વિશ્વનાથ, ગુંડપ્પા
February, 2005
વિશ્વનાથ, ગુંડપ્પા (જ. 12 ફેબ્રુઆરી 1949, ભદ્રાવતી, બૅંગાલુરુ) : ક્રિકેટ-જગતમાં ‘વિશી’ના હુલામણા નામે જાણીતા ક્રિકેટ-ખેલાડી. તેઓ 162.6 સેમી.(5 ફૂટ 4 ઇંચ)ની ઊંચાઈ ધરાવે છે. વિશ્વનાથ ગુંડપ્પા રંગનાથે કર્ણાટક અને દક્ષિણ ક્ષેત્ર દ્વારા પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 44 સદીઓ સાથે કુલ 17,970 રન નોંધાવ્યા હતા, 15 વિકેટો ઝડપી હતી અને 226 કૅચ કર્યા હતા.
1969-70માં ઘરઆંગણે ક્રિકેટમાં ઝમકદાર બૅટિંગના પ્રતાપે વિશ્વનાથે પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામે કાનપુર ખાતેની બીજી ટેસ્ટમાં 15મી નવેમ્બર 1969ના રોજ પ્રવેશ મેળવ્યો હતો.
જમોડી બૅટ્સમૅન અને પ્રસંગોપાત્ત લેગ બ્રેક બૉલિંગ કરતા વિશ્વનાથે ઑસ્ટ્રેલિયા સામેની એ બીજી ટેસ્ટમાં પ્રથમ દાવમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા બાદ બીજા દાવમાં કસાયેલાં કાંડાંનું કૌવત ઝળકાવતાં ટેસ્ટપ્રવેશે જ સદી (137) ફટકારવાની અનોખી સિદ્ધિ નોંધાવી હતી.
1970-71ના વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં વિશ્વનાથે શાનદાર બૅટિંગ-કૌવત દાખવીને 334 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ ભારતના માસ્ટર બૅટ્સમૅન સુનીલ ગાવસ્કરના ગાઢ પરિચયમાં આવતાં, વિશ્વનાથે સુનીલ ગાવસ્કરની નાની બહેન કવિતા સાથે પ્રેમલગ્ન કર્યાં.
ગાવસ્કર-વિશ્વનાથની સાળા-બનેવીની જોડી વર્ષો સુધી ભારતીય ટેસ્ટ-ક્રિકેટની અનિવાર્યતા બની ગઈ હતી.
1975-76માં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ દરમિયાન પૉર્ટ ઑવ્ સ્પેન ખાતે બીજી ટેસ્ટના ચોથા દાવમાં ભારતને વિજય માટે 403 રનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો હતો ત્યારે વિશ્વનાથે ભારતના 6 વિકેટે અકલ્પનીય જ્વલંત વિજયમાં શાનદાર સદી સાથે 112 રનનો અમૂલ્ય ફાળો આપ્યો હતો.
1979-80માં પ્રવાસી પાકિસ્તાન સામે કોલકાતા ખાતેની છઠ્ઠી-આખરી ટેસ્ટ અને ત્યારબાદ મુંબઈમાં 1980માં ઇંગ્લૅન્ડ સામેની ‘ગોલ્ડન જ્યુબિલી’ ટેસ્ટમાં વિશ્વનાથે ભારતનું નેતૃત્વ સંભાળ્યું હતું.
શાંત અને ધીર ગંભીર સ્વભાવના વિશ્વનાથે ઇંગ્લૅન્ડ સામેની એ ગોલ્ડન જ્યુબિલી ટેસ્ટમાં અદ્ભુત ખેલદિલીનું પ્રદર્શન કરતાં અમ્પાયરે આઉટ જાહેર કરેલા ઇંગ્લિશ વિકેટકીપર બૉબ ટેલરને પોતે સામે ચાલીને નૉટઆઉટ હોવાનું જણાવી દાવમાં પાછો બોલાવ્યો હતો અને ભારત એ ટેસ્ટ હાર્યું હતું; પરંતુ ‘વિશી’ની એ ખેલદિલી યાદગાર બની રહી હતી.
1981-82માં પ્રવાસી ઇંગ્લૅન્ડ સામે મદ્રાસ (ચેન્નઈ) ખાતે વિશ્વનાથે ઝમકદાર બૅટિંગ-કૌવત દાખવતાં શાનદાર બેવડી સદી ફટકારી કારકિર્દીનો 222 રનનો સર્વોચ્ચ વ્યક્તિગત જુમલો નોંધાવ્યો હતો.
વિશ્વનાથે, તેની 91 ટેસ્ટમૅચોની કારકિર્દી દરમિયાન, 1979-80માં પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામે દિલ્હી ખાતેની 4થી ટેસ્ટમૅચના બીજા દાવમાં બૉલિંગ કરીને જેમ્સ હિગ્સની એકમાત્ર વિકેટ ઝડપી હતી. થોડા સમય માટે વિકેટકીપિંગ સંભાળનારા દિલીપ વેંગસરકરે હિગ્સનો કૅચ ઝડપીને વિશ્વનાથને વિકેટ અપાવી હતી.
1970-71થી 1982-83 સુધીમાં વિશ્વનાથે લાગલગાટ 87 ટેસ્ટમૅચો રમવાની સિદ્ધિ મેળવી હતી.
91 ટેસ્ટમૅચોના 155 દાવમાં 10 વાર અણનમ રહી વિશ્વનાથે 14 સદી (સર્વોચ્ચ 222), 35 અર્ધસદી સાથે 41.93ની સરેરાશથી કુલ 6,080 રન નોંધાવ્યા હતા અને 63 કૅચ ઝડપ્યા હતા.
ભારત સરકારે ગુંડપ્પા વિશ્વનાથને 1971માં ‘પદ્મશ્રી’ અને 1977માં ‘અર્જુન’ ઍવૉર્ડથી નવાજ્યા હતા. વિશ્વનાથે રાષ્ટ્રીય પસંદગી સમિતિના સભ્ય તરીકે તથા ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલના માન્ય ‘મૅચ-રેફરી’ તરીકે પણ સેવાઓ આપી છે.
જગદીશ બિનીવાલે