વિભાકર, નૃસિંહ

February, 2005

વિભાકર, નૃસિંહ (. 25 ફેબ્રુઆરી 1888, જૂનાગઢ; . 28 મે 1925) : ગુજરાતી સાહિત્યના જાણીતા નાટ્યકાર. આખું નામ વિભાકર નૃસિંહદાસ ભગવાનદાસ. બી.એ. 1908માં, મુંબઈ યુનિવર્સિટીમાંથી 1910માં એલએલ.બી.; ત્યારબાદ 1911માં ઇંગ્લૅન્ડ જઈ 1913માં બૅરિસ્ટર થયા. પછી પાછા આવી સિડેન્હામ કૉલેજ મુંબઈમાં અધ્યાપનનું કામ કર્યું. ત્યારબાદ વકીલાત શરૂ કરી. નૃસિંહ વિભાકરનું વ્યક્તિત્વ ઉલ્લાસ અને સ્ફૂર્તિથી તરવરતું અને સ્વમાનની તીવ્ર લાગણીવાળું હતું. એ વ્યક્તિત્વના ઘડતરમાં વડીલબંધુ ડૉ. કાલિદાસ વિભાકર તથા તેમના વિદ્યાગુરુ કૌશિકરામ વિઘ્નહરરામ મહેતાનો ફાળો ઉલ્લેખનીય હતો. જેને બાપુલાલ અને ‘સુંદરી’ જેવા અસંખ્ય નટો અને ધમધમતી કંપનીઓની રંગભૂમિ પ્રવૃત્તિને લીધે નટકેન્દ્રી સ્તબક ગણવામાં આવે છે તે વીસમી સદીના પ્રથમ દાયકાનાં અનેક દૂષણોની આકરી ટીકા કરતું પ્રવચન તેમણે રાજકોટમાં 1909માં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં છટાદાર શૈલીમાં કર્યું. ‘સૃદૃષ્ટિલીલાનાં આબેહૂબ ચિત્ર હૃદયના અકૃત્રિમ ભાવોનો ચિત્તાકર્ષક વિલાસ તથા સંપત્તિની જ્યોતિમાં, આપત્તિના અંધકારમાં અને બંનેની મિશ્ર છાયામાં અથડાતાં મનુષ્યોની આશાઓ અને નિરાશાઓ, અધ:પતન અને ઉદ્ગમનનું હૃદયહારક આલેખન ગુજરાતી નાટકોમાં મળતાં નથી, તેથી રંગભૂમિના ઉત્કર્ષની જવાબદારી ઉપાડી લેવા તેમણે સાહિત્યકારોને પડકાર ફેંક્યો અને પોતે પણ એ દિશામાં સક્રિય બની નાટ્યલેખન આરંભ્યું. ‘સોરઠના જાદુગર’ તરીકે મિત્રોમાં જાણીતા, વિદેશોમાં તાલીમ પામેલા આ નાટ્યલેખકે સર્જક-મથામણના તબક્કાને 1913થી 1923ની વચ્ચે મૂળશંકર મૂલાણી અને ફૂલચંદ ‘માસ્તર’ કરતાં અલગ જ રીતે પોતાના વિદ્રોહને વળાંક આપી, સામાજિક ક્રાંતિ અને ઉત્થાનનાં નાટકોથી આશ્ર્ચર્યજનક રીતે ઉપસાવી આપ્યો.

પરદેશવાસ દરમિયાન તેમણે બ્રિટિશ રંગભૂમિની કાર્યદક્ષતા અને સિદ્ધિઓ નિહાળી હતી. જોકે તત્કાલીન ગુજરાતી રંગભૂમિની નાટ્યકલાને ચોકઠે જ એમને કામ કરવું પડે તેમ હતું અને એની મર્યાદાઓ તેઓ જાણતા હતા. પણ એમાં કર્યું એમણે પોતાનું ધાર્યું; એ રીતે કે ‘સુધારાથી કંઈ વળે નહિ, કરવું તો સમાજપરિવર્તન જ જોઈએ !’ ભાષણો કે હૃદયપરિવર્તનો નહિ પરંતુ તત્કાલીન રાજકીય-સામાજિક પરિસ્થિતિ નાટકમાં ઝીલી પોતે જે ‘સૃદૃષ્ટિલીલાનું આબેહૂબ ચિત્ર’ રંગભૂમિમાં રજૂ કરવા હાકલ કરી હતી, એ શૈલીનાં એક પછી એક નાટકો એમણે આપ્યાં.

એ વખતે રંગભૂમિની બહાર રાષ્ટ્રીય ભાવના બુલંદ બની હતી. લોકમાન્ય ટિળક, લાલા લાજપતરાય, બિપિનચંદ્ર પાલ અને ફિરોઝશાહ મહેતાનો એ જમાનો હતો એટલે રંગભૂમિ પર એ બધું લાવવાનો નિશ્ર્ચય હોવા છતાં નૃસિંહ વિભાકરે રંગભૂમિમાં પ્રવેશ માટે પહેલું ‘સિદ્ધાર્થ બુદ્ધ’ નાટક લખ્યું. 1914માં આર્ય નાટક મંડળીએ એનું મંચન કર્યું, પરંતુ આ એક પૌરાણિક વસ્તુની પરંપરાને અનુસરતા અપવાદ સિવાય પછીથી નાટક માટે કોઈ પણ પ્રખ્યાત કથાનકની સામગ્રીને પછીથી એ અડક્યા નથી. એમના બીજા નાટક ‘સ્નેહસરિતા’(1915)માં સ્વાતંત્ર્ય માટે લડત ચલાવતી સ્ત્રીનું ચિત્રણ છે. બાપુલાલ નાયક અને જયશંકર ‘સુંદરી’ની જોડીએ એને રજૂ કરી નવી ભાત પાડી. મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ ત્યાર પછી, સ્વરાજ્યની ભાવના વ્યક્ત કરતું એમનું ‘સુધાચંદ્ર’ નાટક 1916માં ભજવ્યું. આમ પણ આ નાટક મંડળી અભિનય, રજૂઆત અને દિગ્દર્શનની દૃષ્ટિએ બીજી કંપનીઓ કરતાં સરસાઈ તો ભોગવતી જ હતી, એમાં વિભાકરના નવા કેન્દ્રસ્થ વિચારને લીધે સહુને અનેરી સફળતા મળી. ‘હોમરૂલ લીગ’ની ચળવળને અનુલક્ષીને નૃસિંહ વિભાકરે એ પછી ‘મધુબંસરી’ નાટક (1917) લખ્યું. એનાં કેટલાંક દૃશ્યો હાજી મહમદ અલારખિયાએ ‘વીસમી સદી’માં પ્રસિદ્ધ કર્યાં હતા. ઉત્તમ દિગ્દર્શન, સંગીત અને સબળ કથાનકને લીધે યશસ્વી બનેલું આ નાટક મુંબઈમાં એકધારું બે વર્ષ ચાલ્યું હતું. એમાંની દોઢ પાનાની લાંબી સ્વગતોક્તિને પણ બાપુલાલ રસપ્રદ રીતે રજૂ કરતા હતા.

નૃસિંહ વિભાકરે એ પછી મજૂરોની જાગૃતિને વિષય બનાવી ‘મેઘમાલિની’ (1918) નાટકની રચના કરી. મુંબઈમાં પ્રથમ મજૂર સંગઠન એ પહેલાં થયું હતું અને નાટકની રજૂઆતને સમાંતર જ અમદાવાદમાં મજૂર હડતાલ પડી હતી, એ આ તકે યાદ રાખવું જોઈએ. જોકે નાટકની તાલીમ દરમિયાન બાપુલાલની તબિયત બગડી, તેથી તેઓ પોતાની રીતે નટોને તૈયાર કરી શક્યા નહોતા. પરિણામે નાટકને ધારી સફળતા ન મળી. એમના એ પછીના નાટક ‘અબજોનાં બંધન’ને પ્રેક્ષકોએ ‘અજમાનાં બંડલ’ તરીકે તિરસ્કાર્યું એ પ્રેક્ષક વર્ગની જ નિષ્ફળતા ગણી શકાય. લક્ષ્મીકાન્ત નાટક સમાજ માટે તૈયાર કરવામાં આવેલ અબજોનાં બંધનમાં સંપત્તિસંગ્રહની મર્યાદા બતાવી, ભારતમુક્તિની ભાવના તેમણે સમજાવી હતી.

નૃસિંહ વિભાકરનાં છ નાટકોમાંથી ચારનું દિગ્દર્શન બાપુલાલ નાયકે કર્યું હતું અને જયશંકર ‘સુંદરી’ સાથે એમની જોડીએ એમાં અભિનય કર્યો હતો. એ પણ નાટકની સફળતામાં એક મહત્વનું કારણ હતું. પરંતુ ‘અબજોના બંધન’ પછી એ બંનેને અને નૃસિંહ વિભાકરને પણ હવે કદાચ પરસ્પરમાં રસ નહોતો રહ્યો. બાપુલાલને સાંપ્રત વિષયોમાં રસ હતો અને તેથી એ પછી મૂલાણી પાસે ‘હોમરૂલ ચળવળ’ અને સ્વદેશી ભાવનાનો પડઘો પાડતું ‘ધર્મવીર’ નાટક તેમણે લખાવ્યું, પણ તત્કાલીન વિદેશી સરકારે એ નાટકને સેન્સર કર્યું હતું.

બીજી બાજુ એકલા પડી ગયેલા વિભાકરે 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક બહાર પાડ્યું. દુર્ભાગ્યે એ એક જ વર્ષ ચાલી પછીથી ‘નવચેતન’ સાથે જોડાઈને બંધ પડ્યું. આ ત્રૈમાસિકમાં નૃસિંહ વિભાકરે રંગભૂમિ ઉદ્ધારના પોતાના પ્રયાસો વ્યવસ્થિત બનાવ્યા. ચાર પ્રકાશિત નાટકોની પ્રસ્તાવનાઓમાં એમણે ગુજરાતની નાટકશાળાઓ વિશે ધગધગતા લેખો લખ્યા. વ્યવસાયીકરણ, નિરક્ષરતા, તેજોદ્વેષ, સનસનાટી અને અણઆવડતથી સબડતી તત્કાલીન રંગભૂમિમાં અન્યોની જેમ એ પણ ખૂબ ગૂંગળાયા હતા. અન્ય વ્યવસાયી નાટ્યકારોએ એમની ધગશ કે હોંશને આવકારી નહોતી. તેમ નૃસિંહ વિભાકરમાં પણ નાટ્યરચના કે કથાવિકાસપ્રક્રિયાની કોઈ મેધાવી શક્તિ નહોતી, જે અન્ય નાટ્યકારોને પ્રેરણારૂપ બની શકે. આમ તો સાડત્રીસ વર્ષની કાચી ઉંમરે પાંડુરોગના કારણે થયેલા એમના અવસાનથી, રંગભૂમિને નાટકશાળા (એટલે કે નાટ્યશિક્ષણ કેન્દ્ર) બનાવવાનો એમનો ખ્યાલ સિદ્ધ થઈ શક્યો નહિ, તેમ છતાં 1913થી 1923ની સર્જક મથામણના નાયક તો, અનેક દૃષ્ટિએ નૃસિંહ વિભાકરને જ ગણવા પડે, એવું એમનું પ્રદાન છે.

વળી નૃસિંહ વિભાકરે પત્રકાર તરીકે વિવિધ વિષયો પર લખેલા લેખોનો સંગ્રહ ‘આત્મનિવેદન’ (1924) તેમજ ભાવનાપ્રધાન નવલકથા ‘નિપુણચંદ્ર’ (1924) પણ આપેલ છે.

હસમુખ બારાડી