વીરપુર : સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 21° 47´ ઉ. અ. અને 70° 42´ પૂ. રે.. તે રાજકોટથી 56 કિમી.ને અંતરે રાજકોટ-જૂનાગઢ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ગોંડળજે-તપુર વચ્ચે આવેલું છે. રેલમાર્ગે જેતપુર સ્ટેશને ઊતરીને ત્યાંથી રાજ્ય પરિવહનની બસ મારફતે જઈ શકાય છે. ખાનગી વાહન દ્વારા પણ રાજકોટ થઈને વીરપુર પહોંચી શકાય છે.
1820 અગાઉ વીરપુર રાજકોટ જિલ્લાનું માત્ર એક નાનકડું ગામ હતું. આજે તે મહત્વનું યાત્રાધામ બની રહેલું છે. વીરપુર અને સંત-શિરોમણિ જલારામ એકબીજાના પર્યાયરૂપ બની રહ્યાં છે. 4-11-1799 સોમવારે વીરપુર ખાતે રઘુવંશી સમાજમાં પ્રધાન ઠક્કર અને રાજબાઈમાને ત્યાં જન્મેલા બોઘાભાઈ જલારામે 1818માં ચારધામની યાત્રા કરી આવ્યા બાદ 21 વર્ષની યુવાનવયે અહીં 18-11-1820 સોમવારે સદાવ્રતથી પુણ્યકાર્યનો પ્રારંભ કરેલો. ત્યારથી તેઓ ‘જલારામબાપા’ના હુલામણા નામથી પ્રસિદ્ધ થયેલા છે. તેમનાં અનેક સેવાભાવી, પરોપકારી, કલ્યાણકારી કામોને લીધે આજે વીરપુર ગામનું મહત્વ અનેકગણું વધી ગયું છે. બાપાએ શરૂ કરેલા સદાવ્રતમાં કેટલાંય ભૂખ્યાં જનો સાદું ભોજન લઈ તૃપ્તિ અનુભવે છે. અહીં આવનાર અતિથિઓ તથા સાધુસંતોનું પ્રેમભાવપૂર્વક સન્માન પણ થાય છે. દરરોજ અહીં હજારોની સંખ્યામાં વિવિધ સંપ્રદાયોના લોકો દર્શનાર્થે આવે છે. ત્યાં આવીને દર્શન કરી ચાલ્યા જતા નથી, ભોજન પણ લે છે અને પ્રસન્નતા અનુભવે છે.
વીરપુરમાં યાત્રિકો માટે ઊતરવાની તથા જમવાની ઘણી જ સારી સગવડ છે. અહીં શ્રી જલારામ અતિથિગૃહ બાંધવામાં આવેલું છે, તેમાં લગભગ 700 જેટલા યાત્રિકો રહી શકે છે. આ અતિથિગૃહમાં માત્ર પ્રતીકરૂપ સામાન્ય શુલ્ક જ લેવાય છે. યાત્રિકોની જાણકારી માટે જલારામબાપાના જીવનકાર્યનો ખ્યાલ આવે તે હેતુને લક્ષમાં રાખીને તે અંગેનું એક પ્રદર્શન પણ ગોઠવાયેલું છે.
વીરપુર હવે ‘બાપાના ગામ’ તરીકે પણ ઓળખાય છે. ગામમાં મુખ્ય ધાર્મિક સ્થળ જલારામબાપાનો આશ્રમ છે. ત્યાં આખો દિવસ સદાવ્રત ચાલુ રહે છે. આ સ્થાનક જલારામ મંદિર નામથી જાણીતું બનેલું છે. જલારામ અતિથિગૃહ નજીક ગાયત્રીમંદિર પણ છે. અહીંના રાજ્ય પરિવહન બસમથકથી થોડેક દૂર ખોડિયાર માતાનું સુંદર પ્રાચીન મંદિર આવેલું છે. આ ઉપરાંત જ્યાં બાપાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા (23-2-1881, મહા વદ દશમ, સંવત 1937). ત્યાં તેમનું સમાધિસ્થળ તૈયાર કરાયેલું છે.
વીરપુર ગામમાં શિક્ષણની સુવિધા પણ છે, તેમાં વીરબાઈમા બાલમંદિર, વીરબાઈમા કન્યાશાળા, માતુશ્રી મોંઘીબા કન્યાશાળા અને પ્રાથમિક શાળા, શ્રી જલારામ બૉઇઝ હાઈસ્કૂલ અને શ્રી જલારામ લાઇબ્રેરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સામૂહિક આરોગ્યકેન્દ્ર સ્થાપીને તેનો વહીવટ સરકારને સોંપવામાં આવેલો છે.
શ્રી જલારામબાપાની જગાની બાજુમાં ઐતિહાસિક મહત્વ ધરાવતી પ્રાચીન વાવ જોવા મળે છે. લોકોક્તિ મુજબ, મહારાણી મીનળદેવી પ્રસવકાળ વીતી ગયો હોવા છતાં વેદનાથી પીડાતાં હતાં, બાળકનો જન્મ થતો ન હતો. વીરપુરના તત્કાલીન મહાન તપસ્વીએ પોતાના તપોબળ અને સિદ્ધિથી મહારાણીને પ્રસૂતિકષ્ટમાંથી મુક્ત કરેલાં. આ ઘટનાસંદર્ભે મહારાણી મીનળદેવીએ આ વાવ બંધાવી આપેલી, તે આજે મીનળવાવ તરીકે જાણીતી છે. એ વાવમાં કુલ 42 પગથિયાં છે તથા 4 મંડપ-દરવાજાઓ ઉપર ઉત્કૃષ્ટ પ્રકારનું શિલ્પકામ જોવા મળે છે.
વીરપુરમાં આવનાર યાત્રિકોને વીરપુરની યાત્રા-પ્રવાસનની જરૂરી માહિતી મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર તરફથી અહીં પ્રદર્શન સહિતનું એક સ્થાનિક માહિતીકેન્દ્ર ખોલવામાં આવેલું છે. તેમાં ગુજરાતનો ઇતિહાસ, જોવાલાયક પ્રવાસ-સ્થળો, ધાર્મિક સ્થળો વગેરેની માહિતી ઉપલબ્ધ થાય છે. તે સાથે અહીંના લોકજીવનની ઝાંખી કરાવતું કાયમી પ્રદર્શન પણ છે. વળી અહીં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગેની ફિલ્મો પણ અવારનવાર બતાવવામાં આવે છે.
આમ એક વખતનું નાનકડું વીરપુર ગામ તીર્થધામ-યાત્રાધામ-ભક્તિધામ તેમજ પ્રવાસધામ બની રહેલું છે. હાલમાં આ મંદિર-સદાવ્રત-અતિથિગૃહનો વહીવટ શ્રી રઘુવીરબાપાને હસ્તક ચાલે છે. તેઓ જલારામબાપાના વંશના અંદાજે આઠમા વારસ ગણાય છે.
ગિરીશભાઈ પંડ્યા