વુલ્ફ્રેમાઇટ : ટંગસ્ટનનું ખનિજ. રાસા. બંધારણ : (Fe, Mn) WO4. સ્ફ. વ. : મૉનૉક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટેભાગે ટૂંકા, પ્રિઝમેટિક, ક્યારેક લાંબા પ્રિઝમેટિક પણ હોય; કંઈક અંશે મેજ આકાર (100) ફલક પર; લંબાઈની દિશામાં રેખાંકિત; અન્યોન્ય સમાંતર સ્ફટિક-સમૂહો પણ મળે; પત્રવત્, દળદાર કે દાણાદાર પણ હોય; સોયાકાર સ્ફટિકોની આંતરગૂંથણી પણ મળે. યુગ્મતા : (100) કે (023) ફલક પર જોવા મળે. પારભાસકથી અપારદર્શક. સંભેદ : (010) પૂર્ણ. ભંગસપાટી : ખરબચડી, બરડ. ચમક : આછી ધાતુમય. રંગ : ઘેરો રાખોડી-કાળો, આછા કથ્થાઈ-કાળાથી કાળો. કઠિનતા : 4થી 4.5. વિ. ઘ. : 7.371 (ક્ષ-કિરણોની સહાયથી, ગણતરી મુજબ). પ્રકા. અચ. : α = 2.26, 2.31; β = 2.32; γ = 2.42, 2.46. પ્રકા. સંજ્ઞા : +Ve, 2V = 78° 36´ (ગણતરી મુજબ).
ઉત્પત્તિ-પ્રાપ્તિસ્થિતિ : ઉષ્ણજળજન્ય પ્રક્રિયા કે ઉષ્ણબાષ્પ પ્રક્રિયા દ્વારા તે બને છે. ઊંચા તાપમાને તૈયાર થયેલી ધાતુખનિજશિરાઓમાં કે ક્વાટર્ઝ-શિરાઓમાં અથવા ગ્રૅનાઇટ ખડકોની નજીકમાં વધુ પ્રમાણમાં, મધ્યમ તાપમાને તૈયાર થયેલા ધાતુખનિજોમાં, ઓછા તાપમાને તૈયાર થયેલી શિરાઓમાં ઓછા પ્રમાણમાં તેમજ ભૌતિક સંકેન્દ્રણોમાં પણ તે મળે છે.
પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, આર્જેન્ટિના, બોલિવિયા, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ, જર્મની, ચેકોસ્લોવૅકિયા, રશિયા, મલેશિયા, મ્યાનમાર, ઈરાન, કોરિયા, જાપાન, ઑસ્ટ્રેલિયા, ટસ્માનિયા, ટ્રાન્સવાલ અને ભારત.
ભારતમાંનું એકમાત્ર મહત્વ ધરાવતું પ્રાપ્તિસ્થાન રાજસ્થાનના જોધપુર જિલ્લામાં દેગાના પાસે આવેલું છે, આ ઉપરાંત થોડાક પ્રમાણમાં તે પશ્ચિમ બંગાળમાં બાંકુરા જિલ્લામાંથી (શીલાઇટના સહયોગમાં) તેમજ કર્ણાટક અને આંધ્રમાંથી અને રાજસ્થાનમાં સિરોહી નજીક આશરે 6 કિમી.ને અંતરે સિરોહી-રોડ સ્ટેશન જવાના માર્ગ પર ગ્રૅનાઇટ-પેગ્મેટાઇટના સહયોગમાં મળે છે, પણ તે ખાણ-ઉદ્યોગને ટકાવી રાખવા જેટલા પ્રમાણમાં નથી. વુલ્ફ્રામનું 95 % ઉત્પાદન પોલાદ-ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાય છે.
ગિરીશભાઈ પંડ્યા