વિરાજ્યતા (statelessness)
February, 2005
વિરાજ્યતા (statelessness) : કોઈ વ્યક્તિનું સ્થાનિક કાયદા (municipal law) મુજબ રાષ્ટ્રીયત્વ રદ થયું હોય અને તે દરમિયાન તે અન્ય રાષ્ટ્રીયત્વ પ્રાપ્ત ન થઈ ગયું હોય એવી વચગાળાની સ્થિતિ. રાષ્ટ્રીયત્વ એ વ્યક્તિ અને રાજ્ય વચ્ચેની સાંધણકડી છે. હરેક વ્યક્તિને રાષ્ટ્રીયત્વ ધારણ કરવાનો અધિકાર છે. રાજ્ય કોઈ પણ વ્યક્તિને રાષ્ટ્રીયત્વ એટલે રાજ્યવિહીન (stateless) કરી શકે નહિ.
નાગરિકની એના રાજ્ય પ્રત્યેની વફાદારી અને નાગરિકનું રક્ષણ કરવાની રાજ્યની ફરજ – આ બે બાબતો રાષ્ટ્રીયતાના પ્રત્યક્ષ પરિણામરૂપ છે.
આંતરરાષ્ટ્રીય કાયદાનાં ઘણાં પરિણામો રાષ્ટ્રીયત્વ પર આધાર રાખે છે. એને કારણે જ નાગરિકને પરદેશી ભૂમિમાં પણ રાજકીય રક્ષણ પ્રાપ્ત થાય છે.
કોઈ વ્યક્તિ રાજ્યની દુશ્મન છે કે નહિ તેનો નિર્ણય યુદ્ધના સમયમાં તેના રાષ્ટ્રીયત્વથી લઈ શકાય. અંકુશોથી અધિકારો લઈ લેવાય, પરંતુ રાષ્ટ્રીયતા નહિ. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના રાષ્ટ્રીયત્વનો ત્યાગ કરે અથવા તેનું રાષ્ટ્રીયત્વ ઝૂંટવી લેવાય અથવા કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી પરદેશમાં નિવાસ કરે, ત્યારે તેનું રાષ્ટ્રીયત્વ નાશ પામે છે.
રાજ્યવિહીન એટલે રાષ્ટ્રીયતા(nationality)વિહીન, રાજ્યવિહીન વ્યક્તિની તકલીફ એ છે કે કોઈ એક રાજ્ય તેના પ્રત્યે અન્યાય કરે તો તેવા અન્યાયને રોકવા માટે તે બીજા રાજ્યની મદદ મેળવી શકતો નથી. એવું પણ બને કે એવી વ્યક્તિને કોઈ પણ રાજ્યમાં રહેવાનો અધિકાર ન મળે, અથવા તો કોઈ પણ રાષ્ટ્રમાં તે પ્રવેશી ન શકે.
વર્તમાન સમયમાં આ પ્રશ્ન આંતરરાષ્ટ્રીય કાયદામાં મહત્વનો બન્યો હોઈ વિરાજ્યતાની પરિસ્થિતિને નિવારવા અથવા તેના વ્યાપને સંકુચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રયત્નો શરૂ થયા છે. 1961ના આંતરરાષ્ટ્રીય કન્વેન્શનથી જે વ્યક્તિ અમુક રાષ્ટ્રમાં જન્મી હોય તે રાષ્ટ્ર તેને અમુક શરતોએ રાષ્ટ્રીયત્વ આપે એવું ઠરાવાયું છે. જો આમ ન થાય તો વ્યક્તિ રાજ્યવિહીન બની જાય. સંયુક્ત રાષ્ટ્રસંઘે માનવ-અધિકારોની સાર્વત્રિક ઘોષણા(Universal Declaration of Human Rights)માં અનુચ્છેદ 15મો ઉમેરીને એવું ઠરાવ્યું છે કે બધી વ્યક્તિઓને રાષ્ટ્રીયત્વ ધારણ કરવાનો અધિકાર છે. કોઈ પણ વ્યક્તિને રાજ્ય પોતાના સ્વેચ્છાચારી કાર્યથી રાષ્ટ્રીયત્વથી વંચિત કરી શકે નહિ. વિરાજ્યતા (i) રાજ્યના સ્થાનિક કાયદામાં રહેલાં વિસંગત તત્વોથી, (ii) રાજ્યમાં સાર્વભૌમત્વ(સોવેરેનિટી)ના પરિવર્તનથી અથવા (iii) રાજ્યના રાષ્ટ્રીયત્વ નાશ કરવાના કાયદાથી ઉદ્ભવી શકે. આને કારણે વ્યક્તિ અનેક મુશ્કેલીઓમાં મુકાઈ જાય છે અને તે સમાજમાંથી પદભ્રષ્ટ થાય છે. પરિણામે આંતરરાષ્ટ્રીય કાયદાના અનુસરણની કોઈ શક્યતા રહેતી નથી. આ સ્થિતિ અટકાવવા માટે નીચેના ઉપાય સૂચવવામાં આવ્યા છે :
(i) વ્યક્તિને અમુક રાષ્ટ્રીયત્વ પ્રાપ્ત થયું છે એમ સ્વીકારવા અથવા વ્યક્તિએ અમુક રાષ્ટ્રીયત્વ ખોયું નથી એમ સ્વીકારવા ફરજ પાડવી.
(ii) વ્યક્તિનું રાષ્ટ્રીયત્વ નષ્ટ કરવાના હેતુથી કાયદાઓ કરતા રાજ્યને અટકાવવું.
(iii) વિરાજ્ય વ્યક્તિઓનું ઉદાર વલણ. રાજ્યોએ પોતાના રાજ્યનું રાષ્ટ્રીયત્વ આપવું અને તેને નાગરિક તરીકે અપનાવવો.
(iv) વિરાજ્ય વ્યક્તિને થતા ગેરલાભો સામે તેને રક્ષણ આપવા માટે વ્યક્તિને જ્યાં સુધી વૈકલ્પિક રાષ્ટ્રીયત્વ મળે નહિ ત્યાં સુધી તેને ઓળખપત્રો આપી મુક્ત વસવાટ અને વ્યવસાય કરવા દેવા.
ભાનુપ્રસાદ ગાંધી