વિસ્થાપન (replacement)
February, 2005
વિસ્થાપન (replacement) : ભૂસ્તરશાસ્ત્ર અનુસાર કોઈ પ્રક્રિયામાં એક ઘટકની ક્રમશ: બીજા ઘટકમાં ફેરવાતી જવાની ઘટના. નીચેનાં ઉદાહરણો આ શબ્દના જુદા જુદા અર્થમાં થતા ઉપયોગને સ્પષ્ટ કરે છે :
1. અણુ ગોઠવણીમાં એક આયન બીજા આયનથી વિસ્થાપિત થાય. દા.ત., સિલિકેટ રચનાઓમાં Al”’નો આયન Si””ના આયનને વિસ્થાપિત કરી શકે.
2. એક સ્ફટિક બીજા સ્ફટિકથી વિસ્થાપિત થાય જે ક્રિયા પરરૂપ સ્ફટિકોમાં જોવા મળે છે; દા.ત., ફ્લોરાઇટના સ્ફટિક પર ક્વાર્ટ્ઝનું આવરણ ચડે, તેથી ક્વાર્ટ્ઝ ફ્લોરાઇટનાં ફલકોનું (ક્યૂબિક) સ્વરૂપ બતાવે.
3. જીવાવશેષોના દેહમાળખાનું દ્રવ્ય અન્ય કોઈ ખનિજદ્રવ્યથી વિસ્થાપિત થાય. વનસ્પતિનાં થડ કે ડાળીઓનાં માળખાં સિલિકા કે ચૂનેદાર લોહયુક્ત દ્રવ્યથી વિસ્થાપિત થાય; પણ રચના, આકાર, કદ વગેરે જેમનાં તેમ જળવાઈ રહે.
4. ખડકદળનું અંશત: કે પૂર્ણ વિસ્થાપન થાય. દા.ત., ચૂનાખડકનું ચર્ટમાં રૂપાંતર થાય.
5. ઉષ્ણજળજન્ય વિસ્થાપન : આ એક અગત્યની પ્રક્રિયા છે, જેમાં મોટેભાગે ચૂનાખડકો(કે બીજા સમકક્ષ)નું સલ્ફાઇડ (કે ક્યારેક અન્ય) ખનિજોથી વિસ્થાપન થતું હોય છે. તાપમાન અને દ્રાવણની રાસાયણિક ક્રિયાશીલતા પર વિસ્થાપનનો આધાર રહેતો હોય છે. આકૃતિમાં સ્તરભાગો અંશત: વિસ્થાપિત થયેલા, મૂળ રેખીય સ્થિતિમાં જળવાયેલા જોવા મળે છે. ઉદેપુર નજીક આવેલી ઝાવરની સીસાજસત સલ્ફાઇડની ખાણોમાં પૂર્વ અસ્તિત્વ ધરાવતો ડોલોમાઇટ ચૂનાખડક સીસાજસતનાં સલ્ફાઇડથી વિસ્થાપિત થયેલો છે, આ મૂળભૂત પ્રાદેશિક ખડકનાં નાનાં મોટાં ગચ્ચાં સલ્ફાઇડ ખનિજો સાથે જોવા મળે છે.
6. શિરાઓ અને ડાઇકનાં અંતર્ભેદનો પ્રાદેશિક ખડકોને વિસ્થાપિત કરે. અંતર્ભેદન થતી વખતે પ્રાદેશિક ખડક ભળતો જાય, આત્મસાત્ થતો જાય, ક્યારેક ઝેનોલિથ-આગંતુક ખડક-સ્વરૂપે રહી પણ જાય.
વિસ્થાપન : કોરો ભાગ અધ્યારોપિત ચાલ્કોસાઇટથી અને કાળા ભાગો સ્ફૅલેરાઇટથી દર્શાવેલા છે. ટપકાંવાળા ભાગો અપૂર્ણ વિસ્થાપિત સ્ફૅલેરાઇટ દર્શાવે છે.
7. જૂની વિકૃતિની ઘટના વખતે થયેલાં સંરચનાત્મક કે કણરચનાત્મક લક્ષણો નવી વિકૃતિ જો ત્યાં સ્થાપિત થાય તો અધ્યારોપિત બની રહે. જૂનાં લક્ષણો જળવાઈ રહે કે અંશત: બદલાય.
8. કેટલાક નિષ્ણાતોના મત મુજબ બેથોલિથ જેવાં વિશાળ અંતર્ભેદનો ત્યાંના પ્રાદેશિક ખડકોને વિસ્થાપિત કરીને સ્થાનીકરણ પામે છે. ગ્રેનાઇટીકરણ(granitisation)ને તેના ઉદાહરણ તરીકે લઈ શકાય.
9. જીવાવશેષશાસ્ત્રના સંદર્ભમાં જોતાં કોઈ એક પ્રાણીઅવશેષ અન્ય કોઈ પ્રાણીઅવશેષથી ક્ષૈતિજ સ્થિતિમાં કે કાલાનુસારી ઊર્ધ્વ સ્થિતિમાં વિસ્થાપિત કરી શકે છે.
ગિરીશભાઈ પંડ્યા