વિલ્બાય, જૉન
February, 2005
વિલ્બાય, જૉન (જ. 1574, બ્રિટન; અ. 1638, બ્રિટન) : બ્રિટનના શ્રેષ્ઠ મૅડ્રિગલ-સર્જકોમાંનો એક ગણાતો સ્વર-નિયોજક. યુવાનીમાં કિટ્સન પરિવારના સંગીતકાર તરીકે તેણે નોકરી કરેલી. 1613માં આ પરિવારે તેને જમીન ભેટ આપી. તેથી તે પોતે જ નાનકડો જમીનદાર બની ગયો અને યોગક્ષેમની ચિંતા કરવાની જરૂર ન રહેતાં સંગીતસર્જનને તેણે હવે પૂરો સમય ફાળવ્યો. ઇટાલિયન મૅડ્રિગલ-સર્જકોનો તે સૌથી ઊંડો અભ્યાસ કરનાર બ્રિટનનો સંગીતકાર ગણાયો. પ્રમાણમાં ઓછી કૃતિઓ લખી હોવા છતાં તેની લોકપ્રિયતા સોળમી અને સત્તરમી સદીના બ્રિટનમાં વ્યાપક હતી. ઇંગ્લિશ ગદ્યને સંગીતમાં ઢાળવાની તેની આવડત પર શ્રોતાઓ મંત્રમુગ્ધ થતા હતા.
અમિતાભ મડિયા