વિલા રોટોન્ડા, વીસેન્ઝા : ઇટાલીનું સ્થાપત્ય. વિલા રોટોન્ડા વિલા એલ્મેરિકોવલ્મરના તરીકે પણ ઓળખાય છે. તે પોપ એલ્મેરિકોનું શહેર બહારનું નિવાસસ્થાન મનાય છે. ઘણાં વર્ષો રોમના વસવાટ પછી 1566માં વીસેન્ઝામાં આવતાં આ બાંધકામ કરવામાં આવ્યું હતું.
નગરની બહાર પોતાની સ્થાવર મિલકતનું સ્થળાંતર કરવા માટે એલ્મેરિકોએ પોતાના મહેલને વેચી દીધો. બાંધકામ ઝડપથી શરૂ કરવામાં આવ્યું અને 1569માં તો તેમાં રહેવાનું એલ્મેરિકોએ શરૂ કરી દીધું હતું. આ ઇમારતનો સ્થપતિ પલાડિયો હતો. પલાડિયોના મૃત્યુથી આ બાંધકામ અધૂરું રહ્યું. તે પછી બાકીનું બાંધકામ ઘુંમટ અને બહારની સીડીનું બાંધકામ સ્કેમોગ્ઝી દ્વારા કરવામાં આવ્યું હતું. 1620માં નીચેના સ્તરે ઉમેરવામાં આવેલી બહારની ઇમારતનું કામ પણ સ્કેમોગ્ઝીએ જ કર્યું હતું. 1570 પહેલાં લૉરેન્ઝો રુબિનિ દ્વારા સીડી, અગ્નિ-સ્થળ 1577માં રુડોલ્ફી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યાં હતાં. ઘુંમટની છત અને મુખ્ય ખંડની છત પરના ચૂનાથી બનાવેલાં શિલ્પો(stuccoes)નું સર્જન રુબિનિ, રુગેરો, બાસ્કાપે અને ડૉમિનિકો ફૉન્ટાનાનું છે. પશ્ચિમ અને દક્ષિણના ઓરડાઓમાં 1599-1600 દરમિયાન ચિત્રકાર મેગેનાએ ભીંતચિત્રો આલેખ્યાં. નીચેનાં ભીંતચિત્રો 1680-1687 દરમિયાન ડૉરિગ્નએ આલેખ્યાં. એક્રોટેરિયા પરનું શિલ્પ અને બગીચાના ફુવારાનું સર્જન જી. બી. આલ્બેનિઝ દ્વારા 1600માં થયું હતું. તેણે જ પાછળના સમયમાં 1629માં બાગના પ્રવેશદ્વારનું સર્જન સ્ટ્રેડા ડેલા રિવેરાના આધારે કર્યું. આ સ્થળે પલાડિયોને અસામાન્ય વિલા માટે પ્રેરણા આપી હોય. મધ્યમાં પેવેલિયન હોય એવી સ્વતંત્ર રીતે ઊભેલી પલાડિયોની આ એક જ ઇમારત છે. તે એક ટેકરી ઉપર આવેલી છે. ટેકરીની ત્રણેય બાજુએ દૂર સુધી જતાં ખેડેલાં ખેતરો વિસ્તરેલાં છે. ચોથી બાજુએ તેનું મૂળ પ્રવેશદ્વાર રોડની નીચેની બાજુએથી હજુ પણ ષ્ટિગોચર થાય છે. પલાડિયો આ સ્થળનું એક થિયેટર તરીકે વર્ણન કરે છે. તેની ચારેય દિશાભિમુખ પ્રવેશ-ચોકીઓમાંથી સુંદર શ્યો નિહાળવાનો લહાવો મળે છે. તેની સાથે સાંકળતી અન્ય ઇમારતોનો અભાવ હોવાથી આ સ્થળમાં તે એક સ્વતંત્ર છૂટી ઇમારત જણાય છે. પલાડિયોએ આ ધાર્મિક ઇમારતની રચનાનો ઉપયોગ બિનધાર્મિક ઇમારતોના બાંધકામમાં ક્યારેય કર્યો નથી. તેના ઘુંમટની પ્રેરણા પૅન્થિયૉન પરથી લેવામાં આવી હોય તેમ જણાય છે.
સ્નેહલ શાહ
અનુ. થૉમસ પરમાર