વીમો : એક બાજુના પક્ષકારને જોખમમાંથી નુકસાન થાય તો તે પૈસાથી ભરપાઈ કરી આપવા માટે અગાઉથી અવેજમાં પ્રીમિયમનો સ્વીકાર કરીને અન્ય બાજુના પક્ષકારે આપેલી લેખિત ખાતરી. ઉત્ક્રાંતિકાળથી માણસજાત લડાઈ, રોગચાળો, આગ, પૂર, વાવાઝોડું અને ધરતીકંપથી જાન અને માલ અંગે અસુરક્ષા અનુભવે છે. તેની સામે રક્ષણકવચ તરીકે વીમાવ્યવસાયની શરૂઆત થઈ. ઈસુના 2000 વર્ષ પૂર્વેના રાજવી હમ્મુરાબીના લખાણમાં વીમાનો ઉલ્લેખ છે. પ્રાચીન રોમન કાળમાં નાગરિકો એક ક્લબ બનાવીને તેના સભ્યના મરણસમયે અંતિમ વિધિનો ખર્ચ તથા મૃત્યુ પામનારના આશ્રિતને થોડી રકમ આપતા. ચૌદમી શતાબ્દીમાં દરિયાઈ વીમાની શરૂઆત થઈ. સત્તરમી અને અઢારમી શતાબ્દીમાં અનુક્રમે એડમંડ હેલી અને જૉસેફ ડોડસને સરેરાશ જીવાદોરી, ઉંમર અને પ્રીમિયમને સાંકળતાં કોષ્ટકો તૈયાર કર્યાં. 1835માં ન્યૂયૉર્કમાં આગ ફાટી, ત્યારપછી આઘાત અને નુકસાન સામે રક્ષણકવચ આપતા વીમાની શરૂઆત થઈ.
વીમો એ કોઈ રોકાણ નથી કે જેમાં માણસ પોતાની મૂડી નફા સાથે પાછી મેળવવાની અપેક્ષા રાખી શકે અને તે જુગાર પણ નથી. અર્થાત્, અન્ય શબ્દોમાં, વીમાવ્યવસ્થા એટલે પ્રીમિયમ ભરીને જિંદગી અને મિલકતના નુકસાનની અન્ય પ્રીમિયમ ભરનારાઓ સાથે વહેંચણી કરવી. આમ વીમો જોખમથી પેદા થતા નુકસાનનું વળતર આપે છે, પરંતુ જોખમ ઓછું કરતો નથી, તેથી આગનો વીમો લેતી કંપની અગ્નિશામક વ્યવસ્થા ઊભી કરતી નથી અને જિંદગીનો વીમો લેતી કંપની દવાખાનાં ચલાવતી નથી.
વીમાના બે પ્રકાર છે : જીવનવીમો અને સામાન્ય વીમો. વ્યક્તિનું અકાળ મૃત્યુ અથવા તેની ચોક્કસ ઉંમરપ્રાપ્તિ એ બંને શક્યતાઓમાંથી ગમે તે એક નિશ્ચિત છે, તેવી જિંદગીના વીમાને નિશ્ચિતતા(assurance)નો કરાર કહેવાય છે. આ કરાર વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં તેના આશ્રિતોને અથવા વીમાની પાકતી મુદતે વ્યક્તિ હયાત હોય તો તેને વીમો ઉતારનાર અગાઉથી થયેલી સમજૂતી પ્રમાણે નાણાકીય સહાય ચૂકવે છે. તેથી જીવનવીમો એક પ્રકારનું પ્રોવિડન્ટ ફંડ ગણાય. સામાન્ય વીમામાં આગ, દરિયાઈ, હવાઈ, અકસ્માત, ચોરી, સ્વાસ્થ્ય-રક્ષણ એમ અનેક પ્રકારના વીમા છે. સમાજ અને અર્થકારણની સંકુલતા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ સામાન્ય વીમાના અનેક પ્રકાર ઉમેરાતા જાય છે. બૅન્કમાંની થાપણોના વીમાથી માંડીને નર્તકીના પગના વીમા સુધીના પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે. જીવનવીમા અને સામાન્ય વીમાના પ્રત્યેક પ્રકાર હેઠળના કરારોની શરતો મૂળભૂત રીતે વિભિન્ન હોય છે, તેથી આ કરાર લેખિત સ્વરૂપે કરવામાં આવે છે અને તે પૉલિસી તરીકે ઓળખાય છે. વીમો ઉતારનારની વળતર ચૂકવવા માટેની ક્ષમતા અને વિશ્વસનીયતા વીમાનો વ્યવસાય ટકાવી રાખવા માટે અનિવાર્ય છે, તેથી વીમાવ્યવસાય ઉપર સરકારે ચાંપતી નજર રાખવી પડે છે અને વારંવાર દરમિયાનગીરી કરવી પડે છે.
ભારતમાં સૌથી પ્રથમ વાર 1870માં બૉમ્બે મ્યૂચ્યુઅલ એસ્યૉરન્સ સોસાયટીએ વીમા વ્યવસાય શરૂ કર્યો હતો. 1956 સુધીમાં દેશમાં 154 ભારતીય અને 16 વિદેશી વીમાકંપનીઓ હતી. તેમના કાર્યમાં અનિયમિતતા જોવામાં આવતાં ભારત સરકારે તેમનું રાષ્ટ્રીયકરણ કરીને લાઇફ ઇન્સ્યુરન્સ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા (એલ. આઇ. સી.) અને જનરલ ઇન્સ્યુરન્સ કંપનીઓની સ્થાપના કરી. વર્ષોવર્ષના વિકાસ પછી એલ. આઇ. સી. 1,20,000નો સ્ટાફ; 6,00,000થી વધારે એજન્ટો; 2,000થી વધુ શાખાઓ અને રૂ. 60,000 કરોડની આવક ધરાવે છે. સરકારની અંકુશમુક્તિની નવી નીતિ અનુસાર વીમાવ્યવસાય વિદેશી કંપનીઓ અને ભારતના ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વિદેશી કંપનીઓમાં જીવનવીમાક્ષેત્રે એલાયન્સ, પ્રૂડેન્શિયલ, સનલાઇફ વગેરે અને સામાન્ય વીમાક્ષેત્રે રૉયલ, લૉમ્બાર્ડ વગેરેએ પ્રવેશ કર્યો છે. ભારતીય કંપનીઓમાં બજાજ, તાતા, બિરલા, કોટક મહીન્દ્ર, એચ. ડી. એફ. સી. અને આઇ. સી. આઇ. સી. આઇ.એ એક અથવા બીજા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. ભારતની વસ્તી એક અબજથી પણ વધારે હોવાથી વીમાક્ષેત્રની વૃદ્ધિ માટે ઘણી તકો રહેલી છે અને એક અંદાજ અનુસાર ભારતમાં વીમા-ઉદ્યોગ દર વર્ષે 20 %ના દરે વૃદ્ધિ પામે છે.
અશ્વિની કાપડિયા