વિલેમસ્ટાડ (Willemstad) : નેધરલૅન્ડ ઍન્ટિલીઝનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 12° 00´ ઉ. અ. અને 69° 00´ પ. રે.. તે કૅરિબિયન સમુદ્રમાંના ક્યુરાકાઓ ટાપુના નૈર્ઋત્ય કિનારે આવેલું છે. સેન્ટ એન્ના આ નગરને પુંડા અને ઔત્રાબાંદા નામના બે વિભાગોમાં વહેંચી નાખે છે. પશ્ચિમ ગોળાર્ધમાંનાં જૂનામાં જૂના બે યહૂદી ભૂમિચિહ્નો વિલેમસ્ટાડમાં જોવા મળે છે તે પૈકીનું એક, 1659માં તૈયાર કરાયેલું દફનગૃહ અને બીજું, 1732માં બંધાયેલું મંદિર. આ નગરના ઘણા આવાસો પરંપરાગત ડચ શૈલી મુજબ બંધાયેલા છે, તે પૈકીના ઘણાખરા વિશિષ્ટપણે રંગેલા છે.
આજે જ્યાં વિલેમસ્ટાડ છે ત્યાં જૂના વખતમાં આરાવાક ઇન્ડિયન જાતિના લોકો વસતા હતા. 1634માં આ સ્થળ ડચ લોકોએ વસાવેલું. 1915થી તે તેલ-શુદ્ધીકરણનું મથક અને તેલનિકાસનું કેન્દ્ર બની રહેલું છે. કૅરિબિયન સમુદ્રના અગ્નિભાગ માટે તે ગોદામો, વહાણવટું અને નાણાંરોકાણ માટેનું મથક બની રહેલું છે. તેની વસ્તી 1999 મુજબ 1,23,000 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા