વિશ્વંભર દાસ, કે. એસ.
February, 2005
વિશ્વંભર દાસ, કે. એસ. (જ. 16 માર્ચ 1941, દેશમ, અલ્વાયે, જિ. એર્નાકુલમ, કેરળ) : મલયાળમ લેખક. તેઓ કેરળ સરકારમાં 1970-73 સુધી જાહેરસંપર્ક-વિભાગમાં મદદનીશ માહિતી-અધિકારી; 1973-75 સુધી સહસંપાદક; 1975-78 સુધી રાજભાષા વિભાગના અનુવાદક; 1978-84 સુધી જાહેરસંપર્ક-વિભાગમાં માહિતી-અધિકારી; 1986-90 સુધી કેરળમાં સિડકોના જાહેરસંપર્ક-અધિકારી અને 1990-94 સુધી જાહેરસંપર્ક-વિભાગના નાયબ નિયામક રહ્યા. છેલ્લે સાંસ્કૃતિક બાબતોના નિયામકપદેથી તેઓ સેવા-નિવૃત્ત થયા.
તેમણે અત્યાર સુધીમાં 5 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ઓરુ પેન્કિઆવિન્ટે ડાયરીક્કુરિપ્પુકલ’ (1972) અને ‘કન્યા વનિભક્કાર’ (1975) બંને અંગ્રેજીમાંથી મલયાળમમાં કરેલા અનુવાદની કૃતિઓ છે. ‘અટ્ટુપોક્કુન્ના કન્નિકાલ’ (1982) બાળકો માટેનો વન્ય પશુ વિશેનો વાર્તાસંગ્રહ છે. ‘આધુનિક ભારતીય કથાકાલ’ અંગ્રેજીમાંથી અનુવાદ થયેલો વાર્તાસંગ્રહ છે.
આ વાર્તાસંગ્રહો માટે તેમને 1961માં સમસ્ત કેરળ સાહિત્ય પરિષદ ઍવૉર્ડ; 1963માં આસન અકાદમી ઍવૉર્ડ અને બાળસાહિત્ય માટે રાષ્ટ્રીય ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા