વિલેમાઇટ : જસતનું ધાતુખનિજ. નેસોસિલિકેટ. ટ્રુસ્ટાઇટ એનો ખનિજપ્રકાર છે. રાસા. બં. : Zn2SiO4. સ્ફ. વ. : હેક્ઝાગૉનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો ષટ્કોણીય પ્રિઝમૅટિક; ટૂંકા, મજબૂતથી લાંબા, નાજુક; બેઝલ પિનેકૉઇડથી અને જુદા જુદા રહોમ્બોહેડ્રાથી બનેલા છેડાઓવાળા. દળદાર, રેસાદાર કે ઘનિષ્ઠ; છૂટા છૂટા દાણાઓ સ્વરૂપે પણ મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : (0001) અને (1120) ફલકો પર આછો સંભેદ. ભંગસપાટી : વલયાકારથી ખરબચડી, બરડ. ચમક : કાચમયથી રાળમય. રંગ : રંગવિહીન, સફેદ; જુદી જુદી ઝાંયવાળા લીલા, પીળા, રાતા, કથ્થાઈ, રાખોડી પણ હોય; પારજાંબલી કિરણોના પ્રકાશમાં પીળાશ પડતો લીલો તેજસ્વી રંગ (પ્રસ્ફુરણ) દર્શાવે. ક્યારેક પશ્ચાત્ સ્ફુરણ પણ દર્શાવે. ચૂર્ણરંગ : રંગવિહીન. કઠિનતા : 5.5. વિ. ઘ. : 3.89થી 4.19. પ્રકા. અચ. : ω = 1.691,∈ = 1.719. પ્રકા. સંજ્ઞા : + ve.
પ્રાપ્તિસ્થિતિ : ધાતુખનિજ તરીકે. ક્યારેક ઘણા સારા સ્ફટિકો પણ મળે. ફ્રેન્કલિનાઇટ, ઝિંકાઇટ સહિત તે સ્ફટિકમય ચૂનાખડક સાથે સંકળાયેલું હોય છે.
પ્રાપ્તિસ્થાનો : યુ. એસ., ગ્રીનલૅન્ડ, બેલ્જિયમ, અલ્જિરિયા, ઝાયર, ઝામ્બિયા અને નૈર્ઋત્ય આફ્રિકામાંથી મળી રહે છે.
ગિરીશભાઈ પંડ્યા