વિલ્માર્થ, ક્રિસ્ટૉફર
February, 2005
વિલ્માર્થ, ક્રિસ્ટૉફર (જ. 1943, અમેરિકા) : અલ્પતમવાદી શિલ્પી. અલ્પતમ પ્રયત્નો વડે તેઓ બળૂકી અભિવ્યક્તિમાં સફળ થયા છે. તેમનાં શિલ્પો મારફતે માનવીય હૂંફનો દર્શકોને સહેલાઈથી અહેસાસ થાય છે; પરંતુ આ અભિવ્યક્તિ અમૂર્ત માર્ગે થાય છે, કારણ કે તેઓ માત્ર ત્રિકોણ, પિરામિડ, વર્તુળ, દડો, પરવલય, ચોરસ, ઘન, લંબચોરસ, નળાકાર, શંકુ જેવા ભૌમિતિક આકારોનો ઉપયોગ કરી રૂપવાદી (ફૉર્માલિસ્ટ) પદ્ધતિએ સર્જન કરે છે.
કાચ, પોલાદ, પ્લાસ્ટિક અને કાંસાનાં મિશ્ર માધ્યમો વડે સર્જાતાં તેમનાં શિલ્પોમાં પ્રકાશ અને છાયાની સંતાકૂકડી ખૂબ રસપ્રદ હોય છે. વળી શિલ્પના અમુક ભાગ અપારદર્શક, અમુક અર્ધપારદર્શક અને અમુક પૂર્ણ પારદર્શક હોય છે. આને કારણે તેમનાં શિલ્પોની આકર્ષકતા વધે છે.
અમિતાભ મડિયા