વિશ્વનાથ, કે. (. 1930, વિજયવાડા, આંધ્રપ્રદેશ) : તેલુગુ અને હિંદી ચલચિત્રોના દિગ્દર્શક, પટકથાલેખક, અભિનેતા. મૂળ નામ : કાશિનાધુરી વિશ્વનાથ. સાંસ્કૃતિક મૂલ્યોનો મહિમા ગાતાં ઉત્તમ કોટિનાં પારિવારિક તેલુગુ અને હિંદી ચલચિત્રોનું સર્જન કરીને, ખાસ કરીને 1980ના દાયકામાં તેલુગુ ચિત્રઉદ્યોગ પર પ્રભાવ પાડનાર કે. વિશ્વનાથે કારકિર્દીનો પ્રારંભ ચેન્નાઈમાં એક સ્ટુડિયોમાં ટૅક્નિશિયન તરીકે કર્યો હતો. એ પછી દિગ્દર્શક અદુરી સુબ્બારાવના તેઓ સહાયક બન્યા અને પછી તક મળતાં ‘આત્મગૌરવમ્’ ચિત્રથી દિગ્દર્શનનો પ્રારંભ કર્યો. તેમાં એ. નાગેશ્વર રાવની મુખ્ય ભૂમિકા હતી. જોકે ચિત્રસર્જક તરીકે તેમની નોંધ ‘સિરિ સિરિ મુવ્વા’ ચિત્ર પછી લેવાની શરૂ થઈ.

કે. વિશ્વનાથ ‘પૂર્ણોદય મુવિઝ’ના નેજા હેઠળ બનાવેલાં તેમનાં ચિત્રોમાં બ્રાહ્મણ-પરંપરાનાં ઘસાતાં જતાં મૂલ્યો અને પરંપરાનો હંમેશાં પક્ષ લેતા રહ્યા છે. પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણને લઈને ભારતીય સંસ્કૃતિ સામે ઊભા થયેલા ખતરાને પણ તેમણે પોતાનાં ચિત્રોનો વિષય બનાવ્યો અને ‘શંકરાભરણમ્’ જેવું સુંદર ચિત્ર આપ્યું. આ ચિત્રમાં નૃત્ય શીખવતા એક ગુરુ અને ગણિકા બની ગયેલી તેમની શિષ્યા વચ્ચેના સંબંધનું તેમણે નિરૂપણ કર્યું હતું. આ ચિત્ર તેના સંગીત અને નૃત્યને લઈને દેશભરમાં સારો આવકાર પામ્યું હતું. ભારતીય કળા અને સંસ્કૃતિની મહત્તા દર્શાવતાં આવાં બીજાં ચિત્રો પણ તેમણે બનાવ્યાં; જેમાં ‘સાગરસંગમમ્’, ‘શ્રુતિલાયલુ’, ‘સ્વર્ણકમલમ્’ અને ‘સ્વાતિકિરણમ્’ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુંદર સામાજિક ચિત્રો પણ તેમણે બનાવ્યાં, જેમાં પારિવારિક મૂલ્યોની જાળવણી પર તેમણે ભાર મૂક્યો. તેમનાં આ ચિત્રોએ બાપુ, ડી. નારાયણ રાવ, શ્રીનિવાસ સંગીતમ્ જેવા સર્જકોને પણ પ્રભાવિત કર્યા હતા.

નોંધપાત્ર ચિત્રો : ‘આત્મગૌરવમ્’ (1965); ‘સુદિગુન્દાલુ’, ‘પ્રાઇવેટ માસ્ટર’ (1967); ‘નિંદુ હૃદયાલુ’ (1969); ‘કલામ મારિન્દી’ (1972); ‘નિરામુ શિક્ષા’ (1973); ‘ઓ સીતા કથા’ (1974); ‘જીવનજ્યોતિ’ (1975); ‘શંકરાભરણમ્’, ‘સરગમ’ (1979); ‘સુબોધયામ્’, ‘સપ્તપધિ’ (1980); ‘શુભલેખા’, ‘કામચોર’ (1982); ‘શુભકામના’, ‘સાગરસંગમમ્’ (1983); ‘જનની જન્મભૂમિ’, ‘જાગ ઉઠા ઇન્સાન’ (1984); ‘સ્વાતિ મુથ્યામ્’, ‘સૂરસંગમ’, ‘સંજોગ’ (1985); ‘સ્વયં કૃષિ’ (1987); ‘સ્વર્ણકરમાલ્મ’ (1988); ‘ઈશ્વર’ (1989); ‘સંગીત’ (1992); ‘ધનવાન’ (1993); ‘ઔરત ઔરત ઔરત’ (1996).

હરસુખ થાનકી