વિશ્વનાથન્, વી.
February, 2005
વિશ્વનાથન્, વી. (જ. 27 ફેબ્રુઆરી 1940, કેરળ) : આધુનિક ભારતીય ચિત્રકાર.
ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફટ્સમાં અભ્યાસ કરીને 1962માં તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. આ અભ્યાસ માટે તેમને કેરળ યુનિવર્સિટીની શિષ્યવૃત્તિ મળેલી.
સીધી અને વક્ર રેખાઓ વડે અમૂર્ત અભિવ્યક્તિ કરતી અલ્પતમ (minimalist) કલા સર્જવાનું વિશ્વનાથનને પસંદ કર્યું છે.
વિશ્વનાથનનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનોની માહિતી :
સ્થળ | સાલ |
ચેન્નાઈ | 1966, 1968, 1987 |
બૅંગાલુરુ | 1967, 1986, 1999, 2000, 2001 |
મુંબઈ | 1971, 1975, 1980, 1982, 1989 |
કોચી | 1972, 1985 |
દિલ્હી | 1974, 1988 |
પૅરિસ | 1968, 1970, 1975, 1981, 1990, 1998 |
કોપનહેગન | 1969, 1970 |
બોર્ગોસેસી (ઇટાલી) | 1974 |
સ્ટ્રાસ્બર્ગ | 1977, 1981 |
વિશ્વનાથન્ને દેશવિદેશના ઍવૉર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. તેમાં ભારતની કેન્દ્રીય લલિતકલા અકાદમીનો નૅશનલ ઍવૉર્ડ (1968), ફ્રાન્સનો ‘કાન્યે સુ મે’ (1971) તથા ઇટાલીનો ‘પ્રેમિયો નૅશનાલે સિતા દિ (Premio Nazionale Citta di) બોર્ગોસેસિયા’નો સમાવેશ થાય છે.
પૅરિસના ‘સી. એન. એ. સી. મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ’ તથા દિલ્હી ખાતેની અને ચેન્નાઈ ખાતેની ‘નૅશનલ ગૅલેરી ઑવ્ મૉડર્ન આર્ટ’માં તેમનાં ચિત્રો કાયમી ધોરણે સંઘરાયા છે તથા પ્રદર્શિત છે.
તામિલનાડુમાં સ્થપાયેલા કલાકાર જૂથ ‘ચોલમન્ડલમ્ આર્ટિસ્ટ વિલેજ’ના તે સભ્ય હતા. હાલમાં તે પૅરિસમાં રહી કલાસર્જન કરે છે.
અમિતાભ મડિયા