વિસ્કૉન્સિન : યુ.એસ.ના મધ્ય-ઉત્તર ભાગમાં સરોવરપ્રદેશથી પશ્ચિમમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 42° 30´થી 47° 00´ ઉ. અ. અને 86° 30´થી 93° 00´ પ. રે. વચ્ચેનો 1,45,436 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સુપીરિયર સરોવર અને મિનેસોટા રાજ્ય, ઈશાનમાં મિશિગન રાજ્ય, પૂર્વમાં મિશિગન સરોવર, દક્ષિણમાં ઇલિનૉય રાજ્ય તથા પશ્ચિમમાં આયોવા અને મિનેસોટા રાજ્યો આવેલાં છે. મેડિસોન તેનું પાટનગર છે. તે લાંબા વખતથી યુ.એસ.નું પ્રમુખ દૂધ-ઉત્પાદક રાજ્ય રહ્યું હોવાથી તેને ‘ડેરીલૅન્ડ’ ઉપનામ અપાયેલું છે. આ ઉપરાંત તે બડગર (Badger) રાજ્યના નામથી પણ જાણીતું છે. (બડગર એટલે દરમાં રહેતું ઓટર વર્ગનું પ્રાણી).

વિસ્કૉન્સિન

ભૂપૃષ્ઠ-આબોહવા : આજે જ્યાં વિસ્કૉન્સિન રાજ્ય આવેલું છે ત્યાં આશરે દસ લાખ વર્ષ અગાઉ, તેના નૈર્ઋત્યના થોડાક ભાગને બાદ કરતાં બાકીના બધા પ્રદેશ પર હિમનદીઓ પથરાયેલી હતી. હિમનદીઓને કારણે ટેકરીઓનાં મથાળાં ઘસારો પામી ગયેલાં અને તેમનો ઘસારાજન્ય દ્રવ્યજથ્થો ખીણોમાં ભરાયેલો. આ રીતે અહીંનાં ભૂપૃષ્ઠ લક્ષણો ફેરવાતાં ગયેલાં. રાજ્યના નૈર્ઋત્ય ભાગ સુધી હિમનદીઓ વિસ્તરેલી ન હોવાથી ત્યાંની ભૂમિ અસમતળ, ઉગ્ર ઢોળાવો સહિતની ટેકરીઓવાળી તેમજ ઊંડી ખીણોવાળી રહી છે. 595 મીટરની ઊંચાઈ ધરાવતી ટિમ્સ ટેકરી રાજ્યનું ઊંચામાં ઊંચું સ્થળ છે, જ્યારે નીચામાં નીચું સ્થળ મિશિગન સરોવરકાંઠે 177 મીટરની ઊંચાઈ ધરાવે છે. ઈશાનમાં ચેરીનાં વૃક્ષો સહિતનો ડૂરનો દ્વીપકલ્પ અને તેની પશ્ચિમે ગ્રીન-બે શહેર તરફ સરોવરફાંટો પ્રવેશેલો છે. ઉત્તર અને પૂર્વ તરફ સુપીરિયર અને મિશિગન સરોવરો આવેલાં છે. રાજ્યમાં આશરે 15,000 જેટલાં અન્ય સરોવરો પણ છે. મિસિસિપી અને વિસ્કૉન્સિન અહીંની મહત્વની નદીઓ છે. ઉત્તર તરફથી આવતી અન્ય નદીઓ મિસિસિપીને મળે છે. રાજ્યમાં અસંખ્ય જળધોધ પણ છે.

ઉત્તર વિસ્કૉન્સિનનો ઘણોખરો ભાગ ગીચ જંગલોથી છવાયેલો છે. રાજ્યના મધ્ય ભાગમાં ચાપ આકારનો મેદાની પ્રદેશ છે; પૂર્વભાગમાં ઓછું ઊંચાણ-નીચાણ ધરાવતાં મેદાનો છે, જે રાજ્યને ખેતીની સમૃદ્ધ જમીનો પૂરી પાડે છે. દક્ષિણમાં વિસ્કૉન્સિન ડેલ્સ નામનું રમણીય કોતર આવેલું છે.

રાજ્યની આબોહવા શિયાળામાં ઠંડી અને ઉનાળામાં સમધાત રહે છે. જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 7.2°થી 10° સે. અને 21° સે. જેટલાં રહે છે. અહીંનો સરેરાશ વાર્ષિક વરસાદ 727 મિમી. જેટલો રહે છે. અહીંની આબોહવાને સરોવર પ્રદેશની આબોહવા તરીકે ઘટાવાય છે.

અર્થતંત્ર : વિસ્કૉન્સિનની મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ ઉત્પાદનલક્ષી છે. મિલવૌકી તેમજ અગ્નિભાગમાં આવેલાં શહેરો વિશાળ જથ્થામાં યંત્રસામગ્રી બનાવતાં મથકો બની રહેલાં છે. કારખાનાંઓમાં બાંધકામ-નિર્માણ-સામગ્રી, એંજિનો, ટર્બાઇનો, મોટરગાડીઓ, ટ્રકો, ગરમી ઉત્પન્ન કરવા માટેનાં સાધનો, કાગળ અને કાગળની પેદાશો, વીજસાધનો અને ધાતુમાળખાં તૈયાર કરવામાં આવે છે. ઘણા ભાગોમાં ખાદ્યપ્રક્રમણ, ડેરીની પેદાશો અને માંસપેદાશોના એકમો આવેલા છે. આખાય યુ.એસ.માં દૂધ અને સંકલિત પેદાશોમાં આ રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યના દક્ષિણ ભાગની 2/3 ભૂમિમાં દેશનાં સારામાં સારાં ગોચરો આવેલાં છે. ખાણક્ષેત્રે કચરાયેલા પાષાણ-ટુકડા, રેતી અને કંકર-મરડિયા પણ મળે છે.

મિલવૌકી શહેર વિસ્કૉન્સિન રાજ્યનું મુખ્ય નાણાકીય મથક તેમજ વેપારી કેન્દ્ર બની રહેલું છે. તે ઉપરાંત આ શહેર બૅંકો અને વીમાકંપનીઓ પણ ધરાવે છે. પાટનગર મેડિસોનમાં આવેલી રાજ્ય-સરકારની કચેરીઓ, વેપારધંધા, ઉદ્યોગો, કારખાનાંઓ અને જુદા જુદા એકમોમાં લોકો રોકાયેલા છે. રાજ્યના લગભગ બધા જ ભાગોમાં વેપારધંધાની પ્રવૃત્તિ ચાલે છે. મેદાની પ્રદેશમાં કૃષિપ્રવૃત્તિ અને ઢોરઉછેર થાય છે.

વિસ્કૉન્સિન રાજ્યમાં વહેતી મિસિસિપી સરિતાનો અફાટ જળરાશિ

વસ્તીલોકો : 2000 મુજબ વિસ્કૉન્સિન રાજ્યની વસ્તી 53,63,675 જેટલી છે. પાટનગર મેડિસોન ઉપરાંત, મિલવૌકી, ગ્રીન-બે, રેસિન, અને કિનીશા – આ રાજ્યનાં મુખ્ય શહેરો છે. વિસ્કૉન્સિન એ દેશનું વિકાસશીલ રાજ્ય બની રહ્યું છે. વીસમી સદીના પ્રારંભિક ગાળામાં વિકાસલક્ષી કાર્યો અને સુધારાવાદી પ્રવૃત્તિઓ શરૂ થયેલી. શૈક્ષણિક, સામાજિક, રાજકીય અને આર્થિક સુધારાઓ શરૂ થયેલા. આ રાજ્યને પગલે પગલે યુ.એસ. સરકારે તેમજ અન્ય રાજ્યોએ પણ સુધારાવાદી ફેરફારોને અમલમાં મૂકેલા.

જોવાલાયક સ્થળો : વિસ્કૉન્સિનમાં નૈસર્ગિક રમણીય દૃશ્યો વધુ પ્રમાણમાં હોવાથી તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલું છે. રાજ્યનાં જોવાલાયક સ્થળોમાં ચેરીનાં વૃક્ષોથી શોભતો દ્વીપકલ્પ, સરોવરોનો કંઠારપ્રદેશ, મિલવૌકી શહેર, મિલવૌકી આર્ટ મ્યુઝિયમ, વિસ્કૉન્સિન ડેલ્સ, કિલબૉર્ન ટાઉનહાઉસ (1844), દુનિયાભરમાં મોટું ગણાતું ચાર બાજુવાળું ઘડિયાળ – ‘ઍલન બ્રેડલી કંપની ક્લૉક’, સર્કલ વર્લ્ડ મ્યુઝિયમ, અમેરિકન જ્યૉગ્રાફિકલ સોસાયટીના નકશાસંગ્રહ સહિતનું ગોલ્ડા માયર પુસ્તકાલય, વિસ્કૉન્સિન યુનિવર્સિટી (1849), ફ્રેન્ક લૉઇડ રાઇટનું મકાન તથા તેણે શરૂ કરેલી સ્થાપત્યની સ્કૂલ વગેરેનો સમાવેશ થાય છે.

અહીંની ખ્યાતનામ વ્યક્તિઓમાં એડના ફર્બર, હૅરી હુડિની, જૉસેફ મૅક્કાર્થી, સ્પેન્સર ટ્રેસી, ઑર્સન વેલેસ, થૉર્નટન વિલ્ડર અને ફ્રૅન્ક લૉઇડ રાઇટ જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે.

ઇતિહાસ : સત્તરમી સદીની શરૂઆતમાં ફ્રેન્ચ અભિયંતા જીન નિકોલેટ (1634) જ્યારે પહેલવહેલો આવેલો ત્યારે આ પ્રદેશમાં વિનેબાગો, ડાકોટા અને મેનોમિની જાતિના ઇન્ડિયનો વસતા હતા. 1634થી આ પ્રદેશ ફ્રાન્સના કબજામાં ગયેલો. અહીંના ઍશલૅન્ડ નજીક ફ્રેન્ચ લોકો આવીને વસ્યા. 1756-1763ના ગાળા દરમિયાન થયેલી સાત વર્ષીય લડાઈમાં આ પ્રદેશ બ્રિટનને હસ્તક ગયો. 1783માં અમેરિકી ક્રાંતિ પૂરી થતાં આ પ્રદેશ યુ.એસ.માં ભળ્યો. 1836માં તે ટેરિટરી બન્યો. 1848ના મેની 29મી તારીખે વિસ્કૉન્સિન યુ.એસ.નું 30મું રાજ્ય બન્યું.

1900માં રૉબર્ટ એમ લા ફોલેટ (સિનિયર) આ રાજ્યના પ્રથમ ગવર્નર બન્યા. તેમની પ્રગતિવાદી દોરવણી હેઠળ ઘણા સુધારા થયા અને રાજ્યે ઘણો વિકાસ સાધ્યો. રાજકીય પક્ષ મતથી ચૂંટાઈ આવે એવું ઠરાવ્યું. 1939-1945ના બીજા વિશ્વયુદ્ધ પછી કૃષિ-ઉત્પાદનનું સ્થાન ઔદ્યોગિક ઉત્પાદન-એકમોએ લીધું. તેનાથી ઔદ્યોગિક વિકાસ થયો. 1950ના પ્રારંભમાં વિસ્કૉન્સિનના યુ.એસ. સેનેટર જૉસેફ મૅક્કાર્થીએ (1908-1957) અમેરિકી સરકારમાં સામ્યવાદીઓ ફેલાઈ ગયા હોવાનો આક્ષેપ મૂક્યો. આવા બિનપાયાદાર આક્ષેપ માટે સેનેટે તેમને ઠપકો આપ્યો ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિને મૅક્કાર્થીવાદ તરીકે ઓળખાવવામાં આવતી. 1987માં સરકારી આવક વધે તે માટે રાજ્ય સરકારે લૉટરીની પ્રથા શરૂ કરેલી.

ગિરીશભાઈ પંડ્યા