વિલિયમ્સ, વૉહાન (જ. 1872; અ. 1958) : આધુનિક બ્રિટિશ સંગીતના બે પ્રણેતામાંનો એક (બીજો તે ગુસ્તાવ હૉલ્સ્ટ). તેમની રાહબરી હેઠળ બ્રિટિશ સંગીત ત્રણ સદી પછી ડચ, જર્મન અને નૉર્વેજિયન સંગીતના પ્રભાવમાંથી આખરે મુક્ત થયું.
શાલેય અભ્યાસ દરમિયાન જ વિલિયમ્સને મધ્યયુગીન ટ્યૂડૉર ચર્ચની પૉલિફોની અને લોકગીતો ભેગાં કરવાનો નાદ લાગેલો. આ લોકસંગીતમાંથી પ્રેરણા મેળવી તેમણે મૌલિક સંગીત સર્જવું શરૂ કર્યું. તેમની પ્રારંભિક બે કૃતિઓ ઑર્કેસ્ટ્રા માટે હતી : ‘ઇન ધ ફૅન કન્ટ્રી’ તથા ‘નોર્ફોક રહોપ્સોડીઝ’. એ પછી ચર્ચ માટે ગાયકવૃંદોની હરીફાઈ માટે તેમણે બે કૃતિઓ લખી : ‘ટુવર્ડ્ઝ ધ અનનૉન રિજ્યૉન’ તથા ‘એ સી સિમ્ફની’. આ બંને કૃતિઓમાં મધ્યયુગીન બ્રિટિશ સ્વરનિયોજકો પર્સેલ અને પૅરીનો પ્રભાવ જોઈ શકાય છે. ત્યારબાદ વ્હિટ્મૅન, હુસ્મૅન, બુન્યાન તથા જ્યૉર્જ હર્બર્ટનાં કાવ્યોને સંગીતમાં ઢાળ્યાં. ફળસ્વરૂપ ગીતો સામૂહિક રીતે ‘ઑન વેન્લૉક એજ’ નામે ઓળખાયાં; પરંતુ વિવેચકોના મતે તેમની નવ સિમ્ફનીઓ તથા ઑર્કેસ્ટ્રલ સ્વીટ ‘એ માસ્ક ફૉર ડાન્સિન્ગ’ તેમની સર્જનાત્મકતાનાં ઉત્તુંગ શૃંગો ગણાયાં છે. વાદ્યસંગીતના આ નમૂનાઓમાંથી ચોથી (1935), પાંચમી (1943) અને છઠ્ઠી (1948) સિમ્ફનીઓ, મધ્યયુગીન બ્રિટિશ સંગીતકાર ટેલિસમાંથી પ્રેરણા મેળવીને લખેલી કૃતિ ‘ફૅન્ટાસિયા ઑન અ થીમ બાય ટેલિસ ફૉર સ્ટ્રિન્ગ્ઝ’ (1910) તથા સિમ્ફનિક પોએમ ‘જૉબ’(1913)ને વ્યાપક લોકચાહના પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત તેમના એક ઑપેરા ‘હ્યુજ ધ ડ્રોવર, ધ પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’ તથા ચર્ચ માટે લખેલ ‘માસ ઇન જી માઇનરે’ પણ વિશ્વભરનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ‘ફૉર્ટિનાઇન્થ પૅરેલલ’ તથા ‘સ્કૉટ ઑવ્ ધ ઍન્ટાર્ક્ટિક’ નામની બે ફિલ્મોનું સંગીત પણ તેમણે લખ્યું છે. આધુનિક બ્રિટિશ સંગીતના એક ઘડવૈયા તરીકે આજે તેમની ગણના થાય છે.
અમિતાભ મડિયા