વુલ્ફલિન, હેઇન્રિખ (Wolfflin, Heinrich) (જ. 1864, વિન્ટર્થુર, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 1945, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિસ કલાઇતિહાસકાર. ઇટાલિયન રેનેસાંસના જર્મન રેનેસાંસ સાથેના તુલનાત્મક અભ્યાસ માટે તથા રેનેસાંસ-કલાના બરોક-કલા સાથેના તુલનાત્મક અભ્યાસ માટે તેઓ જાણીતા છે. ઇતિહાસકારો જેકૉબ બુર્કહાર્ટ (Jacob Burckhardt) અને વિલ્હેમ રીલ (Wilhelm Riehl), ફિલસૂફો વિલ્હેમ ડિલ્થી (Wilhelm Dilthey), ફ્રેડરિક પૉલ્સન (Friedrich Paulsen) અને જોહાનેસ વૉલ્કેલ્ટ (Johannes Volkelt), મનોવિજ્ઞાની હર્માન ઍબિન્ગૉસ (Hermann Ebbinghaus) તથા પુરાતત્વવિદ હેઇનિખ્ર બ્રુન (Heinrich Bruwn) હેઠળ અભ્યાસ કરીને 1886માં મ્યૂનિક યુનિવર્સિટીમાંથી તેમણે ફિલસૂફીમાં સ્નાતકની પદવી હાંસલ કરેલી. એ માટેના મહાનિબંધનો વિષય તેમણે પસંદ કરેલો : ‘માનવી અને સ્થાપત્ય વચ્ચેનો સંબંધ’. પદવી હાંસલ કર્યા પછી તેઓ રોમ ચાલ્યા ગયા. અહીં તેમણે પોતાનું પ્રથમ પુસ્તક ‘રેનેસાંસ ઍન્ડ બરોક’ લખ્યું; જે દ્વારા તેમણે કલાના તુલનાત્મક અભ્યાસની યુરોપમાં પહેલ કરી. રેનેસાંસ અને બરોક તબક્કાની મન:સ્થિતિ – મૂડ(mood)ને પકડવાની પહેલ પણ તેમણે જ આ પુસ્તકમાં પ્રથમ વાર કરી.
1893માં બૅસલ (Basel) યુનિવર્સિટીમાં કલાઇતિહાસના પ્રોફેસર તરીકે વુસ્ફલિનની નિમણૂક થઈ. આ સમયે તેઓ શિલ્પી ઍડૉલ્ફ ફૉન હિલ્ડેબ્રાન્ડ, લેખક કોન્રાડ ફીડ્લર (Fiedler) અને કલા-ઇતિહાસકાર તથા કલા-આશ્રયદાતા જિયોવાની મોરેલીના પ્રગાઢ પ્રભાવ હેઠળ આવ્યા. હિલ્ડેબ્રાન્ડ ગ્રેકોરોમન અને રેનેસાંસ તબક્કાની પ્રકાશ-છાયાથી વ્યાખ્યાયિત થતી શૈલીના સમર્થક હતા અને પ્રભાવવાદી શૈલીના કડક ટીકાકાર હતા. હિલ્ડેબ્રાન્ડની આ વિચારસરણી વુલ્ફલિને પણ અપનાવી. હિલ્ડેબ્રાન્ડે પોતાના આ વિચારો વ્યક્ત કરતું પુસ્તક લખ્યું : ‘ધ પ્રૉબ્લેમ ઑવ્ ફૉર્મ ઇન ધ ફાઇન આર્ટ્સ’. વુલ્ફલિને તેમાંથી ઘણા વિચારો અપનાવ્યા; અને મૌલિક પુસ્તક લખ્યું ‘ક્લાસિક આર્ટ’ (1899). તેમાં પંદરમી અને સોળમી સદીના ઇટાલીની રેનેસાંસ અને બરોક-શૈલીઓની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે; પણ પુસ્તકના અંતે તેમણે કલાકારની અંગત કલાત્મક ઝંખના અને બાહ્ય સમાજની અપેક્ષાઓના પારસ્પરિક સંબંધો સ્પષ્ટ તારવી બતાવ્યા છે.
1901માં જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજાએ વુલ્ફલિનની નિમણૂક એ વખતે જર્મનીની સૌથી વધુ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી બર્લિન યુનિવર્સિટીમાં કલા-ઇતિહાસના પ્રોફેસર તરીકે કરી. આ સમ્રાટ આધુનિક કલાને હૃદયપૂર્વક ધિક્કારતો હતો અને જર્મન રેનેસાંસ-કલાની પ્રતિષ્ઠા ઝંખતો હતો. એ સમ્રાટની ઇચ્છાને માન આપીને વુવુલ્ફલિને પુસ્તક ‘ધી આર્ટ ઑવ્ ઍલ્બ્રેખ્ત ડ્યુરર’ (1905) લખ્યું. તેમાં જર્મન ચિત્રકાર ડ્યુરરની માત્ર જર્મનીના જ નહિ, પણ સમગ્ર ઉત્તર યુરોપના શ્રેષ્ઠ કલાકાર તરીકે સ્થાપના કરવામાં આવી છે. આ પુસ્તક લખ્યા પછી તેમણે લાંબી રજા લઈ ઇટાલીનો પ્રવાસ કર્યો અને ઇટાલીમાં મૌલિક ચિત્રો પણ ચીતર્યાં. એ પછી તેમણે કલા-ઇતિહાસના સિદ્ધાંતો પર મૌલિક ચિંતન શરૂ કર્યું અને 1912માં બર્લિન યુનિવર્સિટીમાં ત્યાગપત્ર આપીને મ્યૂનિક યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા. અહીં તેમણે નવું પુસ્તક પ્રસિદ્ધ કર્યું ‘પ્રિન્સિપલ્સ ઑવ્ આર્ટ-હિસ્ટરી’ (1915).
આ પુસ્તકમાં રેનેસાંસ ચિત્ર, શિલ્પ અને સ્થાપત્યનો બરોક ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય સાથેનો વિશદ તુલનાત્મક અભ્યાસ કર્યો. ‘હંમેશાં દરેક વસ્તુ શક્ય હોતી નથી.’ – તેવો સિદ્ધાંત તેમણે આ પુસ્તકમાં રજૂ કરીને જણાવ્યું કે દરેક કલાકૃતિ વિશિષ્ટ સ્થળ, સમય અને સંજોગોની આગવી નીપજ હોય છે. વળી, કલા માટેનાં જવાબદાર પરિબળો અને પરિણામો પરસ્પરમાં વિસ્તરતાં હોય છે તે સિદ્ધાંત પણ રજૂ કર્યો.
વુલ્ફલિનનું છેલ્લું પુસ્તક છે : ‘ધ સેન્સ ઑવ્ ફૉર્મ ઇન આર્ટ’ (1931). આ પુસ્તકમાં તેમણે ઇટાલિયન રેનેસાંસ અને જર્મન રેનેસાંસ વચ્ચેના મૂળભૂત ભેદ ચીંધી બતાવ્યા છે. આ પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે ઇટાલીમાં ફાસીવાદ અને જર્મનીમાં નાઝીવાદ પ્રસરી રહ્યો હતો. આ પુસ્તકમાં તેમણે કલાક્ષેત્રે જર્મનોના મુકાબલે ઇટાલિયનોને ચડિયાતા ગણાવ્યા હોવાથી તેના વિશે ગેરસમજો ઊભી થાય તે સ્વાભાવિક હતું. જાન બચાવવા તેઓ 1924માં પોતાના માદરે વતનમાં તટસ્થ દેશ સ્વિટ્ઝર્લૅન્ડના ઝુરિક નગરમાં સ્થાયી થયા.
રેનેસાંસ અને બરોક કલાઓના વિશદ અભ્યાસ કરવા ઉપરાંત વુલ્ફલિને કારકિર્દીના સમગ્ર નિચોડ રૂપે બીજા વિશ્વયુદ્ધ પછીના એર્વિન પૅનૉફ્સ્કી (Erwin Panofsky) જેવા કલાઇતિહાસકારો માટે ભૂમિકા તૈયાર કરી આપવાનું મહત્વનું કામ કર્યું.
અમિતાભ મડિયા