વુલ્ફિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા લેમ્નેસી કુળની પ્રજાતિ. તેની આશરે 10 જેટલી જાતિઓ ઉષ્ણ અને શીતપ્રદેશોમાં થાય છે.
Wolfia arrhiza નામની જાતિ વનસ્પતિજગતની સૌથી નાની સપુષ્પ વનસ્પતિ છે. સ્થિર પાણીનાં ખાબોચિયાં, કુંડ, હોજ અને તળાવમાં થતી આ વનસ્પતિ અત્યંત વિશિષ્ટ છે. તેના નાનકડા ગોળાકાર લાલ રંગના છોડ પાણીમાં તરતા રહે છે. તે પર્ણવિહીન હોય છે અને તેનું પ્રકાંડ લીલું ચપટું અને શાખિત બની પર્ણનું કાર્ય સંભાળી લે છે. પ્રત્યેક શાખા નીચે મૂળરોમયુક્ત નાનાં મૂળ નીકળે છે. શાખાઓ એકમેકથી છૂટી પડી સ્વતંત્ર છોડ તરીકે જીવન જીવે છે.
પ્રકાંડની ઉપરની બાજુએ ખાંચમાં પુષ્પો ઉત્પન્ન થાય છે. નર પુષ્પ એક જ પુંકેસરનું બનેલું હોય છે. માદા પુષ્પો નર પુષ્પની નજીક ઉદ્ભવે છે અને ગોળાકાર બીજાશય ધરાવે છે. પુષ્પ પરિદલપુંજ કે નિપત્રરહિત હોય છે.
તે પાણી પર ક્યારેક લીલી ચાદરની જેમ છવાઈ જાય છે.
મીનુ પરબીઆ
દિનાઝ પરબીઆ