વિલિયમ્સ, સેરેના (જ. ?) : અમેરિકાની મહાન મહિલા ટેનિસ-ખેલાડી. 1999માં તેમણે સૌપ્રથમ ‘યુ.એસ. ઓપન ચૅમ્પિયનશિપ’ જીતીને પ્રથમ ગ્રૅન્ડસ્લૅમ ટાઇટલ જીત્યું હતું. 1999 પછી સેરેના વિલિયમ્સે ટેનિસમાં સતત આગેકૂચ કરી છે. 2002માં તેમણે વિમ્બલ્ડન, ફ્રેન્ચ ઓપન અને યુ.એસ. ઓપન જીતીને ટેનિસજગતમાં ઇતિહાસ સર્જ્યો હતો. તેમણે 2002 અને 2003માં વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ; 2002માં ફ્રેન્ચ ઓપન ચૅમ્પિયનશિપ; 1999, 2002 અને 2008માં યુ.એસ. ઓપન ચૅમ્પિયનશિપ અને 2003, 2005 તથા 2007માં ઑસ્ટ્રેલિયન ઓપન ચૅમ્પિયનશિપ મેળવીને ગ્રૅન્ડસ્લૅમની બધી જ સ્પર્ધાઓમાં ખૂબ જ સારો દેખાવ કર્યો છે.
તેઓ ખૂબ જ આક્રમક રમત રમે છે અને મૅચ પૉઇન્ટ સુધી સખત મહેનત કરે છે. 2008 સુધીમાં તેમણે 9 ગ્રૅન્ડસ્લૅમ ટાઇટલો મેળવીને ટેનિસજગતની ‘અમર મહિલા ખેલાડીઓ’માં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
ગ્રૅન્ડસ્લૅમ ઉપરાંત તેમણે ટેનિસની અન્ય ઘણી સ્પર્ધાઓ પણ જીતી છે. મહિલાયુગલ(વિમેન ડબલ્સ)માં તેઓ મોટા ભાગે પોતાની મોટી બહેન વિનસ વિલિયમ્સ સાથે જોડી બનાવીને રમે છે. 2008 બેઇજિંગ ઑલિમ્પિક્સમાં આ જોડીએ સુવર્ણ ચંદ્રક મેળવીને ઇતિહાસ સર્જ્યો છે. સતત મળતી તેમની પ્રગતિમાં તેમના પિતાનો અનન્ય ફાળો છે. તેઓ આજે પણ ટેનિસને સંપૂર્ણપણે સમર્પિત છે.
પ્રભુદયાલ શર્મા