વિશેષ ઉપાડ હક (SDR)
February, 2005
વિશેષ ઉપાડ હક (SDR) : આંતરરાષ્ટ્રીય પ્રવાહિતાની સમસ્યાના નિરાકરણ માટે તથા આંતરરાષ્ટ્રીય અનામતોમાં વધારો કરવા માટે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (international monetary fund, IMF) હેઠળ ઊભી કરવામાં આવેલ અનન્ય અથવા અનુપમ વ્યવસ્થા. તે ‘પેપર-ગોલ્ડ’ના નામથી પણ ઓળખાય છે, જેના સર્જનનો ઠરાવ 1967માં રિઓ દ જાનેરો ખાતે મળેલ બેઠકમાં લેવામાં આવ્યો હતો, જેને નાણાભંડોળે જુલાઈ 1969માં મંજૂરી આપી હતી અને તેનો અમલ જાન્યુઆરી 1970થી શરૂ થયો હતો.
અમેરિકાના બ્રેટનવુડ્ઝ ખાતે 1944માં મળેલ આંતરરાષ્ટ્રીય પરિષદે આંતરરાષ્ટ્રીય સ્તરની બે સંસ્થાઓની સ્થાપનાનો નિર્ણય કર્યો હતો : આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) અને આંતરરાષ્ટ્રીય પુનર્રચના અને વિકાસ બૅંક (international Bank for reconstruction and development, IBRD), જે હવે વિશ્વબૅંક તરીકે ઓળખાય છે. આ બંને સંસ્થાઓ બ્રેટનવુડ્ઝના જોડિયા (Twins of Bretton Woods) નામથી પણ ઓળખવામાં આવે છે. 1929ની મહામંદી પછી સુવર્ણધોરણ પડતું મુકાતાં ત્યાર પછીના લગભગ દોઢ દાયકા સુધી આંતરરાષ્ટ્રીય ચલણ-વ્યવસ્થામાં એક પ્રકારનો શૂન્યાવકાશ સર્જાયો હતો, જે દૂર કરી એક નવી આંતરરાષ્ટ્રીય ચલણ-વ્યવસ્થા સ્થાપવાની દિશામાં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ એક અનિવાર્ય પગલું હતું. આ સંસ્થાની સ્થાપનાના ખતપત્રમાં તેના જે ઉદ્દેશો નિર્ધારિત કરવામાં આવ્યા હતા, તેમાંના બે ઉદ્દેશોનો ઉલ્લેખ અહીં પ્રસ્તુત ગણાય : (1) લેણદેણની તુલાની ટૂંકા ગાળાની ખાધ નિવારવા માટે આવી ખાધ ભોગવતા પોતાના સભ્ય દેશોને વિદેશી ચલણ પૂરું પાડવું; (2) જુદા જુદા દેશોના ચલણ વચ્ચે પરસ્પર બહુમુખી પરિવર્તનશીલતા દાખલ કરવી. માર્ચ 1947થી નાણાભંડોળે પોતાના કામકાજની શરૂઆત કરી ત્યારપછીના બે દાયકામાં જ સાબિત થયું હતું કે પોતાના સભ્ય દેશોને વિદેશી ચલણ પૂરું પાડવા માટે અને તે દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાહિતા ટકાવી રાખવા માટે નાણાભંડોળનાં સાધનો ટાંચાં સાબિત થયાં હતાં. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જાન્યુઆરી 1970થી નાણાભંડોળની વ્યવસ્થા હેઠળ વિશેષ ઉપાડ અધિકાર (Special drawing Rights, SDR) અર્થાત્ પેપર-ગોલ્ડનું સર્જન કરવામાં આવ્યું છે. હકીકતમાં વિશેષ ઉપાડ અધિકાર એ એક હિસાબી ગણતરી છે, જે નાણાભંડોળના વિશેષ હિસાબના એકમ (accounting unit) તરીકે કામ કરે છે. આ અંગેની મૂળ યોજના મુજબ વર્ષ 1970માં 350 કરોડ ડૉલર તથા 1971 અને 1972માં પ્રત્યેકે 300 કરોડ ડૉલર, એટલે કે શરૂઆતનાં ત્રણ વર્ષો દરમિયાન કુલ 950 કરોડ ડૉલર જેટલા પેપર-ગોલ્ડનું સર્જન કરવું એવો નિર્ણય લેવાયો હતો.
આ યોજનાની કેટલીક લાક્ષણિકતાઓ નોંધપાત્ર છે : (1) કોઈ પણ સભ્ય દેશ પાસેની ચલણ-અનામતો પર વિપરીત અસર કર્યા વિના આ યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય નાણાકીય અનામતોના પ્રમાણમાં વધારો કરવામાં આવ્યો છે. (2) આ યોજના દાખલ થઈ તે પૂર્વે જુદા જુદા દેશો પોતાની પાસે જે અનામતો રાખતા હતા તે કાં તો સોનાના રૂપમાં રાખવામાં આવતી અથવા વિકલ્પે તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિષ્ઠા ધરાવતા ડૉલર કે પાઉન્ડ સ્ટર્લિંગ જેવા ચલણના રૂપમાં રાખવામાં આવતી હતી. પેપર-ગોલ્ડના સર્જનને કારણે તે અનામતોના સ્વરૂપમાં પેપર-ગોલ્ડ જેવા નવા સાધનનો ઉમેરો થયો છે અને તેટલે અંશે આંતરરાષ્ટ્રીય પ્રવાહિતાની સમસ્યાના નિરાકરણ માટે નાણાભંડોળનાં સાધનોનું વિસ્તરણ થયું છે. (3) પેપર-ગોલ્ડનું મૂલ્ય ભલે સોનામાં આંકવામાં આવ્યું હોય, છતાં તે સોનામાં પરિવર્તિત થઈ શકે તેમ નથી; (4) પેપર-ગોલ્ડનું સર્જન એક રીતે જોતાં સર્વસ્વીકૃત એવા આંતરરાષ્ટ્રીય ચલણની સ્થાપનાની દિશામાં એક નક્કર પગલું ગણાય. (5) સૌથી વિશેષ મહત્વની બાબત એ છે કે નાણાભંડોળની સ્થાપના-સમયે તેના સભ્ય દેશોને જે સમાન ઉપાડ-અધિકાર પ્રદાન કરવામાં આવ્યા હતા તે કેટલીક શરતોને અધીન હતા; એટલું જ નહિ, પરંતુ નાણાભંડોળ પાસેથી મેળવેલ ધિરાણની રકમ વ્યાજ સાથે પરત ચૂકવવી પડતી હતી. તેની સરખામણીમાં પેપર-ગોલ્ડ યોજના હેઠળના વિશેષ ઉપાડ-અધિકાર બિનશરતી છે.
આ યોજનાના અમલ વખતે એક એસ. ડી. આર.નું મૂલ્ય 0.888671 ગ્રામ સોના બરાબર નિર્ધારિત કરવામાં આવ્યું હતું. 1971માં અમેરિકાના એક ડૉલરનું મૂલ્ય પણ તેટલું જ હતું. જુલાઈ 1974માં એસ. ડી. આર.ના એક એકમનું મૂલ્ય વિશ્વના જુદા જુદા સોળ દેશોના ચલણના મૂલ્યમાં આંકવામાં આવ્યું, જેને ‘બાસ્કેટ ઑવ્ કરન્સિઝ’ નામથી ઓળખાવવામાં આવ્યું. બાસ્કેટમાં સામેલ દરેક ચલણના ભાર-(weights)માં તફાવત હોવાથી 1980માં એસ. ડી. આર.ના એક એકમનું મૂલ્ય 0.4 અમેરિકન ડૉલર જેટલું નિર્ધારિત થયું અને તેના પ્રમાણમાં અન્ય પંદર ચલણો સાથે એસ. ડી. આર.ના એક એકમનું મૂલ્ય સાપેક્ષ રીતે નિર્ધારિત થયું. 1981માં એસ. ડી. આર.નું મૂલ્ય માત્ર પાંચ દેશોના ચલણના બાસ્કેટ સાથે સાંકળી લેવામાં આવ્યું : અમેરિકાના ડૉલર, ઇંગ્લૅન્ડના પાઉન્ડ સ્ટર્લિંગ, ફ્રાન્સના ફ્રૅન્ક, જર્મનીના ડ્યૂશમાર્ક તથા જાપાનના યેન. એસ. ડી. આર.ના સર્જન-સમયે જે કુલ એસ. ડી. આર.નો જથ્થો નિર્માણ થયો તે જથ્થો દરેક સભ્ય દેશને તે દરેકનો નાણાભંડોળમાં જે ફાળો હતો તે ફાળાના અનુપાતમાં વહેંચી દેવામાં આવ્યો. ત્યારબાદ ભંડોળે એવા દેશોનાં નામ નક્કી કર્યાં જે દેશો એસ. ડી. આર.ના બદલામાં વિદેશી માન્ય ચલણની અદલાબદલી કરશે, શરત આટલી જ કે કોઈ પણ આવો દેશ તેને શરૂઆતમાં ફાળવવામાં આવેલ એસ. ડી. આર.ના જથ્થાના ત્રણ ગણા જથ્થાથી વધારે રકમ જેટલું પોતાનું ચલણ માગણી કરનાર અન્ય દેશને આપવા બંધાયેલ નથી.
એસ. ડી. આર. કે પેપર-ગોલ્ડ સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય ચલણનાં કેટલાંક લક્ષણો ધરાવે છે. તે સોનું કે અન્ય કોઈ દેશના ચલણનો ટેકો ધરાવતું નથી, છતાં નાણાભંડોળના સભ્ય દેશો પરસ્પરના નાણાકીય વ્યવહારમાં વિનિમયના માધ્યમ તરીકે તેના દ્વારા લેવડ-દેવડ કરવા રાજી થયા છે; એટલું જ નહિ, પરંતુ મધ્યસ્થ બૅંકો મારફત થતી લેવડ-દેવડમાં પણ તે સર્વસ્વીકૃત બન્યું છે. નાણા-ભંડોળના મોટા ભાગના સભ્ય દેશો હિસાબી એકમ તરીકે પણ તેને માન્ય રાખે છે; દા.ત., એસ. ડી. આર.ના માધ્યમથી નાણાભંડોળ ખાતેના જૂના દેવાની પતાવટ થઈ શકે છે, લેણદેણની ટૂંકા ગાળાની ખાધ ભોગવતો સભ્ય દેશ તેના દ્વારા વિદેશી ચલણ મેળવી શકે છે તથા તેના દ્વારા અન્ય દેશો પાસેનું પોતાનું ચલણ ખરીદી શકે છે.
આંતરરાષ્ટ્રીય પ્રવાહિતાની સમસ્યાના ઉકેલ માટે અમલમાં મૂકવામાં આવેલ પેપર-ગોલ્ડના સર્જનની યોજનાની મોટામાં મોટી મર્યાદા એ છે કે દરેક દેશને ફાળવવામાં આવેલ એસ. ડી. આર.ના જથ્થાની વહેંચણી જે તે દેશના નાણાભંડોળના ફાળાના અનુપાતમાં નિર્ધારિત કરવામાં આવી છે. પરિણામે જે દેશોનો ફાળો વધારે છે તેમને વધુ એસ. ડી. આર. ફાળવવામાં આવ્યા છે. આ રીતે જે દેશો વિકાસશીલ છે અને તેથી જે દેશોની લેણદેણની તુલા ખાધ અનુભવતી હોય છે તેવા દેશોને એસ. ડી. આર.ના સર્જનનો લાભ વિશ્વના સમૃદ્ધ દેશોની સરખામણીમાં ઓછો મળે છે; જે આર્થિક રીતે ન્યાયસંગત ગણાય નહિ. બીજું, એસ. ડી. આર.નો ઉપયોગ લેણદેણની તુલાની માત્ર ટૂંકા ગાળાની ખાધ નિવારવા માટે જ થઈ શકે છે; લાંબા ગાળાની અસમતુલા નિવારવા માટે નહિ. આ પણ તેની એક મર્યાદા ગણાય.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે