વિશ્વેશ્વરૈયા, મોક્ષગુંડમ્
February, 2005
વિશ્વેશ્વરૈયા, મોક્ષગુંડમ્ (જ. 15 સપ્ટેમ્બર 1861, મુદેનેહલાદી, જિ. કોલર, મૈસૂર; અ. 1962) : ભારતના મહાન સિવિલ ઇજનેર અને દ્રષ્ટા. અનેક ઇલકાબો અને માનાર્હ ઉપાધિઓથી સન્માનાયેલ આ ઇજનેરે 60 વર્ષથી પણ વધારે સમય ભારતમાં અનેક ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપ્યું છે. પ્રથમ વર્ગમાં પ્રથમ નંબર મેળવી તેમણે પુણેની એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ પૂરો કર્યો અને ત્યારબાદ મુંબઈમાં પી.ડબ્લ્યૂ.ડી.(સિવિલ ઇજનેરી ખાતા)માં નોકરી સ્વીકારી અને સુપરિન્ટેન્ડિન્ગ એન્જિનિયરની પદવી સુધી પહોંચી ત્યાંથી નિવૃત્ત થયા. એ દરમિયાન તેમણે સિંધના સક્કર બૅરેજ ઉપર તેમજ નાશિક, ધૂલિયા અને પુણે જિલ્લામાં કામ કર્યું. મુંબઈ પી.ડબ્લ્યૂ.ડી.ના કાર્ય દરમિયાન તેમણે સિંચાઈમાં જે બ્લૉક-પદ્ધતિ દાખલ કરી તે આજે પણ સમગ્ર પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં નમૂના તરીકે સ્વીકારાય છે. તેમની બ્લૉક-પદ્ધતિથી સિંચાઈમાં પાણીનો બગાડ થતો હતો તે સારા પ્રમાણમાં ઘટ્યો છે.
મુંબઈ પી.ડબ્લ્યૂ.ડી.માંથી નિવૃત્ત થયા બાદ મૈસૂર રાજ્યના મુખ્ય ઇજનેર તરીકે તેઓ જોડાયા અને પછી દીવાનની જગ્યા પર પસંદ થયા. મૈસૂર રાજ્યની સેવા દરમિયાન તેમણે કૃષ્ણરાજ સાગર ડૅમ તેમજ તેની પાસેનો વૃંદાવન ગાર્ડન (જે આજે પણ ખૂબ પ્રસિદ્ધ છે તે) સ્થાપ્યા. આ ઉપરાંત રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં તે વખતે મોટું પ્રદાન કહી શકાય તેવી મૈસૂર પેપર મિલ, સિમેંટ ફૅક્ટરી તેમજ આજે પણ જે જાણીતો છે તે ભદ્રાવતી સ્ટીલ પ્લાન્ટ સ્થાપ્યો.
હૈદરાબાદ રાજ્યને તેની પૂસી નદીમાં અવારનવાર આવતા પૂરથી ઘણું નુકસાન થતું હતું. વિશ્વેશ્વરૈયાએ પૂર-નિયમન માટે ડૅમ, ચેક-ડૅમો વગેરેની ડિઝાઇન કરી હૈદરાબાદને લાંબા ગાળાના ધોરણે પૂરના વિનાશમાંથી જે રીતે ઉગારી લીધું છે તે વિશ્વેશ્વરૈયાની અનેક સિદ્ધિઓમાંની એક મહત્વની સિદ્ધિ ગણાય છે.
પુણે શહેરને પાણી પૂરું પાડનાર ખડકવાસલા ડૅમની ક્ષમતા પુણેની જરૂરિયાતને પહોંચી વળતી ન હતી. આ પ્રશ્ર્નના નિરાકરણ માટે ડૅમની ઊંચાઈ વધાર્યા વગર (એટલે કે વિશેષ ખર્ચ કર્યા વગર) તેમણે ‘ઑટોમેટિક ગેટ’ની ડિઝાઇન કરી પ્રશ્ર્ન ઉકેલ્યો ડૅમની ક્ષમતા વધારી. સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં (વીસમી સદીના પૂર્વાર્ધમાં) આ બાબત તે વખતે મોટી સિદ્ધિ તરીકે ગણાઈ. આ પ્રકારના ગેટ ‘વિશ્વેશ્વરૈયા ગેટ’ તરીકે ઓળખાયા.
વિશ્વેશ્વરૈયાની એન્જિનિયરિંગ તજ્જ્ઞતાનો લાભ તે વખતનાં અનેક રાજ્યો તેમજ નાનાંમોટાં શહેરોને મળ્યો. તેમાં કરાંચી, મુંબઈ, મૈસૂર, હૈદરાબાદ, પુણે, નાગપુર, રાજકોટ, ભાવનગર વગેરેનો સમાવેશ થાય છે. તેમની વિશેષતા કે ખાસિયત માત્ર પ્લાનિંગ અને એન્જિનિયરિંગ ડિઝાઇનમાં નિપુણતા પૂરતી સીમિત ન રહેતાં પોતે જે પ્રૉજેક્ટ હાથ પર લીધો હોય તે ઓછા ખર્ચે, ચોકસાઈ સાથે નિશ્ચિત સમયમાં પૂરો થાય તેવા આયોજનમાંયે જોવા મળે છે. બહુ ઉપયોગી (multi purpose) હિરાકુડ ડૅમના પ્રૉજેક્ટમાં ઘણા ઇજનેરોએ વિશ્વેશ્વરૈયાના કાર્યમાંથી પ્રેરણા લીધી હતી.
ભારતદેશે પ્રગતિ કરવી હોય તો ઔદ્યોગિક ક્ષેત્રે પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે તેવી સ્પષ્ટ સમજણ તેમણે (વીસમી સદીના પૂર્વાર્ધમાં) વ્યક્ત કરી હતી. અખિલ ભારત ઉત્પાદક સંઘ(All India Manufacturer’s Organisation)ની તેમણે સ્થાપના કરી અને તેના તેઓ પ્રથમ પ્રમુખ બન્યા હતા. તે દરમિયાન તેમણે આપેલ સૂત્ર ‘ઔદ્યોગિકીકરણ કરો અથવા વિનાશ વહોરો’ – ‘Industrialize or Perish’ – આ વાત તેઓ કેવા યુગદ્રષ્ટા હતા તેની દ્યોતક છે.
1922ના સત્યાગ્રહ આંદોલન વખતની સર્વદલ પરિષદના પ્રમુખ તરીકે તેમણે રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ બોલાવવા પર ભાર મૂક્યો અને 1929માં દક્ષિણ ભારત જનપરિષદના સભાપતિ થયા.
1934માં તેમણે ઉચ્ચારેલ શબ્દો બહુ મહત્વના છે. તેમણે કહ્યું, ‘ભારતદેશ માટે જરૂરી છે કે તે લાંબા સમયથી રહેલી બેપરવાઈ, ઊણપો અને ખામીઓનો ત્યાગ કરી કાર્ય માટે નવી ભૂમિકા તૈયાર કરે, જેના વડે તેનું આગવું અસ્તિત્વ ટકાવી શકે અને આર્થિક મુક્તિ મેળવી શકે. વ્યક્તિગત લાભો અને વ્યક્તિગત નફાનું સ્થાન ત્યાગ, સેવા અને શ્રમ લે. આમ થાય તો આ શક્ય બને. આ શક્ય બને તેવી નૂતન ભારતની ઝંખના છે.’ વિશ્વેશ્વરૈયાની દૃઢ માન્યતા હતી કે આર્થિક મુક્તિ માટે ઔદ્યોગિકીકરણની જરૂર છે અને સારા આયોજન દ્વારા જ આ શક્ય બને.
વિશ્વશ્વરૈયા ઉચ્ચ કક્ષાના ઇજનેર અને આયોજક ઉપરાંત બહુવિધ પ્રતિભાવાન હતા. સિંચાઈ, પાણી-પુરવઠો, પાણી-વિતરણ, ઉદ્યોગો અને વિદ્યુત-ઉત્પાદન તેમજ સ્ત્રીકેળવણી, ગ્રામશિક્ષણ, વૈજ્ઞાનિક શોધખોળ, યુનિવર્સિટી-શિક્ષણ જેવાં અનેક ક્ષેત્રોમાં કામ કર્યું અને આ ક્ષેત્રોને લગતા વિષયોમાં ખૂબ ઉપયોગી થાય તેવાં પુસ્તકો પણ લખ્યાં.
તેમણે લખેલ અનેકવિધ વિષયો પરનાં પુસ્તકોની યાદી આ મુજબ છે : (1) પ્લાન્ડ ઇકૉનૉમી ફૉર ઇન્ડિયા, (2) રિકન્સ્ટ્રક્ટિંગ ઇન્ડિયા, (3) પ્રૉસ્પરિટી થ્રૂ ઇન્ડસ્ટ્રિઝ, (4) ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન ડ્રાઇવ, (5) વિલેજ ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન, (6) રિકન્સ્ટ્રક્શન ઇન પોસ્ટવૉર ઇન્ડિયા, (7) ડેવલપમેન્ટ ઑવ્ હેવી ઇન્ડસ્ટ્રિઝ ઇન ઇન્ડિયા, (8) વિલેજ ઇન્ડસ્ટ્રિઝ હૅન્ડબુક, (9) સેઇંગ વાઇઝ ઓર વીટી, (10) મેમરિઝ ઑવ્ માઇ વર્કિંગ લાઇફ.
અનેક યુનિવર્સિટીઓએ તેમને ‘ડૉક્ટરેટ’ની માનાર્હ પદવીથી નવાજ્યા અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિએ તેમને ‘ભારતરત્ન’નું સર્વોચ્ચ બિરુદ આપી સન્માન્યા.
બૅંગલોરમાં ઊજવાયેલી તેમની 100મી જન્મજયંતી વખતે તે વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમને જે શબ્દોથી નવાજ્યા તે ઉલ્લેખનીય છે : ‘આપણે ભારતીયો કમનસીબે, એ રીતે જાણીતા છીએ કે આપણે બોલીએ વધુ અને જે બોલીએ તે પ્રમાણે વર્તીએ ઓછું. તમે (વિશ્વેશ્વરૈયા) આ બાબતમાં નિયમમાં મોટો અપવાદ છો. તમે બોલ્યા ઓછું પરંતુ કામ મોટાં કર્યાં. અમે સહુ તમારી પાસેથી તે શીખીએ.’
જેમ નહેરુના જન્મદિવસ પર બાલ-દિન અને પૂર્વરાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક-દિન તરીકે ઊજવાય છે, તેમ ભારતના ઇજનેરોની સૌથી મોટી સંસ્થા ધી ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ એન્જિનિયર્સ (ઇન્ડિયા), ભારતરત્ન ડૉ. મોક્ષગુંડમ્ વિશ્વેશ્વરૈયાના જન્મદિન 15 સપ્ટેમ્બરને ઇજનેર-દિન તરીકે ઊજવે છે.
ગાયત્રીપ્રસાદ હિ. ભટ્ટ