વિસ્તુલા નદી : પૂર્વ-મધ્ય યુરોપનો મહત્વનો જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : 54° 22´ ઉ. અ. અને 18° 55´ પૂ. રે.. પોલૅન્ડનો જળવ્યવહાર આ નદીના જળમાર્ગથી થાય છે. આ નદી દક્ષિણ પોલૅન્ડમાં કાર્પેથિયન પર્વતોમાંથી નીકળે છે, ત્યાંથી તે ઉત્તર તરફ વર્તુળાકાર માર્ગ ગ્રહણ કરે છે, અને વૉર્સો શહેરને વીંધીને પસાર થાય છે. બાલ્ટિક સમુદ્રને મળતાં પહેલાં તે ઘણા ફાંટાઓમાં વહેંચાઈ જાય છે. તેની લંબાઈ 1,091 કિમી. જેટલી તથા સ્રાવવિસ્તાર 1,92,000 ચોકિમી. જેટલો છે. તેના છેક પશ્ચિમ તરફના એક ફાંટા નોગાટના મુખ ખાતે ડેનઝિગ (ગ્ડૅન્સ્ક) આવેલું છે. નાની નૌકાઓ છેક ક્રાકોવ સુધી જઈ શકે છે. આ નદી વર્ષમાં બેથી ત્રણ માસ માટે ઠરી જાય છે. વિસ્તુલા નદી ઑડર, નીપર અને નેમાન જેવી વહાણવટા યોગ્ય નદીઓ સાથે નહેરો મારફતે સંકળાયેલી છે.
ગિરીશભાઈ પંડ્યા