વુએ, સિમોં : ફ્રાંસનો પ્રથમ બરોક-ચિત્રકાર. ઇટાલીની બરોક-ચિત્રશૈલી ફ્રાંસમાં પ્રચલિત કરનાર.
1612થી 1627 દરમિયાન વુએ ઇટાલીમાં રહ્યો અને બરોક-ચિત્રશૈલી આત્મસાત્ કરી. ઇટાલીના રોમ નગરમાં શરૂઆતનાં વર્ષોમાં પ્રસિદ્ધ બરોક-ચિત્રકાર કારાવાજિયોનો એ શિષ્ય હતો. કારાવાજિયોની જેમ જ એના એ વખતનાં ચિત્રોમાં પણ અગ્રભૂમિકામાં રહેલી માનવ આકૃતિઓ ઉપર એક જ બિંદુએથી પડતો પ્રકાશ તથા એ પ્રકાશને કારણે તે આકૃતિઓના પડછાયાનું પશ્ચાદ્ભૂમિકામાં થતું વિગલન એણે ચોકસાઈથી અંકિત કર્યાં છે. આ સમયનાં એનાં ચિત્રોમાંથી ‘ટુ લવર્સ’ શ્રેષ્ઠ ગણાય છે. 1620 પછી વુએએ કારાવાજિયોનો સ્ટુડિયો છોડી દીધો જણાય છે. 1620 પછીની એની ચિત્રકૃતિઓમાં બરોક- ચિત્રકારો ગુઇડો રેની, ગ્વેર્ચિનો અને ડોમેનિકિનોનો પ્રભાવ જોવા મળે છે. કૅન્વાસ પર પ્રકાશ અને પડછાયાનું વિભાગીકરણ વધુ સંકુલ બનતું જતું જણાય છે. આ ચિત્રોમાં ‘સેંટ બ્રુનો’, ‘ક્યુપિડ ઍન્ડ સાઇકી’ તથા ‘ટાઇમ વક્વિશ્ડ’ સમાવેશ પામે છે.
કારાવાજિયો જેવા ભારેખમ અને કાળાધબ્બ પડછાયાને સ્થાને હવે આ ચિત્રમાં સર્વત્ર એકસરખો પ્રસરેલો પ્રકાશ અને તેથી સર્જાતા હળવા આછા પડછાયા જોવા મળે છે.
1627માં ફ્રાંસના રાજા લુઈ તેરમાના આમંત્રણથી વુએ પૅરિસ ગયો. એ રાજાએ તેની નિમણૂક ‘ફર્સ્ટ પેઇન્ટર’ જેવા ટોચના મોભાદાર હોદ્દા પર કરી અને સતત પંદર વરસ સુધી તેને મહત્વાકાંક્ષી ચિત્રો સર્જવાની તક આપી. હવે વુએ તેનાં માસ્ટરપીસ ચિત્રો સર્જી શક્યો. તેમાં ‘રિચિઝ’, ‘સેંટ ચાર્લ્સ બોરોમિયો’, ‘મેડોના’ અને ‘ડાયેના’નો સમાવેશ થાય છે. આછા પ્રકાશમાં સોનેરી ઝાંયથી ચમકતી ત્વચા અને વસ્ત્રો તથા મધુર વાતાવરણ વુએની શ્રેષ્ઠ ખૂબીઓ છે.
અમિતાભ મડિયા