વિહાર (સ્થાપત્ય) : બૌદ્ધ સાધુઓને રહેવાનું સ્થાન. ચૈત્યગૃહની પાસે બૌદ્ધ સાધુઓને રહેવા માટે વિહાર, મઠ કે સંઘારામની યોજના કરવામાં આવતી. મોટાભાગના બૌદ્ધ વિહારો પર્વતમાંથી કંડારીને બનાવેલા છે.

નાલંદાનો વિહાર નં. 8 : તલદર્શન : 1. ચૈત્ય, 2. મોરી, 3. સ્તંભાવલિ, 4. ચૉક, 5. કૂવો, 6. વરંડો, 7. પૃષ્ઠમંડપ, 8. મુખમંડપ, 9. ઓરડી
અર્થાત્ તે શૈલોત્કીર્ણ (rock-cut) છે. ઈ. પૂ. 3જીથી 2જી સદી દરમિયાન પર્વતમાંથી કંડારીને વિહાર બનાવવાની પ્રથા શરૂ થઈ. આ પૂર્વેના વિહારો લાકડામાંથી બનાવવામાં આવતા હશે. વિહારમાં મધ્યમાં ચોક રાખવામાં આવતો. ચોકની આસપાસ ભિક્ષુઓને રહેવા

બેડસાના વિહારની ઓરડી : તલદર્શન અને પાર્શ્ર્વદર્શન
માટેની ઓરડીઓ રચવામાં આવતી. આ ઓરડીઓ નાના કદની રાખવામાં આવતી. એમાં એક બાજુએ પથ્થરમાંથી કોરેલો ઊંચો ઓટલો રાખવામાં આવતો જેનો ઉપયોગ બેસવા અને સૂવા માટે કરવામાં આવતો. મોટી ઓરડીઓમાં આવા બે કે ત્રણ ઓટલા રાખવામાં આવતા અને તેમાં બેથી ત્રણ સાધુઓ રહેતા. વિહારના

અજંટાની ગુફા નં. 12, 11 અને 3 : ઊર્ધ્વદર્શન
પ્રવેશ ખુલ્લો અને વિશાળ રાખવામાં આવતો જેથી ઓરડીઓ સુધી હવા-પ્રકાશ પહોંચી શકતા. શૈલાત્મક વિહારોમાં ખુલ્લા ચોકને બદલે એક મોટો ખંડ રાખવામાં આવતો. શરૂઆતમાં આ ખંડ સ્તંભરહિત કરવામાં આવતો. એ પછી ધીમે ધીમે એનું કદ વધતાં તેમાં વચ્ચે વચ્ચે સ્તંભો ઊભા કરવાની પ્રથા શરૂ થઈ. સમય જતાં પાછળની બાજુએ વચ્ચેની ઓરડીને ચૈત્યગૃહમાં ફેરવવામાં આવી. કેટલાક મોટા વિહારો એકથી બે મજલાના છે. ચણતરી (structural) વિહારોમાં પણ આ જ પ્રકારની યોજના હોય છે. પરંતુ આ પ્રકારના વિહારોમાં ચોકવાળો ભાગ ઉપરથી ખુલ્લો હોવાથી વિહારમાં પૂરતા પ્રમાણમાં હવા-ઉજાસ હોય છે. મોટા વિહારોમાં ભોજનશાળા, ઉપાસથ ખંડ (ઉપાસના માટેનો ખંડ), મહાનસ (રસોડું), કોઠાર, સ્નાનાગાર, પાણીનાં ટાંકાં વગેરેની સગવડ કરવામાં આવતી. ભાજા, બેડસા, કાર્લા, અજંટા, કોંડાને, પિત્તલખોરા, નાસિક, જુન્નર, કણ્હેરી, ઇલોરા, તક્ષશિલા, નાગાર્જુનકોંડા, ગુંટુપલ્લી, સંકરમ, સારનાથ, કુશીનગર, શ્રાવસ્તી, નાલંદા, સાંચી, બાઘ, ઔરંગાબાદ, કોલવી, રત્નગિરિ, પહાડપુર, મૈનામની, વિક્રમશીલા, સીરપુર વગેરે સ્થળોએ વિહારો આવેલા છે. ઇલોરામાં ગુફા નં. 11નો વિહાર અને ગુફા નં. 12નો વિહાર ત્રણ મજલા ધરાવે છે. અજંટાની ગુફા નં. 9, 10, 19 અને 26 સિવાયની ગુફાઓ વિહારના સ્વરૂપની છે. આમાં ગુફા નં. 16 અને 17ના વિહાર શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાની દૃષ્ટિએ નોંધપાત્ર છે. ગુજરાતમાં ઈંટવા, તળાજા, સાણા, દેવની મોરી, જૂનાગઢમાં ઉપરકોટની ગુફાઓ, બાવા પ્યારાની ગુફાઓ વગેરે સ્થળે વિહારો આવેલા છે.
થૉમસ પરમાર