વુલર (Wular) : જમ્મુ-કાશ્મીર રાજ્યના બારામુલા જિલ્લામાં આવેલું વિશાળ સરોવર. ભૌગોલિક સ્થાન : 34° 21´ ઉ. અ. અને 74° 33´ પૂ. રે.. તે શ્રીનગરથી ઉત્તર-વાયવ્ય (NNW) દિશામાં આશરે 32 કિમી.ને અંતરે કાશ્મીર ખીણને ઉત્તર છેડે આવેલું છે. ઋતુભેદે પાણીની આવકજાવક મુજબ તેના ક્ષેત્રફળમાં ફેરફાર થયા કરે છે. સામાન્ય સંજોગોમાં તેની લંબાઈ 14થી 16 કિમી. અને પહોળાઈ 4થી 7 કિમી. જેટલી રહે છે. તે રીતે જોતાં, તેનું લઘુતમ ક્ષેત્રફળ માત્ર 30 ચોકિમી. જેટલું અને તે મુજબ તેનો ઘેરાવો 48 કિમી.નો રહે છે. જળપુરવઠો મળતાં તેનું ક્ષેત્રફળ 256થી 260 કિમી. જેટલું થાય છે. સમુદ્રસપાટીથી તે 1,730 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેની ઊંડાઈ ઉત્તર અને પશ્ચિમ ભાગમાં 5 મીટરની, જ્યારે સરેરાશ ઊંડાઈ 4 મીટર જેટલી રહે છે. તેનો જળપ્રવાહ અગ્નિકોણ તરફની ખીણમાંથી બહાર પડે ત્યારે તેની ઊંડાઈ ઘટે છે. આ બધાં પરિમાણોની દૃષ્ટિએ, તે જમ્મુ-કાશ્મીર રાજ્યનું તેમજ ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર ગણાય છે.
આ સરોવરની ઉત્તરે અને દક્ષિણે તેના અડધા ઘેરાવામાં ગિરિમાળાઓ પથરાયેલી છે. સરોવર ફરતે જેલમ અને સહાયક નદીઓએ લાવેલા હિમનદીજન્ય નિક્ષેપદ્રવ્યથી સમતળ મેદાની પ્રદેશ તૈયાર થયેલો છે. સરોવરની દક્ષિણ તરફ સોપોર શહેર આવેલું છે. જેલમના મુખ (વેરીનાગ, અચ્છાબન અને અનંતનાગ) નજીક ચૂનાખડકમાં નિર્માણ પામેલી ગુફાઓ તેમજ ઝરણાં જોવા મળે છે. એક તરફ જેલમ નદી વુલરના પૂર્વભાગમાં પ્રવેશે છે અને નૈર્ઋત્ય તરફ સોપોર નગર નજીક બહાર પડે છે.
વુલર સરોવર વિશાળ વિસ્તારને આવરી લેતું હોવાથી તે નાના સમુદ્ર જેવું દેખાય છે. દાલ સરોવરની જેમ તેનાં પાણી સ્થિર રહેતાં નથી. અહીં પવનો સતત ફૂંકાતા રહેતા હોવાથી પાણી હિલોળા લીધા કરે છે, તેમાં તરંગો તેમજ વમળો ઉદ્ભવતા રહે છે. વધુ પડતા હિલોળાને કારણે ક્યારેક દિવસ દરમિયાન હોડી હંકારવાનું મુશ્કેલ બની રહે છે; તેથી વહેલી સવારે તથા રાત્રે તેનાં પાણી શાંત હોય ત્યારે જ હોડીઓની અવરજવર થઈ શકે છે.
આ સરોવરના પૂર્વ કાંઠા તરફના ભાગમાં જેલમનાં પાણી ઠલવાય છે, નૈર્ઋત્ય દિશાએ તે પુન: પોતાનો નિર્ગમમાર્ગ કરી આગળ વહે છે. બાંદીપોર (જૂનું નામ મધુમતી) નાળાનું પાણી પણ તેમાં ઠલવાય છે. આ ઉપરાંત 40 કિમી. કે તેથી ઓછી લંબાઈનાં અનેક ઝરણાં દ્વારા પણ તેને જળપુરવઠો મળે છે. તેને મળતાં ઝરણાંઓમાં પોહરુ, હરબુજી અરાહ, એરિન, બાંદીપોર, બોડકોલ, શટ અને શુલૂર મુખ્ય છે.
સરોવરના પશ્ચિમ કાંઠે બાબા સુકર-ઉદ્-દીનની કબર આવેલી છે. સરોવરના દક્ષિણ ભાગમાં, જેલમ નદીના પ્રવેશસ્થળની નજીકમાં ઝૈના-લંક નામનો એક ટાપુ આવેલો છે. આ ટાપુનું નામ પંદરમી સદીના પ્રથમ ચરણમાં કાશ્મીર પર શાસન કરતા તત્કાલીન રાજા ઝૈન-ઉલ-અબિદીન ઉર્ફે બાદશાહના નામ પરથી પડેલું છે. તેની લંબાઈ-પહોળાઈ અનુક્રમે 90 મીટર અને 75 મીટર જેટલી છે. તે સમયે આ સરોવર વધુ વિશાળ હતું. તેને હોડી મારફતે પસાર કરવામાં આખો દિવસ વીતી જતો, ક્યારેક હોડીઓ ફસાઈ જતી, ક્યારેક કરુણ ઘટના પણ બનતી. આથી આ બાદશાહના આદેશથી 1443(હિજરી સંવત 847)માં આ ટાપુનું નિર્માણ કરવામાં આવ્યું, જેથી ત્યાં વિશ્રામ કરીને સરળતાથી આગળ જઈ શકાય. ઝૈન-ઉલ-અબિદીન પણ આ ટાપુ પર રોકાયેલા.
આ સરોવરમાંથી માછલીઓ, શિંગોડાં, કમળ વગેરે મેળવાય છે. આ રીતે તે કાંઠા નજીકના ગામલોકો માટે આવકનું સાધન બની રહેલું છે. જોકે રાજ્ય સરકાર તરફથી આ માટે પરવાનો લેવો પડે છે.
પ્રાચીન સમયમાં આજની કાશ્મીર ખીણને સ્થાને સતીસર નામનું સરોવર અસ્તિત્વ ધરાવતું હતું. ઉપલબ્ધ જાણકારી મુજબ, અહીંના વિસ્તારના રાજા સુંદરસેનના રાજ્યનું પાટનગર ‘સમ્દીમતનગર’ હતું. ભૂકંપને કારણે તે તારાજ થઈ જતાં ત્યાં વુલર સરોવર રચાયું.
એવું પણ માનવામાં આવે છે કે સુયા નામના રાજાએ અહીંના મહાપદ્મ (વુલર) સરોવરનો સિંચાઈ માટે ઉપયોગ કરેલો. તેણે ખૂબ ઓછા ખર્ચે પૂરથી નુકસાન ન પહોંચે એવું વ્યવસ્થિત આયોજન કર્યું હતું. આ કારણે તેઓ અન્નપતિ (Lord of food) તરીકે ઓળખાતા થયેલા. તેમણે વિતસ્તા (જેલમ) અને સિંધુ નદીનાં પાણી એ રીતે વહેતાં કર્યાં જેથી ખેતી માટે તેનો મહત્તમ ઉપયોગ થઈ શકે.
ઝૈન-ઉલ-અબિદીન(1417)ના શાસનકાળ દરમિયાન ખેડૂતોને સૂકી ઋતુમાં પણ જળપુરવઠો મળી રહે તેમજ બગીચાઓ હરિયાળા રહે તે માટે વુલરનાં પાણીનો ઉપયોગ થતો હતો.
મહારાજા પ્રતાપસિંહે ઇજનેરી દૃષ્ટિબિંદુને લક્ષમાં રાખીને સિંચાઈનું આયોજન કરેલું. વુલર સરોવર પાસે સોપોરથી ખદાન્યાર સુધી નહેરોનું નિર્માણકાર્ય કરાવેલું, તેમાં વુલર સરોવરનાં પાણીનો ઉપયોગ કરેલો.
નીતિન કોઠારી
ગિરીશભાઈ પંડ્યા