વિશ્વનાથ કાર્તિકેય ( જ. 2008 હૈદરાબાદ) : રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા.

ક્રિકેટ એ આપણા દેશમાં એક રમતમાત્ર નથી, પણ એક ધર્મ છે અને અહીં ક્રિકેટરની નાનીમોટી દરેક સિદ્ધિનાં ગુણગાન ગાવામાં આવે છે ત્યાં બીજી કોઈ રમતમાં બહુ જ નાની ઉંમરે મેળવેલ સિદ્ધિ વિશે પણ બહુ ઓછી ચર્ચા થાય એ સ્વાભાવિક ગણાય છે, પણ માત્ર 16 વર્ષના વિશ્વનાથ કાર્તિકેય પદકાંતીએ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત પર્વતારોહણ ચૅલેન્જ, “સેવન સમિટ” સફળતાપૂર્વક પૂર્ણ કરી અને દેશભરમાં જ નહીં, વિશ્વમાં પણ તેના આ સાહસની નોંધ લેવાઈ. “સેવન સમિટ”નો અર્થ પૃથ્વીના સાત ખંડો પરનાં સૌથી ઊચાં શિખરો એવો થાય છે. તેને વિશ્વના સૌથી મુશ્કેલ અને પ્રતિષ્ઠિત પર્વતારોહણ પડકારોમાંનો એક માનવામાં આવે છે.આ શિખરોમાં સામેલ છે:

1.એશિયા: માઉન્ટ એવરેસ્ટ. 2. આફ્રિકા: કિલીમંજારો 3. યુરોપ: માઉન્ટ એલ્બ્રસ  4.ઉત્તર અમેરિકા: ડેનાલી 5. દક્ષિણ અમેરિકા: એકોનકાગુઆ 6. એન્ટાર્ક્ટિકા: માઉન્ટ વિન્સન 7. ઑસ્ટ્રેલિયા: માઉન્ટ કોસિયુઝ્કો

આપણા વિશ્વનાથની પર્વતારોહણયાત્રા 2020 માં કોવિડ-19 રોગચાળા દરમિયાન શરૂ થઈ હતી,

વિશ્વનાથ કાર્તિકેયને પર્વતારોહણ પ્રત્યેનો રસ 11 વર્ષની ઉંમરે જાગ્યો. તે સમયે તેની મોટી બહેન, વૈષ્ણવી, ઉત્તરાખંડમાં રુદુગૈરા શિખર પર ચઢવાની તૈયારી કરી રહી હતી. વિશ્વનાથ પણ તેની બહેન સાથે ઉત્તરાખંડના માઉન્ટ રુદુગૈરા પર ચઢાણ પર ગયો હતો. જોકે તેઓ પ્રથમ પ્રયાસમાં ટોચ પર પહોંચ્યા ન હતા, પરંતુ આ અનુભવે એક એવી ચિનગારીનું કામ કર્યું જેનાથી તે વિશ્વના કેટલાક સૌથી મુશ્કેલ પર્વતો પર સફળતાપૂર્વક આરોહણ કરવામાં સફળ થયો. પોતાના પહેલા ચઢાણ પછી, વિશ્વનાથ, નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ(NIM)માં 10 દિવસના બેઝિક એડવેન્ચર કોર્સ માટે જોડાયા, જેનાથી તેમની રુચિ વધુ ગાઢ બની. ત્યાં જ તેમણે પહેલી વાર જુમરિંગ, રોક ક્લાઇમ્બિંગ અને રેપેલિંગનો અનુભવ કર્યો. અને ઊંચાઈ પર ચઢાણ માટે જરૂરી માનસિક શિસ્ત પણ કેળવાઈ. અહીં એ વાતની પણ નોંધ લેવી જ પડે કે હૈદરાબાદના આ કિશોરની નોંધપાત્ર સિદ્ધિઓમાં યુરોપના સૌથી ઊંચા પર્વત, માઉન્ટ એલબ્રસ ને તેની પૂર્વ અને પશ્ચિમ બંને બાજુથી 24 કલાકમાં જ ચઢવાનો સમાવેશ થાય છે, જે તેની અદ્ભુત સહનશક્તિ અને કુશળતાનો પુરાવો છે. વિશ્વનાથ તેના પર્વતારોહણના અનુભવો વિશે કહે છે કે સાતેય શિખરોમાંથી દરેકે વિવિધ પડકારો ઊભા કર્યા – ભૂપ્રદેશથી લઈને હવામાનની વિષમ પરિસ્થિતિઓ સુધીના, પરંતુ તુલનાત્મક રીતે, માઉન્ટ એવરેસ્ટ તેમના માટે સૌથી મુશ્કેલ પડાવ હતો. 2025 ના 27 મેના રોજ તેમનું અંતિમ ચઢાણ થયું, જ્યારે તેમણે અઠવાડિયાના કઠિન ચઢાણ પછી માઉન્ટ એવરેસ્ટ (8,848 મીટર) સર કરવામાં સફળતા મેળવી.પર્વતારોહક વિશ્વનાથ કાર્તિકેય પદકાંતીને ડિસેમ્બર 2025 માં ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો હતો. વિશ્વનાથ કહે છે પર્વતોએ મને ઘણું બધું આપ્યું છે, અને મને લાગે છે કે પ્રકૃતિનું રક્ષણ કરવું અને આપણા પર્યાવરણને સ્વચ્છ રાખવા અંગે જાગૃતિ ફેલાવવી એ મહત્ત્વનું છે.

ત્રિલોક સંઘાણી