વિવેકી રાય
February, 2005
વિવેકી રાય (જ. 19 નવેમ્બર 1924, સોનવણી, જિ. ગાઝીપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી અને ભોજપુરી લેખક. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને કાશી વિદ્યાપીઠમાંથી પીએચ.ડીની ડિગ્રી તેમજ ‘સાહિત્યાલંકાર’ની પદવી મેળવી. તેઓ સ્નાતકોત્તર મહાવિદ્યાલય, ગાઝીપુરમાંથી અધ્યાપકપદેથી નિવૃત્ત થયા. 1942ની ચળવળમાં તેમણે ભાગ લીધેલો.
તેમણે અત્યાર સુધીમાં 48થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘અર્ગલ’ (1951), ‘રજનીગંધા’ (1964) બંને તેમના કાવ્યસંગ્રહો, ‘જીવનપરિઘિ’ (1952); ‘ગંગા જહાજ’ (1977) તેમના જાણીતા વાર્તાસંગ્રહો અને ‘બાબુલ’ (1967), ‘શ્વેત પાત્ર’ (1979), ‘સોનમતી’ (1983) અને ‘મંગલ ભવન’ (1994) તેમની લોકપ્રિય નવલકથાઓ છે. જ્યારે ‘જુલુસ રુકા હૈ’ (1962), ‘હિંદી ઉપન્યાસ વિવિધ આયામ’ (1990), ‘આસ્થા ઔર ચિંતન’ (1991); ‘જગત તપોવન સો કિયા’ (1995) તેમના ઉલ્લેખનીય વિવેચનગ્રંથો અને નિબંધસંગ્રહો છે.
તેમના આ સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1987માં પ્રેમચંદ ઍવૉર્ડ; 1994માં ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન તરફથી ‘સાહિત્યભૂષણ’; 1996-97માં શરદ જોશી સન્માન; 1996માં કેડિયા લિટરરી સંગઠન ઍવૉર્ડ તથા અન્ય ઍવૉર્ડ પ્રાપ્ત થયા. તદુપરાંત તેમને વિક્રમશીલા વિદ્યાપીઠ, ભાગલપુર તરફથી ‘વિદ્યાસાગર’; હિંદી સાહિત્ય સંમેલન, પ્રયાગ તરફથી ‘વિદ્યાવાચસ્પતિ’ના ખિતાબો પણ આપવામાં આવ્યા.
બળદેવભાઈ કનીજિયા