વિશ્વનાથ આયર, એન. ઈ.
February, 2005
વિશ્વનાથ આયર, એન. ઈ. (જ. 30 જુલાઈ 1920, પાલઘાટ, કેરળ) : હિંદી વિવેચક અને અનુવાદક. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.; મદ્રાસ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. અને સાગર યુનિવર્સિટીમાંથી હિંદીમાં પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ કેરળ અને કોચીન યુનિવર્સિટીમાંથી હિંદીના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયા. પછી પી.જી. સેન્ટર, કેરળ હિંદી પ્રચાર સભામાં પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું.
તેઓ વિવિધ યુનિવર્સિટીના બૉર્ડ ઑવ્ સ્ટડીઝ અને સેનેટના સભ્ય; કેન્દ્રીય હિંદી સંસ્થાન; કેન્દ્રીય શિક્ષણ મંડળ; કેન્દ્ર સરકારનાં વિવિધ મંત્રાલયોના સલાહકાર મંડળના પણ સભ્ય રહ્યા.
તેમણે અત્યાર સુધીમાં 30થી વધુ ગ્રંથો આપ્યા છે. ‘આધુનિક હિંદી કાવ્ય તથા મલયાળમ કાવ્ય’ (1970), ‘કેરળ મેં હિંદી ભાષા ઔર સાહિત્ય કા વિકાસ’ (1996) તેમના નોંધપાત્ર વિવેચનગ્રંથો છે. ‘શહર સો રહા હૈ’ (1975), ‘ઉઠતા ચાંદ ડૂબતા સૂરજ’ (1984), ‘ફૂલ ઔર કાંટે’ (1991), ‘સિદ્ધિ ઔર સંપ’ (1995) તેમના લોકપ્રિય હળવા નિબંધસંગ્રહો છે. ‘અનુવાદકલા’ (1987), ‘અનુવાદ : ભાષાએં સમસ્યાએં’ (1987), ‘જાદેન’ (1975) અને ‘રામરાજા બહાદૂર’ (1993) તેમની અનૂદિત કૃતિઓ છે; જ્યારે ‘અભયકુમાર કી આત્મકહાની’ (1991) પ્રવાસવર્ણન છે. તેમણે સંખ્યાબંધ મલયાળમ ગ્રંથો હિંદીમાં અનૂદિત કર્યા છે.
તેમને 1975માં વિશ્વ હિંદી સંમેલન સન્માન; 1992માં આનંદ ઋષિ સાહિત્યનિધિ પુરસ્કાર; 1994માં કેન્દ્રીય હિંદી સંસ્થાન તરફથી રાહુલ સાંકૃત્યાયન પુરસ્કાર અને 1995માં બાબુ ગુલાબરાય પુરસ્કાર પ્રાપ્ત થયા.
બળદેવભાઈ કનીજિયા