વિન્સૉર, જૅકી

February, 2005

વિન્સૉર, જૅકી (Winsor, Jackie) (. 1941, કૅનેડા) : આધુનિક અલ્પતમવાદી (minimalist) કૅનેડિયન મહિલા શિલ્પી. મહાન ગ્રીક ફિલસૂફ પ્લેટોએ જેની હિમાયત કરેલી તે ચોરસ, ઘન, વર્તુળ, દડો, ત્રિકોણ, પિરામિડ, નળાકાર જેવા ભૌમિતિક આકારોથી તેમની શિલ્પસૃદૃષ્ટિ રચાઈ છે. દૃશ્યમાન જગતની અનુકૃતિ કરવી તેમણે મુનાસિબ માની નથી. વળી શિલ્પમાં એકથી વધુ નહિ, પણ એક જ ભૌમિતિક આકાર રચી આત્યંતિક સાદગી પર તેઓ ભાર મૂકે છે. આવા આકારોને તેઓ અંદરથી પોલા રાખે છે અને બહારની સપાટીમાં બાકોરાં રાખે છે; જેમાંથી દર્શક અંદરની જગ્યામાં સહેલાઈથી ડોકિયાં કરી શકે. આવા ભૌમિતિક આકારો જાણે તૂટેલીફૂટેલી અવસ્થામાં હોય તેવાં ભાંગેલાં જેવાં દેખાતાં શિલ્પો પણ વિન્સૉરે કંડાર્યાં છે. ‘વહેલો કે મોડો દરેક સર્જનનો નાશ નિશ્ચિત છે જ.’ – આ દલીલ તેઓ આ પ્રકારના શિલ્પસર્જન માટે કરે છે અને સાંસારિક માયાજાળની ક્ષણભંગુરતા પર  નાશવંતતા પર ભાર મૂકે છે.

અમિતાભ મડિયા