વીરપ્પન, કે. મુથુસ્વામી (જ. 1952, ગોપીનાથમ્, કર્ણાટક; અ. 18 ઑક્ટોબર 2004, પપરાપત્તિ, ધરમપુરી, તામિલનાડુ) : જઘન્ય ગુનેગારી માટે ભારતભરમાં કુખ્યાત બનેલો અને જેને જીવતો અથવા મરેલો પકડવા માટે તામિલનાડુ અને કર્ણાટક રાજ્યોની સરકારો અને પોલીસે પુષ્કળ ભોગ આપેલો તે દંતકથારૂપ ડાકુ. તામિલનાડુ અને કર્ણાટક રાજ્યોનાં ગીચ જંગલોમાં અને અંશત: કેરળ રાજ્યના કેટલાક જૂજ વિસ્તારોમાં 1984–2004ના ગાળામાં તેણે ભયંકર આતંક ફેલાવી સરકારો અને પ્રજાને બે દાયકા સુધી જાણે કે બાનમાં પકડી રાખ્યાં હતાં. તેને પકડવા માટે બંને રાજ્ય સરકારોએ 752 પોલીસ-જવાનોનું એક વિશિષ્ટ કાર્યદળ (special task force STF) બનાવેલું, જેની સામેની ઝુંબેશ પર સરકારી તિજોરીમાંથી આશરે 25 કરોડ રૂપિયા જેટલી રકમ ખર્ચાઈ હતી જે કોઈ એક ગુનેગારને ઝબ્બે કરવા માટે ખર્ચાયેલી વિશ્વસ્તરની વિક્રમસૂચક રકમ હતી અને જેના માથા પર બંને રાજ્ય સરકારોએ રૂપિયા પાંચ કરોડ અને પચાસ લાખની રકમનાં ઇનામો જાહેર કર્યાં હતાં.
કર્ણાટકની એક પછાત કોમમાં વીરપ્પનનો જન્મ થયો હતો. નાનપણથી જ તેના ગુનાઇત માનસનો પરિચય થયો હતો. તે માત્ર 11 વર્ષનો હતો ત્યારે તેણે 1963માં એક દંતૂશળ હાથીની હત્યા કરી હતી. તે માત્ર 17 વર્ષનો થયો ત્યારે 1969માં તેણે પ્રથમ વાર માણસના ખૂનનો ગુનો કર્યો હતો. ત્યારબાદ તેણે તેના ગુનાઓની વ્યાપક જાળ દક્ષિણ ભારતનાં બે રાજ્યોનાં ગીચ જંગલોમાં ફેલાવી હતી. તેણે આચરેલ ગુનાઓમાં લૂંટફાટ, બળજબરીથી ધન પડાવવું (extortions), ખૂન, શિકારચોરી, તસ્કરી, દાણચોરી, વૃક્ષોનું ગેરકાયદેસર નિકંદન અને અપહરણ જેવા ગુનાઓ ક્રમશ: ઉમેરાતા ગયા. તામિલનાડુ અને કર્ણાટક રાજ્યોના ચાર જિલ્લાઓના 6000 ચોરસ કિલોમીટર જેટલા પ્રદેશમાં તેણે તેની ગુનાઇત પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવેલું. 1984–2004ના ગાળામાં તેણે 120 જેટલાં ખૂન કર્યાં હતાં, જેમાંથી 44 ખૂન પોલીસ-જવાનોનાં હતાં. આશરે 2,000 જેટલા હાથીઓને મારી નાંખી તેમના દાંતની દાણચોરી કરી હતી. ચંદનનાં જંગલો કાપી કરોડો રૂપિયાની તસ્કરી કરી હતી. અને કરોડો રૂપિયાની મતા બળ અને આતંક દ્વારા ભેગી કરી હતી. સરકારી તંત્ર પર પોતાની ધાક જમાવવા માટે તેણે ઑક્ટોબર, 1988માં બે જંગલ અધિકારીઓને ઊકળતા પાણીની કઢાઈમાં ઝીંકી તેમની નૃશંસ હત્યા કરી હતી. નવેમ્બર, 1991માં એક વનરક્ષકનો તેણે શિરચ્છેદ કર્યો હતો અને અધૂરામાં પૂરું, પુત્રપ્રાપ્તિની તીવ્ર ઝંખનાને વશ થઈ તેણે જુલાઈ, 1993માં પોતાની ત્રીજી પુત્રીનું ગળું દબાવીને ખૂન કર્યું હતું. 1994માં
શરણાગતિની વાટાઘાટો કરવાના બહાના હેઠળ તેણે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને મુલાકાત માટે બોલાવી કપટથી મારી નાંખ્યા હતા. તેવી જ રીતે તેની ટોળકીમાંથી છૂટા થઈ પોતાની અલગ ટોળકી બનાવનાર તેના જૂના સાગરીત થંગવેલુને ભોજનના બહાના હેઠળ બોલાવી તેની અને તેના અંગરક્ષકોની કપટપૂર્વક હત્યા કરી હતી. આ પ્રકારની તેની ઘાતકી ક્રૂરતા અને કપટને બંને રાજ્યોમાં દંતકથાનું સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. તેનાં ગુનાઇત કૃત્યોના બે દાયકાના ગાળા દરમિયાન તેની સામે તામિલનાડુ રાજ્યમાં 106 ગુનાઓ અને કર્ણાટક રાજ્યમાં 70 ગુનાઓ દાખલ થયા હતા. વર્ષ 2000માં તેણે દક્ષિણ ભારતના વિખ્યાત ચલચિત્ર-અભિનેતા રાજકુમારનું અપહરણ કરી તેમને ચાર માસ સુધી પોતાની ટોળકીની દેખરેખ હેઠળ જંગલોમાં બાનમાં રાખ્યા હતા અને એમ કહેવાય છે કે તેમની સકુશળ મુક્તિની અવેજમાં વીરપ્પને વીસ કરોડ રૂપિયાનું બાનધન (ransom) પડાવ્યું હતું. તેના જ પગલે તેણે વર્ષ 2002માં કર્ણાટકના એક પૂર્વ મંત્રી એચ. નાગપ્પાનું અપહરણ કર્યું હતું અને બાનમુક્તિ માટે પોતે નિર્ધારિત કરેલ રકમ ન મળતાં તેનું ખૂન કરી તેનું શબ જંગલમાં એક ઠેકાણે ફેંકી દીધું હતું. વર્ષ 2000 અને 2002 વચ્ચેના ગાળામાં તામિલનાડુ સરકારે તેની સાથે શાંતિવાર્તા કરવા માટે 2-3 વાર તમિળ વૃત્તપત્ર ‘નકીરન’ના તંત્રી આર. આર. ગોપાલને મધ્યસ્થી તરીકે મોકલ્યા હતા જેમની સાથે વીરપ્પન શરણાગતિ માટે દર વખતે નવી નવી શરતો મોકલતો જેનું કોઈ નક્કર પરિણામ આવ્યું નહિ. એવું કહેવાય છે કે કેટલાક અગ્રણી રાજકારણીઓ સાથેના તેના નજીકના સંબંધોને કારણે તથા પોલીસ-દળમાં ફેલાયેલ ભ્રષ્ટાચારને કારણે વીરપ્પન પોતાની ગુનાઇત પ્રવૃત્તિઓ બિનધાસ્તપણે ચલાવી શક્યો હતો. બે-ચાર વાર તો તે મૃત્યુના જડબાંમાંથી સહીસલામત પાછો આવી શક્યો હતો. એક વાર તો તેની સગી બહેન મારીએ પોલીસદળના જવાનોને યુક્તિપૂર્વક ખોટી દિશામાં વાળી ગુમરાહ કર્યા ન હોત તો તે જ વખતે તે પોલીસના હાથમાં ઝડપાઈ ગયો હોત. તેણે કેટલાક એવા માણસો પોતાની જાળમાં રોકી રાખ્યા હતા, જેમને નિયમિત નાણાકીય લાભ આપી તેમની પાસેથી તે પોલીસની હિલચાલોની માહિતી સમયે સમયે મેળવી શકતો હતો. વીરપ્પન ગુનેગાર હોવા ઉપરાંત કુશળ આયોજક પણ હતો. તે કોઈ એક સ્થળે લાંબા સમય સુધી રહેતો નહિ અને અત્યંત સૂક્ષ્મ અને ઝીણવટભર્યો વિચાર કરી પોતાના ‘શિકાર’ની અને તે શિકાર પર આક્રમણ કરવાની પદ્ધતિની પસંદગી કરતો હતો. તેણે ગીચ જંગલોમાં જુદા જુદા સ્થળે ભિન્ન ભિન્ન આકારના ખાડા બનાવ્યા હતા, જેમાં તે અનાજ જેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ, તસ્કરી અને દાણચોરી માટેની વસ્તુઓ તથા શસ્ત્રોનો સંગ્રહ કરી રાખતો. આ અંગેની માહિતી તેના અત્યંત નિકટના સાથીદારો જ ધરાવતા.
સમયાંતરે અસ્થમાની વધતી બીમારી, નબળી બની રહેલી આંખો, કેટલાક નજીકના સાથીદારો દ્વારા તેનો કરાયેલો ત્યાગ, તેને પકડવા માટે પોલીસદળ પર પ્રજાનું વધતું દબાણ વગેરે કારણોસર તેનું મનોબળ ધીમે ધીમે તૂટવા માંડ્યું. એક સમયે તો તે દક્ષિણ અર્કાટ જિલ્લામાં કાયમી સ્થળાંતર કરવાની તૈયારી કરતો હતો. સાથોસાથ લગભગ એ જ અરસામાં તેણે અભિનેતા રાજકુમાર અને કર્ણાટકના નેતા એચ. નાગપ્પાનું અપહરણ કરવાની ભૂલ કરી, જેને કારણે લોકમાનસનો જુવાળ તેની વિરુદ્ધમાં ભભૂકવા લાગ્યો. છેવટે તામિલનાડુના વિશિષ્ટ સેવાદળના વડા કે. વિજયકુમારે ઘડી કાઢેલ યુક્તિપૂર્વકની ‘ઑપરેશન કકૂન’ યોજનામાં તે ફસાઈ ગયો અને 18 ઑક્ટોબર, 2004ના રોજ ધરમપુરીથી 10 કિમી. દૂર જાહેર રસ્તા પર પપરાપત્તિ ગામની સીમમાં પોલીસ સાથે થયેલ અથડામણમાં તે માર્યો ગયો હતો.
ભારતના તાજેતરના ઇતિહાસમાં થઈ ગયેલ સૌરાષ્ટ્રનો દેવાયત, મધ્યપ્રદેશનો માનસિંગ અને ઉત્તરપ્રદેશની ફૂલનદેવી જેવાં ડાકૂઓની સરખામણીમાં કે. મુથુસ્વામી વીરપ્પન ગુનેગારીમાં અનેકગણો વધારે ભયંકર સાબિત થયો છે.
તેના જીવન પર કન્નડ ભાષામાં એક ચલચિત્ર નિર્માણ થયું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે