધૂરો જ રહ્યો.
વુલ્ફની પ્રતિષ્ઠા વિયેના અને બર્લિનમાં ઝડપથી પ્રસરી, છતાં સંગીતના વ્યવસાયમાંથી આવક ઝાઝી થઈ નહિ. ઉદાર મિત્રોનો આર્થિક ટેકો એને સાંપડ્યો. 1897માં એણે માનસિક સમતુલા ગુમાવી. 1898માં તેણે આપઘાતનો પ્રયત્ન કર્યો. અસ્થિર મગજના દર્દીઓની ઇસ્પિતાલમાં તેણે શેષ જીવન શરૂ કર્યું.
વુલ્ફે કુલ 300 ગીતો સંગીતમાં ઢાળેલાં. કવિના શબ્દોના અર્થોને ગહનતાથી અભિવ્યક્ત કરવામાં તેનું સંગીત સમર્થ પુરવાર થયું. એણે વાદ્યસંગીતનું સ્વરાંકન પણ આપ્યું છે. તેમાંનું ‘ઇટાલિયન સેરેનેડ ફૉર ઑર્કેસ્ટ્રા’ શ્રેષ્ઠ મનાય છે.
અમિતાભ મડિયા